સગા ભાઈ કે નજીકના લોકોએ જ હત્યા કરીને ગુજરાતના ભિલાડ પાસેની ખાણમાં કાર સાથે ફેંકી દીધો હોવાની શંકા
ગઈ કાલે અશોક ઘોડીનો મૃતદેહ પાણીમાંથી કાઢવામાં આવેલી તેમની કારમાંથી મળી આવ્યો હતો.
એકનાથ શિંદેની શિવસેનાના પાલઘરના વરિષ્ઠ નેતા અશોક ઘોડી ૧૨ દિવસથી રહસ્યમય રીતે ગાયબ હતા. તેમને શોધવા માટે પોલીસ અને પરિવારજનો આકાશપાતાળ એક કરી રહ્યા હતા. ગઈ કાલે અશોક ઘોડીનો મૃતદેહ ગુજરાતના ભિલાડ પાસેના ત્યજી દેવાયેલી ખાણમાં ભરેલા પાણીમાં ડૂબેલી તેમની જ કારની ડિકીમાંથી મળી આવ્યો હતો. અશોક ઘોડીની હત્યા તેમના સગા ભાઈ કે નજીકના સંબંધીઓએ જ કરી હોવાની શંકા છે. આરોપીઓએ અશોક ઘોડીનું અપહરણ કરીને હત્યા કર્યા પછી તેમના મૃતદેહને કારની ડિકીમાં નાખીને પોલીસથી બચવા માટે પાણીમાં ધકેલી દેવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
પાલઘરના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલના જણાવ્યા મુજબ દહાણુના અશોક ઘોડીને શોધવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા ત્યારે ભિલાડ પાસેના ત્યજી દેવાયેલી ખાણ પાસેથી બ્લૅક જૅકેટ અને સફેદ હેડફોન મળી આવ્યાં હતાં. આથી અશોક ભિલાડ નજીકમાં જ હોવાની શક્યતા હતી. કાર સાથે ગાયબ હતા ત્યારે પાણીમાં પણ હોઈ શકે છે એવો વિચાર આવ્યા બાદ ખાણમાં ભરેલા પાણીમાં લોકોને ઉતારવામાં આવ્યા હતા ત્યારે પાણીમાંથી એક લાલ રંગની કાર મળી આવી હતી. અઢી કલાકે ક્રેનની મદદથી કારને બહાર કાઢીને તપાસી તો એની ડિકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. અશોક ઘોડી મિસિંગ હતા એટલે તેમના ફોટા સાથે મૃતદેહને સરખાવતાં મૃત્યુ પામેલી વ્યક્તિ અશોક ઘોડી જ હોવાનું જણાઈ આવ્યું હતું. મૃતદેહને બાદમાં પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે. અપહરણ અને હત્યાના આ મામલામાં પહેલેથી જ ચાર શંકાસ્પદોને તાબામાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મળેલી માહિતી મુજબ અશોક ઘોડીની હત્યા તેમના ભાઈ કે નજીકના સંબંધીએ કરી હોવાની શંકા છે. અશોક ઘોડીના ભાઈ સહિતના ત્રણ લોકો પલાયન છે એટલે તેમને પકડવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પાલઘર શિવસેનાના ૫૪ વર્ષના નેતા અશોક ઘોડી સામાજિક કાર્યકર પણ હતા. પાલઘર જિલ્લામાં લિકર માફિયાઓ સામે અશોક ઘોડી ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા એટલે તેમનું અપહરણ અને હત્યા આવા માફિયાઓએ કરાવી હોવાની શંકા શિવસેનાના આ નેતાના પરિવારે વ્યક્ત કરી હતી.

