Mumbai Local Train Accident: દિવા અને મુમ્બ્રા વચ્ચે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે થાણેમાં પાંચ લોકોના મોત થયા છે; ટ્રેનમાં વધુ ભીડને કારણે અકસ્માત થયો હોવાના સમાચાર
આ ઘટનાના વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશૉટ
મુંબઈ (Mumbai)ની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન (Local Train) આજે મુંબઈકર્સ માટે જીવલેણ બની છે. સેન્ટ્રલ રેલવે (Central Railway)માં થાણે (Thane) પાસે લોકલ ટ્રેનમાં એક ભયાનક ઘટના (Mumbai Local Train Accident) બની છે. જ્યાં સવારે ૯ વાગ્યાની આસપાસ દિવા (Diva) અને મુમ્બ્રા (Mumbra) વચ્ચે પાંચ વ્યક્તિઓ લોકલ ટ્રેનમાંથી પડી ગયા. અહેવાલો દર્શાવે છે કે, આ ઘટનામાં ૩ મહિલાઓ અને ૨ પુરુષો પડી ગયા અને તેમના મોત થયા છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકો ઘાયલ થયાં હોવાના અહેવાલ પણ છે.
View this post on Instagram
ADVERTISEMENT
સોમવારે સવારે, મધ્ય રેલવે લાઇન પર એક મોટો અકસ્માત થયો જેમાં ઘણા મુસાફરો પાટા પર પડી ગયા અને મૃત્યુ પામ્યા. આ ઘટના આજે સવારે ૯.૩૦ વાગ્યે બની હતી. ટ્રેન કસારા (Kaasara)થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (Chhatrapati Shivaji Maharaj Terminus – CSMT) જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો.
પીડિતોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કાલવા હોસ્પિટલ (Kalwa Hospital) લઈ જવામાં આવ્યા હતા પરંતુ હૉસ્પિટલ પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
કસારા જતી ટ્રેનના ગાર્ડ દ્વારા શરૂઆતની ચેતવણી આપવામાં આવી હતી. જોકે, મુસાફરો ખરેખર કઈ ટ્રેનમાંથી પડી ગયા તે હજુ સ્પષ્ટ નથી. અધિકારીઓ હાલમાં મૃતકોની ઓળખ કરવા માટે કામ કરી રહ્યા છે, જેમની ઉંમર ૩૦ થી ૩૫ વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં ૩ મહિલાઓ અને ૨ પુરુષો પડી ગયા અને તેમના મોત થયા છે. આ દુર્ઘટનામાં ૧૨ લોકો ઘાયલ થયાં હોવાનું કહેવાય છે.
મળતી માહિતી પ્રમાણે, થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન નજીક સીએસએમટી જઈ રહેલા ઘણા મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હોવાના અહેવાલ છે. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું અનુમાન છે. પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે.
આ ઘટના અંગે સેન્ટ્રલ રેલવેએ એક નિવેદન જારી કર્યું છે. સમાચાર એજન્સી એએનઆઇને આપેલા એક નિવેદનમાં, સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે, ‘થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે. રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.’
લોકલ ટ્રેન અકસ્માતના અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડૉ. સ્વપ્નિલ નીલાએ માહિતી આપી છે કે, મુમ્બ્રા અને દિવા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા આઠ લોકો નીચે પડી ગયા. આ ઘટના કલ્યાણ જતી ફાસ્ટ લાઇન પર બની છે. પ્રાથમિક માહિતી મુજબ કસારા ટ્રેન અને સીએસએમટી ટ્રેનના ફૂટબોર્ડ પર લટકેલા લોકો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે તેઓ પડી ગયા હતા.આ ઘટનાની જાણ કસારા જતી લોકલ ટ્રેનના ગાર્ડ દ્વારા કરવામાં આવી હતી.
રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. આ દુર્ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.

