વળતરમાં વિલંબ બદલ ઍર ઇન્ડિયાને અમેરિકાના વકીલનો ટોણો
પ્રતીકાત્મક તસવીર
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI171ની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા આશરે ૬૫થી વધારે પરિવારોનું પ્રતિનિધિત્વ કરનારા અમેરિકન વકીલ માઇક ઍન્ડ્રુઝે વળતર આપવામાં વિલંબ બદલ ઍર ઇન્ડિયાની ટીકા કરી હતી. તેમણે તાતા ગ્રુપના ભૂતપૂર્વ અધ્યક્ષ રતન તાતાને યાદ કરીને કહ્યું હતું કે ‘જો રતન તાતા જીવતા હોત તો આવી પરિસ્થિતિ ન સર્જાત. આવી અટપટી પ્રક્રિયા અસ્તિત્વમાં જ ન હોત. તેમની હાજરી શોકગ્રસ્ત પરિવારોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એને દૂર કરી શકી હોત.’
અમેરિકામાં પણ અમે જાણીએ છીએ કે રતન તાતા કોણ હતા એવું કહેતાં માઇક ઍન્ડ્રુઝે જણાવ્યું હતું કે ‘અમે તેમની નીતિ અને નમ્રતા તથા કર્મચારીઓની સંભાળ રાખવાની તેમની પ્રતિબદ્ધતા વિશે જાણીએ છીએ. જો તેઓ આજે હયાત હોત તો અમે માનતા નથી કે વળતરની ચુકવણી માટે આવી અમલદારશાહી જેવી અટપટી પ્રક્રિયા કરવામાં આવી હોત. ચુકવણીમાં આટલો વિલંબ ન થયો હોત.’


