પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તમામ જાનવરોને વિરાર ખાતે આવેલી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે.
દેવનાર કતલખાનામાં જતાં ૪૬ જાનવરોને બચાવી લેવાયાં હતાં.
બકરી ઈદ નિમિત્તે મુંબઈના દેવનાર કતલખાનામાં ગેરકાયદે રીતે જતા મોટાં જાનવરો ભરેલા બે ટેમ્પોને પોલીસની મદદથી જીવદયા સંસ્થા દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ ટેમ્પોમાંથી કુલ ૪૬ ભેંસ-પાડા મળી આવ્યાં હતાં. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તમામ જાનવરોને વિરાર ખાતે આવેલી પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે.
મૂંગાં જનાવરો માટે કામ કરતા કરુણા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી ભાવિન ગાઠાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને માહિતી મળી હતી કે દેવનાર કતલખાનામાં ટેમ્પો ભરીને જાનવરો ગેરકાયદે કતલખાનામાં જઈ રહ્યાં છે. એથી કાપુરબાવડી પોલીસ-સ્ટેશનની મદદથી અમે થાણેથી દેવનાર કતલખાનામાં છૂપી રીતે જાનવરોને લઈ જઈ રહેલા ટેમ્પોને પકડ્યો હતો. આ ટેમ્પોમાંથી અમને ૨૭ ભેંસ અને પાડા મળી આવ્યાં હતાં. એના પર પોલીસે કાર્યવાહી કર્યા બાદ નવઘર પોલીસ-સ્ટેશનની હદમાંથી ૧૯ ભેંસ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. મુલુંડ ચેકનાકા પાસેથી આ ટેમ્પો પસાર થતી વખતે ગેરકાયદે કતલખાનાએ જતાં જાનવરોને બચાવી લેવાયાં હતાં. પોલીસની મદદથી અમે ૪૬ જાનવરોને બચાવી લીધાં છે. આ તમામ જાનવરોને વિરાર ખાતે આવેલી સકવાર પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાં છે. આ પાંજરાપોળના ટ્રસ્ટી ભરત મહેતાને કારણે જાનવરો બચી શક્યાં છે, કારણ કે મુંબઈમાં ફક્ત આ જ પાંજરાપોળ હાલમાં પ્રાણીઓને સ્વીકારીને એમની આજીવન સંભાળ રાખે છે. હાલમાં અહીં ૧૪૦૦ પ્રાણીઓ છે.’