મુંબ્રા પાસે ખીચોખીચ ભરેલી લોકલ ટ્રેનોમાંથી બહાર પટકાઈને ચાર જણે જીવ ગુમાવ્યા : લોકો કઈ રીતે ફંગોળાયા એની અનેક થિયરી : રેલવેએ આખરે અચાનક જાગીને જાહેરાત કરી કે દરવાજાવાળી નૉન-AC લોકલની ડિઝાઇન ફાઇનલ કરી દેવામાં આવી
ગઈ કાલે મુંબ્રા પાસે ટ્રેનમાંથી પડીને પાટા પાસે પડેલા લોકો
ડોમ્બિવલીમાં ડ્રીમ હોમ ખરીદવા જતા થાણેના ગુજરાતી IT એન્જિનિયરે પણ જીવ ગુમાવ્યો આ ગમખ્વાર અકસ્માતમાં
મુંબ્રા રેલવે-સ્ટેશન નજીક ગઈ કાલે સવારે ૧૩ નાગરિકો ટ્રેનમાંથી નીચે પડી ગયા હતા જેમાંથી ચાર જણનાં મૃત્યુ થયાં હતાં. આ અકસ્માતમાં થાણેના ઘોડબંદર રોડ પર તુલસીધામની ગ્રીનવુડ પાર્ક સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષના ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) એન્જિનિયર મયૂર શાહનું પણ મૃત્યુ થયું હતું. મયૂર ગઈ કાલે સવારે થાણેથી ડોમ્બિવલી પોતાના સપનાનું ઘર લેવું હોવાથી ઘરમાલિક સાથે વાતચીત કરવા જઈ રહ્યો હતો. એ સમયે લોકલ ટ્રેનની ભીડને કારણે તે દરવાજા પાસે ઊભો રહી મુસાફરી કરી રહ્યો હતો. દરમ્યાન એકાએક આવેલા ધક્કાને કારણે મયૂરનો હાથ લપસી પડતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હોવાની માહિતી પોલીસે આપી હતી.
ADVERTISEMENT
મયૂરના સંબંધી સંતોષ દોશીએ પત્રકારો સાથે વાત કરતાં માહિતી આપી હતી કે ‘મયૂર તેનાં ૮૭ વર્ષનાં માતા સાથે ઘોડબંદર વિસ્તારમાં રહેતો હતો. તેની બે બહેનો છે અને બન્ને પરિણીત છે. મયૂરનાં લગ્ન થયાં નહોતાં. તે વિદ્યાવિહારની એક IT ફર્મમાં નોકરી કરતો હતો. ગઈ કાલે સવારે તે ઑફિસ જવા નીકળ્યો હતો એ દરમ્યાન તેને ડોમ્બિવલીમાં જે ફ્લૅટ ખરીદવો હતો એના માલિકે ફોન કરી મીટિંગ માટે બોલાવ્યો હતો એટલે તેણે ઑફિસ જવાને બદલે ડોમ્બિવલી જવાનું નક્કી કર્યું હોય એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.’
વધુ માહિતી આપતાં સંતોષ દોશીએ કહ્યું હતું કે ‘મયૂરના પિતાનું બાવીસ વર્ષ પહેલાં અવસાન થયું હતું ત્યારથી તે તેની માતાનો એકમાત્ર સહારો હતો. તેના મૃત્યુ પછી તેની માતાને ગંભીર આઘાત લાગ્યો છે.’

