ઠાકરે બ્રધર્સની યુતિ થશે કે નહીં એની ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું સૂચક સ્ટેટમેન્ટ
ઉદ્ધવ ઠાકરે
છેલ્લા થોડા દિવસથી શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે યુતિ થશે એવા સમાચાર વહેતા થયા છે એને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાટો આવી રહ્યો છે. આવનારા સમયમાં મુંબઈ સહિત રાજ્યની મહત્ત્વની સુધરાઈઓ અને નગરપાલિકાઓની ચૂંટણીઓની જાહેરાત થવાની છે ત્યારે બન્ને પક્ષોની યુતિ કેવાં સમીકરણો રચી શકે એના પર લોકોની નજર છે. હવે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ‘થોડા દિવસ ખમો, મહારાષ્ટ્રના મનમાં જે છે એ થશે. યુતિ થશે કે નહીં એની ચર્ચા પર હવે કોઈ સંકેત નહીં આપું, સીધા સમાચાર જ આપીશ.’
રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે જો ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે મિલન થાય અને તેમની યુતિ થાય તો મરાઠી મતદારો લાગણીમાં આવીને તેમને મતદાન કરી શકે અને એનો સૌથી મોટો ફટકો એકનાથ શિંદેની શિવસેનાને પડી શકે.
ADVERTISEMENT
શિવતીર્થ અમારા માટે કૅફેટેરિયા નહીં, ઘર જ છે : સંજય રાઉત
બન્ને બાજુના કાર્યકરો આ જ ઇચ્છે છે એવી વાતો વહેતી થયા પછી ગુરુવારે રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ કહ્યું હતું કે ‘રાજ ઠાકરેનો નંબર આદિત્ય ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બન્ને પાસે છે. એક ફોન કરવામાં તેમને વાંધો ન હોવો જોઈએ. મીડિયામાં સ્ટેટમેન્ટ આપવાથી યુતિ થતી નથી. યુતિ કરવા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ એકબીજા સાથે વાત કરવી જોઈએ. સંજય રાઉત વાત કરવા કૅફેટેરિયામાં આવી શકે છે.’
વાત એમ હતી કે થોડા વખત પહેલાં રાજ ઠાકરેના ઘરે BJP અને શિવસેના શિંદેસેનાના નેતાઓ જતા હતા એ વખતે એ મુલાકાતો વ્યક્તિગત હતી એમ નેતાઓ કહેતા હતા, પણ ત્યારે સંજય રાઉતે કહ્યું હતું કે રાજ ઠાકરેએ કૅફેટેરિયા ખોલ્યું છે.
હવે સંજય રાઉતે અમિત ઠાકરેએ કરેલા કૅફેટેરિયાનો ઉલ્લેખ કરતા સ્ટેટમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે અમારા માટે શિવતીર્થ (રાજ ઠાકરેનું નિવાસસ્થાન) કૅફેટેરિયા નહીં પણ અમારું ઘર જ છે.
પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે : સંજય રાઉત
સંજય રાઉતે બન્ને ભાઈઓ વચ્ચે ફોન થઈ પણ ગયો હોઈ શકે એમ જણાવતાં કહ્યું હતું કે ‘યુતિ થવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. કોઈ પણ બાબત માટે સમય લાગે. બી રોપો, પાણી પાઓ, ખાતર નાખો ત્યારે રોપ વધે અને ડાળીઓ ફૂટે, ઝાડ બને અને ફળ આવે. આ પ્રોસેસ હોય છે. એમ યુતિની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. ફળ આવશે એટલે એ પણ દેખાશે.’
એ તેમણે નક્કી કરવાનું છે, અમારે એનાથી શું? : દેવેન્દ્ર ફડણવીસ
ઉદ્ધવ ઠાકરેની સેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે સંભવિત યુતિ થશે એવો સવાલ જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રેસિડન્ટ રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ નક્કી કરવાનું છે કે તેમણે બન્ને પાર્ટીઓની યુતિ કરવી કે નહીં. અમને એની સાથે કંઈ લાગેવળગે નહીં.’
આ બાબતે અજિત પવારને પત્રકારે સવાલ કર્યો ત્યારે તેમણે પોતાની ખાસ સ્ટાઇલમાં કહ્યું હતું કે ‘રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે કે એન્જિન અને મશાલ સાથે જશે કે નહીં. તું અને હું એના પર ચર્ચા કરીએ એનો કોઈ અર્થ નથી.’
મતનું રાજકારણ
એવી ચર્ચા છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તરફથી ઉદ્ધવ ઠાકરેને પૉસિબલ યુતિ માટે શરત એવી મૂકવામાં આવી છે કે તે કૉન્ગ્રેસ સાથે છેડો ફાડે. મહા વિકાસ આઘાડીની સરકાર રચ્યા પછી શિવસેના (UBT)ને કૉન્ગ્રેસને સાથ આપ્યા પછી અઢળક મુસ્લિમ મત મળ્યા હતા એ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં જણાઈ આવ્યું હતું. હવે જો રાજ ઠાકરેનો સાથે જોઈતો હોય તો મુસ્લિમ મતો પર પાણી ફરી વળે એટલે આવું રિસ્ક લેવું કે નહીં એવી અવઢવમાં ઉદ્ધવ ઠાકરે હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.

