Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં બે અલગ-અલગ ઘટનામાં કાર અને ટ્રક બળીને ખાખ

થાણેમાં બે અલગ-અલગ ઘટનામાં કાર અને ટ્રક બળીને ખાખ

Published : 27 May, 2026 07:31 AM | Modified : 27 May, 2026 07:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કારમાં સવાર ૪ મિત્રો સહિત પાંચ લોકોનો આબાદ બચાવ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


થાણેમાં મંગળવારે વહેલી સવારે બે અલગ-અલગ અકસ્માતોમાં એક કાર અને એક ટ્રક ભડકે બળ્યાં હતાં. સદ્નસીબે બન્ને ઘટનાઓમાં સમયસૂચકતાને કારણે કુલ પાંચ લોકોને બચાવી શકાયા હતા.

થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આપેલી માહિતી મુજબ પ્રથમ ઘટના મુંબઈ-નાશિક હાઇવે પર સાકેત બ્રિજ નજીક વહેલી સવારે ૪.૦૬ વાગ્યે બની હતી. કલ્યાણ બાયપાસથી ઘોડબંદર રોડ પર આવેલા ગાયમુખ તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. એમાં ૪ મિત્રો સવાર હતા. કારમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને ડ્રાઇવરે તાત્કાલિક ગાડી રસ્તાની બાજુએ રોકી દીધી હતી અને એમાં બેઠેલા ૪ લોકો તથા ડ્રાઇવર સમયસર બહાર નીકળી ગયા હતા. ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમે ઘટનાસ્થળે પહોંચીને સવારે ૪.૫૪ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.



આ ઘટનાના થોડા સમય બાદ વહેલી સવારે ૪.૩૩ વાગ્યે કૅસલ મિલ નાકા પાસે આવેલા અંબે ઘોસાળે તળાવ નજીક પાર્ક કરેલી એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ટ્રકના ડ્રાઇવરની કૅબિનને ભારે નુકસાન થયું હતું. આ સમયે ટ્રકમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર-બ્રિગેડે સવારે ૫.૦૫ વાગ્યા સુધીમાં આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.
આ બન્ને વાહનોમાં આગ કયા કારણે લાગી એનું ચોક્કસ કારણ જાણવા માટે અત્યારે તપાસ ચાલી રહી છે.


લોઅર પરેલમાં સન મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ

 ૪ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો, કપડાંનો જથ્થો બળીને ખાખ


લોઅર પરેલ વિસ્તારમાં સીતારામ જાધવ માર્ગ પર આવેલા સન મિલ કમ્પાઉન્ડમાં મંગળવારે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડને આગને કાબૂમાં લેવા માટે અંદાજે ૪ કલાકથી વધુ સમય લાગ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્યાં રાખેલો કપડાં અને અન્ય સામગ્રીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર-બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની આ ઘટના સવારે ૭.૪૨ વાગ્યે નોંધાઈ હતી. સન મિલ કમ્પાઉન્ડની અંદર આવેલા ગ્રાઉન્ડ પ્લસ વન બિલ્ડિંગના પહેલા માળે રાખવામાં આવેલાં કપડાં અને અન્ય માલસામાનના સ્ટૉકમાં આ આગ લાગી હતી.ફાયર-ફાઇટરોના પ્રયાસો બાદ સવારે ૧૧.૨૮ વાગ્યે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો હતો. બિલ્ડિંગમાં આગ કયા કારણે લાગી એનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્રીજા માળે ગ્રિલ પર લટકી રહેલા બકરાને યુવાનોએ સૂઝબૂઝથી બચાવ્યો

મુસ્લિમ બિરાદરો બકરી ઈદ નિમિત્તે બકરાની કુરબાની આપતા હોય છે. જોકે મુંબ્રાના કૌસા વિસ્તારમાં એક બકરો ત્રીજા માળની બારીની બહારની ગ્રિલ પર લટકતો અને જીવ બચવવા તડફડિયાં મારતો જોવા મળ્યો હતો. લોકોનું ધ્યાન જતાં જ બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક યુવાનોએ એ બકરાને બચાવી લેવા હામ ભીડી હતી અને પ્રયાસ શરૂ કર્યા હતા. આ આખી ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એક યુવાન ટેરેસ પરથી છજા પર સીડી મૂકીને ઊતરે છે અને ત્યાર બાદ તે ગ્રિલ પર લટકી રહેલા બકરાના ગળામાં દોરીનો ગાળિયો ભરાવી દે છે. દોરીનો બીજો છેડો ઉપરથી બીજા યુવાનો પકડી રાખે છે અને એ બકરાને ઉપર ખેંચીને બચાવી લેવાય છે. એક બકરાને બચાવવા યુવાનોએ કરેલી એ સાહસિકતાને મુંબ્રાના લોકોએ બિરદાવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK