૧૯૯૭માં રાજ્ય સરકારે આ સ્કીમ જાહેર કરી હતી, પરંતુ ૨૦૧૫થી આ યોજના અભરાઈ પર ચડાવી દેવાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓનાં ફેવરિટ વીક-એન્ડ ડેસ્ટિનેશનમાંનું એક અલીબાગ છે. ત્યાં હવે ગોવા અને કેરલાની જેમ લોકલ જગ્યાઓ ફરવા માટે ભાડેથી બાઇક અને સ્કૂટર મળશે. ટ્રાન્સપોર્ટ વિભાગે બે ઑપરેટર્સને આ માટેનાં લાઇસન્સ ઇશ્યુ કર્યાં છે.
રાજ્ય સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટી (STA)એ ઑગસ્ટ મહિનામાં રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ, ૧૯૯૭ હેઠળ બે લાઇસન્સને મંજૂરી આપી હતી. તેઓ કલાક મુજબ અથવા દૈનિક ધોરણે ટૂરિસ્ટ તથા શૉર્ટ-ટર્મ યુઝર્સને ટૂ-વ્હીલર્સ ભાડા પર આપી શકશે.
ADVERTISEMENT
અગાઉ અમુક સ્થાનિકો અને હોટેલમાંથી ગેરકાયદે રીતે ટૂ-વ્હીલર્સ ભાડે મળતાં હતાં. હવે લાઇસન્સ ધરાવતા ઑપરેટર્સ પાસેથી ટૂરિસ્ટો કાયદેસર ટૂ-વ્હીલર્સ ભાડે લઈ શકશે. એમાં વિવિધ પરવાનગીઓ, ઇન્શ્યૉરન્સ અને ફિટનેસનાં સર્ટિફિકેટ્સ હશે તેમ જ આ વાહનોને પાર્ક કરવા તેમ જ મેઇન્ટેનન્સ માટે અલાયદી વ્યવસ્થા પણ હશે. લાઇસન્સની પાંચ વર્ષ સુધીની સમયમર્યાદા છે. એની વાર્ષિક ફી ૧૦૦૦ રૂપિયા ભરવાની રહેશે.
૧૯૯૭માં રાજ્ય સરકારે આ સ્કીમ જાહેર કરી હતી, પરંતુ ૨૦૧૫થી આ યોજના અભરાઈ પર ચડાવી દેવાઈ હતી. ૧૦ વર્ષે ફરી રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ હેઠળ ટ્રાન્સપોર્ટ વિભાગે લાઇસન્સ આપવાનું શરૂ કર્યું છે. સાઇટસીઇંગ કરવા માટે રિક્ષા કે ટૅક્સીવાળા મનફાવે એવા ભાવ લેતા હોય છે. આ રીતે ટૂ-વ્હીલર પર જ આસપાસનાં સ્થળોએ ફરવાની મંજૂરી મળતાં હવે ટૂરિસ્ટ પાસેથી બેફામ ભાડાં વસૂલવા પર પણ રોક લાગશે એમ ટ્રાન્સપોર્ટ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.


