ખેડૂતોને હેક્ટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની મદદ અને સંપૂર્ણ લોન માફ કરવાની માગણી કરી છે
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલથી બે દિવસ મુંબઈ આવવાના છે અને વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે તેમને પત્ર લખીને રાજ્યમાં વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને હેક્ટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની મદદ અને સંપૂર્ણ લોન માફ કરવાની માગણી કરી છે.
ઉદ્ધવ ઠાકરેએ પત્રમાં લખ્યું હતું કે ‘આખું મરાઠવાડા આજે પણ કીચડ અને પાણીમાં ડૂબેલું છે. પાક, ઘર અને પશુધન બધું તણાઈ ગયું છે. જમીન પૂર્ણપણે ધોવાઈ ગઈ છે. એ જમીન પર બે પેઢી સુધી ખેતી નહીં થઈ શકે. ૪૦ લાખ ખેડૂતો અને ૬૦ લાખ હેક્ટર ખેતીની જમીન પૂરને કારણે અસરગ્રસ્ત થઈ છે. વડા પ્રધાને પૅકેજના નામે માત્ર દેખાડો ન કરતાં હેક્ટરદીઠ ૫૦,૦૦૦ રૂપિયાની સીધી મદદ અને સંપૂર્ણ લોન-માફીની જાહેરાત કરવી જોઈએ. જો અસરગ્રસ્ત ખેડૂતોની મદદ અત્યારે નહીં કરવામાં આવે તો મરાઠવાડાના ખેડૂતોની બે પેઢી બરબાદ થઈ જશે. એટલે હું એ ખેડૂતો તરફથી વડા પ્રધાનને વિનમ્ર નિવેદન કરું છું કે તેઓ ખોખલી ઘોષણા ન કરે.’
ADVERTISEMENT
રાજ્યમાં ગયા મહિને વરસાદે વરસાવેલા કાળા કેરને લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે ૨૫૦૦ કરોડનું રાહત પૅકેજ જાહેર કર્યું છે. જોકે સામે વિરોધ પક્ષનું કહેવું છે કે આ પૅકેજ પૂરતું નથી. હવે જ્યારે વડા પ્રધાન મહારાષ્ટ્ર આવી રહ્યા છે ત્યારે ખેડૂતો તેમની સામે આશાભરી મીટ માંડીને બેઠા છે.


