Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય ઇકૉનૉમી ગોલ્ડીલૉક્સ હોવાના અર્થને અને સંકેતને સમજવામાં સાર

ભારતીય ઇકૉનૉમી ગોલ્ડીલૉક્સ હોવાના અર્થને અને સંકેતને સમજવામાં સાર

Published : 08 December, 2025 10:20 AM | IST | Mumbai
Jayesh Chitalia

કરેક્શન કરેક્ટ : રિઝર્વ બૅન્કનાં પગલાં સ્ટૉકમાર્કેટ માટે બૂસ્ટર બની શકે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ડૉલર સામે રૂપિયાની નબળાઈ શૅરબજારના મૂડને બગાડી રહી છે. જોકે એકંદરે ઇકૉનૉમી બહેતર ગતિમાં હોવાથી આ ટ્રેન્ડ શૉર્ટટર્મ રહી શકે. રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારતીય ઇકૉનૉમી માટે વાપરેલો ગોલ્ડીલૉક્સ શબ્દનો અર્થ ભારત માટે હાલ સાર્થક જણાય છે. લૉન્ગટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ બહુ મોટો આશાવાદ અને આધાર કહી શકાય. રશિયા અને અમેરિકાનાં પરિબળો માર્કેટના આગામી ટ્રેન્ડમાં ભાગ ભજવશે.

હજી આગલા સપ્તાહમાં શૅરબજાર એની નવી તેજીનાં મંડાણ માંડી રહ્યું હતું અને એમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ-સેન્સેક્સ તેમ જ નિફ્ટી નવાં ઊંચાં શિખરો સર કરવા થનગની રહ્યા હતા. ત્યાં પછીના જ સપ્તાહે, એટલે કે ગયા અઠવાડિયામાં તો કરેક્શન છવાઈ ગયું અને ઇન્ડેક્સ નીચે તરફ દોડવા-ઢળવા લાગ્યા હતા. આવા શૅરબજારના વલણ કે વર્તનને કઈ રીતે સમજી શકાય? સમજવું સંભવ છે? શું નાના-રીટેલ રોકાણકારો આવા રોલર-કોસ્ટરના નાના ઝટકાને પણ પચાવી શકે ખરા? એના કરતાં પણ વધુ મહત્ત્વની વાત એ છે કે સામાન્ય-નાના રોકાણકારો આવી ચાલથી કન્ફ્યુઝ થાય અથવા માર્કેટ વિશે ગેરસમજ બાંધી લેતા હોય છે.

આપણે અગાઉ ઘણી વાર જોયું છે કે શૅરબજાર જે ઝડપે વધે છે એનાથી વધુ ઝડપે ઘટે છે. આમ ઘટવાની ગતિ મોટે ભાગે તેજ હોય છે. તાજેતરમાં રશિયાના વડા ભારત આવ્યા અને ભારત-રશિયા ચોક્કસ વેપાર-કરારો તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે અમેરિકાના વડાની નીતિઓ ભારતને ક્યાંક મોંઘી પડી રહી હોવાનું જણાય છે. રશિયન પ્રેસિડન્ટ પુતિને ભારતના આર્થિક વિકાસની સરાહના પણ કરી છે જેની નોંધ લેવી ઘટે. હવે પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રતિભાવ શું આવશે એ જોવાનું રહેશે.



કરેક્શનનાં કારણો વાજબી


વીતેલા સપ્તાહમાં શૅરબજારમાં જે કરેક્શન આવ્યું એ વાજબી કારણોસર કહી શકાય, એની જરૂર પણ હતી. એથી આ કરેક્શનને ખરીદીની તક બનાવવામાં શાણપણ ગણાય અને આ તકનો ઉપયોગ કરી લેવો જોઈએ, કારણ કે વધતા બજારમાં ખરીદી કરવા કરતાં ઘટતા બજારમાં ખરીદી કરવામાં સાર રહે છે. અનુભવી તેમ જ નિષ્ણાત વર્ગ પણ આવા સમયને તક માને છે. ખાસ કરીને ટ્રેડર્સ માટે વધઘટ વધુ મહત્ત્વની હોય છે, જ્યારે કે લૉન્ગટર્મ રોકાણકારો માટે કરેક્શન ઉત્તમ સમય ગણાય. આ માટે પહેલાં કરેક્શનનાં કારણો સમજવાં જોઈએ. કરેક્શન, અર્થાત્ બજારના કડાકા-ઘટાડાનાં મુખ્ય કારણોમાં ડૉલર સામે રૂપિયાની નબળાઈ છે, ડૉલર સામે ૯૦ આસપાસ પહોંચી ગયેલો રૂપિયો અર્થતંત્ર માટે ચિંતાનું કારણ બને, આ કારણ માટે ભારત કરતાં અમેરિકન પરિબળ વધુ જવાબદાર કહેવાય છે. અમેરિકન ડૉલર મજબૂત થઈ રહ્યો હોવાનાં જુદાં-જુદાં કારણો છે. અમેરિકાએ પોતાની ઇકૉનૉમીને રિવાઇવ તેમ જ વેગીલી કરવી છે, ટ્રમ્પસાહેબ આ માટે સતત ધમપછાડા કરી રહ્યા છે. બીજી બાજુ નબળા રૂપિયાને લીધે ભારતીય માર્કેટમાં ફૉરેન ઇન્વેસ્ટર્સની વેચવાલી વધી. એને કારણે બજારમાં કરેક્શન આવવું સહજ છે. અલબત્ત, સામે સ્થાનિક સંસ્થાઓ ખરીદી કરી રહી છે એ સારી બાબત છે જે બજારને ટેકો આપવામાં સહાયરૂપ બનવા ઉપરાંત પોતાના માટે ભાવિ પ્રૉફિટનો અવકાશ પણ ઊભો કરી રહી છે. રૂપિયાના ઘટાડાનું કારણ ટ્રેડ-ડેફિસિટ છે જેમાં અમેરિકન ટૅરિફ-વિવાદનો ફાળો પણ ગણવો રહ્યો. આ સમસ્યા ઉકેલવાની દિશામાં હોવાનું વારંવાર ચર્ચાય છે, પણ હકીકત જ્યારે વેપાર-કરારનો આખરી નિર્ણય આવશે ત્યારે સામે આવશે. ભારત રશિયા સાથેની દોસ્તીમાં કેટલું અને કેવું આગળ વધે છે એના પ્રત્યાઘાત અમેરિકામાંથી કેવા અને કેટલા આવે છે એ જોવું રહ્યું. અમેરિકન ટૅરિફનો વિવાદ કે સમસ્યા હજી પણ અધ્ધર હોવાથી માર્કેટમાં અનિ​શ્ચિતતા ઊભી છે, જ્યારે કે ગ્લોબલ અનિશ્ચિતતા પણ સે​ન્ટિમેન્ટ-બગાડાનું કારણ બને છે.

રેટ-કટથી રિકવરી


હાલ તો ભારતના GDP ગ્રોથની સ્ટોરીની અસર પણ નબળી પડી છે. FIIનું સતત નેટ સેલ્સ માર્કેટને નીચે લઈ જવામાં કારણ બને છે. શૅરબજારના સેન્સેક્સે ૮૬,૦૦૦નું અને નિફ્ટીએ ૨૬,૦૦૦નું હાઈ લેવલ તોડીને ફરી નીચે જવા તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વૉલેટિલિટી પણ ભાગ ભજવતી રહી હતી. ગુરુવારે બજારે વૉલેટિલિટી બાદ રિકવરી દર્શાવી હતી જેમાં નિફ્ટી પુનઃ ૨૬,૦૦૦ ઉપર બંધ રહ્યો હતો. શુક્રવારે રિઝર્વ બૅન્ક તરફથી રેટ-કટની અપેક્ષિત જાહેરાત બાદ માર્કેટમાં રિકવરી આગળ વધી હતી અને નિફ્ટીએ ૨૬,૦૦૦ ઉપરનું લેવલ જાળવી રાખ્યું હતું. આમ સપ્તાહનો અંત પૉઝિટિવ રહ્યો હતો. જોકે સ્મૉલકૅપના ઘટાડાની નોંધ લેવી જોઈએ. બીજી તરફ IPOનું ભંડોળ એકઠું કરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી જ રહી છે. એટલે કે રોકાણકારોનાં નાણાં ઇ​ક્વિટી તરફ વહેવાનું તો ચાલુ જ રહ્યું છે.

રિઝર્વ બૅન્કના સંકેતો મહત્ત્વના

આખરે જેની ધારણા હતી એ થયું. રિઝર્વ બૅન્કે રેપો-રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો જાહેર કર્યો જેને લીધે માર્કેટમાં પ્રવાહિતા વધવાની શક્યતા છે. એટલું જ નહીં, RBIએ રૂપિયાને ડૉલર સામે તૂટતાં અટકાવવાનાં પગલાં પણ લીધાં છે. ફુગાવાનો દર નીચો રહેતાં રિઝર્વ બૅન્ક પાસે રેટ-કટ અને પ્રવાહિતા વધારવાની સુવિધા ઉપલબ્ધ હતી. રિઝર્વ બૅન્કનાં પગલાં આ મહિનામાં જ અમલમાં આવી રહ્યાં હોવાથી એની અસર પણ ઝડપથી જોવા મળશે. ઇકૉનૉમી અને માર્કેટ માટે સકારાત્મક કહી શકાય એવા રિઝર્વ બૅન્કના ગવર્નર સંજય મલ્હોત્રાના સ્ટેટમેન્ટ અનુસાર આપણો દેશ વિકાસલક્ષી પથ પર મજબૂતી સાથે આગળ વધી રહ્યો છે. તેમણે ભારતીય ઇકૉનૉમીને ગોલ્ડીલૉક્સ ગણાવી છે. અર્થાત્, દેશની ઇકૉનૉમી સમતોલ સ્થિતિમાં છે જે બહુ ગરમ પણ નથી કે મોંઘવારીને આગ લગાડે અને બહુ ઠંડી પણ નથી જે ગ્રોથને મંદ કે ધીમો કરે.

રિઝર્વ બૅન્કના ગ્રોથ-ઇન્ફ્લેશન અંદાજ

ભારત પાસે ફૉરેન એક્સચેન્જ રિઝર્વ હાલમાં ૬૮૬ અબજ ડૉલર (૨૮ નવેમ્બરના રોજ)  જેટલું છે જે એક સપ્તાહ પહેલાં ૬૮૮ અબજ ડૉલર હતું. આ રિઝર્વ ઘટવાનું કારણ રૂપિયાને ટકાવવાના પ્રયાસનું છે. દેશની GDP-વૃ​દ્ધિ બાબતે રિઝર્વ બૅન્કનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ માટે સુધારીને ૬.૮ ટકા સામે ૭.૩ ટકા કરાયો છે. ત્રીજા ક્વૉર્ટર માટે પણ આ દર ૬.૪ ટકાથી સુધારીને ૭ ટકા કરાયો છે, જ્યારે ચોથા ક્વૉર્ટર માટે ૬.૨ ટકા સામે ૬.૫ ટકા કરાયો છે જે ઓવરઑલ ગ્રોથ પર પ્રકાશ પાડે છે. બીજી બાજુ એણે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ઇન્ફ્લેશન રેટનો અંદાજ પણ સુધારીને ૨.૬ ટકા સામે ઘટાડી બે ટકા કર્યો છે. આમ મોંઘવારી દરના મામલે રિઝર્વ બૅન્ક એના લક્ષ્ય તરફ આગળ વધીને એને હાંસલ કરી રહી છે. આ બધાં કારણો વપરાશ, ડિમાન્ડ અને ખર્ચ વધારવામાં સહાયરૂપ થશે. જોકે ઇકૉનૉમી બૅલૅન્સ્ડ (સમતોલ) સ્વરૂપમાં છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર અને સંકેત

રિલાયન્સ ગ્રુપના જિયો પ્લૅટફૉર્મ લિમિટેડે SEBIમાં પોતાનું ડ્રાફ્ટ-પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાની દિશામાં તૈયારી શરૂ કરી દીધી હોવાના અહેવાલ છે. આ એક વધુ જાયન્ટ IPO હશે.

રિઝર્વ બૅન્કે રેપો-રેટ ઘટાડતાં બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરને અસર થશે જે ઘટી શકે છે. એથી FDમાં બચત કરનાર વર્ગ અમુક અંશે એના વિકલ્પ શોધે એ સમયની માગ છે. 
ગયા ગુરુવારે રૂપિયો ડૉલર સામે બાવન પૈસા રિકવર થયો હતો. જોકે હાલ તો ડૉલર મોંઘો થતાં કૉસ્મેટિક્સ, કાર અને વાઇટ ગુડ્સના ખર્ચમાં વૃ​દ્ધિ થઈ છે. એને પરિણામે આ ચીજોના ભાવ વધવાની શક્યતા છે.

ક્રિપ્ટોની માર્કેટ પર ગયા સપ્તાહમાં થયેલી અસરને લીધે માત્ર ૨૬ મિનિટમાં ક્રિપ્ટોના ભાવ ૫૦ ટકાથી વધુ તૂટી ગયા હતા. દરમ્યાન ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં મહિલા વર્ગ પણ સતત સક્રિય થઈ રહ્યો હોવાનું એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

વિશેષ ટિપ

જાણીતા માર્કેટ-એક્સપર્ટ પ્રશાંત જૈને કહ્યું હતું કે મોટા ભાગના રોકાણકારો માહિતીના અભાવને કારણે નહીં, પોતાના વધુપડતા રીઍક્શનને કારણે સહન કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2025 10:20 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK