ઠાકરે બંધુઓ વચ્ચેની મુલાકાત પછી સંજય રાઉતે યુતિની ચર્ચા પર મહોર મારીને કહ્યું કે બન્ને ભાઈઓ સાથે આવવા માટે ઉત્સુક છે
સંજય રાઉત
ગઈ કાલે શિવસેના (UBT)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના નિકટવર્તી સંજય રાઉતે રાજ ઠાકરે સાથે શિવસેના (UBT)ની યુતિ વિશે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૬ મહિનાથી ઠાકરે બંધુઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેમાં નજદીકી વધી છે. હવે તેમની વચ્ચે યુતિ થવાની વાત આગળ વધી ગઈ છે. બન્ને એકસાથે આવવાની મન:સ્થિતિમાં છે. સ્થાનિક સ્તરે પણ નેતાઓ છેલ્લા તબક્કા સુધી પહોંચી ગયા છે અને એમાં પારોઠનાં પગલાં લેવાય એવી શક્યતા નથી.’
બાંદરા-ઈસ્ટની MIG ક્લબમાં શનિવારે સંજય રાઉતના પૌત્રની નામકરણવિધિ હતી. એમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સજોડે આવ્યા હતા. રાજ ઠાકરે ત્યાંથી માતોશ્રી ગયા હતા. એ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ૪૦ મિનિટ સુધી બંધબારણે ચર્ચા થઈ હતી. સંજય રાઉતે કહ્યું હતું કે આ બેઠકમાં રાજકીય ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈનો મેયર ભગવાની નીચે મરાઠી જ બનશે. એટલું જ નહીં, તે દિલ્હીની સામે કુર્નિશ બજવાતો નહીં હોય. આ યુતિ હવે દિલ અને દિમાગથી બનશે. આ રાજકીય યુતિ નહીં હોય પણ તન, મન અને ધનની યુતિ હશે.’
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) મહાયુતિમાં સામેલ થનારો ચોથો પક્ષ બનશે? એવું જ્યારે પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ વિશે રાજ ઠાકરે જ કશું ચોક્કસ કહી શકે.
MNSએ હજી મગનું નામ મરી નથી પાડ્યું
જોકે આ બાબતે MNSના એક પદાધિકારીએ કહ્યું હતું કે ‘કોઈ રાજકીય ચર્ચા નથી થઈ. રાજ્યમાં ૨૭ સુધરાઈઓની ચૂંટણી છે ત્યારે દરેક બેઠક માટે ડીટેલ ડિસ્કશન થવું જરૂરી હોય છે. BMCની ચૂંટણીઓનું ગણિત અલગ હોય છે. એથી સ્થાનિક સ્તરે નેતાઓ સાથે બેસીને એનો નિર્ણય લેવાતો હોય છે.’


