આ વર્ષે સૌથી મોટી ભરતી ૨૬ જૂને થવાની શક્યતા છે. એ દિવસે ૪.૭૫ મીટર કરતાં પણ ઊંચાં મોજાં ઊછળી શકે છે.
પ્રતીકાત્મક તસવીર
આજથી ચાર દિવસ, ૨૪થી ૨૭ જૂન મોટી ભરતી રહેશે અને અરબી સમુદ્રમાં ૪.૫ મીટર કરતાં ઊંચાં મોજાં ઊછળવાની શક્યતા છે. એથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ મુંબઈગરાઓને દરિયાકિનારાથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ દરિયાકિનારા પર પોલીસ-પૅટ્રોલિંગ વધારવાની ગોઠવણ કરી છે.
BMCએ કહ્યું કે ભરતી વખતે ૪.૫ મીટર કરતાં વધુ ઊંચાં મોજાં ઊછળે અને એ વખતે જો વરસાદ પણ હોય તો એ વધુ જોખમી બની શકે છે, પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.
ADVERTISEMENT
આ વર્ષે મૉન્સૂનના ચાર મહિના જૂનથી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧૯ દિવસ મોટી ભરતીના રહેવાના છે. આ વર્ષે સૌથી મોટી ભરતી ૨૬ જૂને થવાની શક્યતા છે. એ દિવસે ૪.૭૫ મીટર કરતાં પણ ઊંચાં મોજાં ઊછળી શકે છે.
BMCના એક ઑફિસરે આ બાબતે કહ્યું હતું કે જો ભરતીના સમયે ભારે વરસાદ હશે તો ફ્લડગેટ બંધ કરવામાં આવશે જેથી દરિયાનું બૅક-વૉટર શહેરમાં ધસી ન આવે અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય.
BMCએ આ સંદર્ભે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરતાં કહ્યું છે કે ભરતીના આ દિવસો દરમ્યાન સાવચેત રહે અને BMC દ્વારા આપવામાં આવતી સેફ્ટીને લગતી સુચનાઓનું પાલન કરવામાં આવે.

