વહેલી સવારે કામ પર આવી રહ્યા હતા ત્યારે જુદી-જુદી જગ્યાએ અજાણ્યા લોકોએ હુમલો કર્યો : ત્રીજા એક યુવક પર પણ હુમલો થયો
હત્યા કરવામાં આવેલા સાંઈ સંસ્થાનના કર્મચારી સુભાષ ઘોડે અને નીતિન શેજુળ.
શિર્ડીમાં આવેલા સાંઈબાબાના મંદિરનું સંચાલન કરતા શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના કર્મચારી સુભાષ ઘોડે અને નીતિન શેજુળ તેમના ઘરેથી ગઈ કાલે વહેલી સવારે મંદિર તરફ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થવાથી બાદમાં બન્ને કર્મચારીનાં મૃત્યુ થયાં હતાં. આ બે હત્યાના સમાચાર સવારના વહેતા થયા હતા ત્યારે શિર્ડીમાં જ કૃષ્ણા દેહરકર નામના યુવક પર પણ મોટરસાઇકલ પર આવેલા લોકોએ હુમલો કર્યો હોવાનું જાણવા મળતાં શિર્ડીમાં ખળભળાટ મચી ગયો છે. આ ત્રણેય હુમલા લૂંટને ઇરાદે કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.
ADVERTISEMENT
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સુજય વિખે-પાટીલે કહ્યું હતું કે ‘શિર્ડીમાં ફ્રીમાં ભોજનશાળા ચલાવવામાં આવે છે એને કારણે જ ગુનેગારી વધી રહી છે. બહારના લોકોને મફત ભોજન મળી રહે છે એટલે તેઓ અહીં આવે છે. આમાંના કેટલાક ડ્રગ્સને રવાડે ચડી ગયા હોવાનું પણ જણાયું છે. નશીલા પદાર્થ ખરીદવા માટે તેમની પાસે રૂપિયા નથી હોતા એટલે તેઓ લૂંટફાટ કરવા લાગ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે શિર્ડીના મંદિર દ્વારા ચલાવવામાં આવતી ભોજનશાળામાં કોઈને મફતમાં પ્રસાદ ન આપવો જોઈએ. એક જ દિવસમાં ત્રણ હુમલા થવાથી આશા છે કે મારી આ વાત પર સાંઈ સંસ્થાન ધ્યાન આપશે.’

