Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટેક્સટાઇલ કમિશનરને દિલ્હીમાં શિફ્ટ કરવા સામે વેપારીઓમાં નારાજગી

ટેક્સટાઇલ કમિશનરને દિલ્હીમાં શિફ્ટ કરવા સામે વેપારીઓમાં નારાજગી

22 March, 2023 11:43 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

મોટા ભાગનો આ બિઝનેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હોવા છતાં કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે મુંબઈ, સુરત અને અમદાવાદના વેપારીઓેએ દિલ્હી ધક્કા ખાવા પડશે

ન્યુ મરીન લાઇન્સમાં આવેલી ટેક્સટાઇલ કમિશનર ઑફિસ

ન્યુ મરીન લાઇન્સમાં આવેલી ટેક્સટાઇલ કમિશનર ઑફિસ


કેન્દ્ર સરકારના વધુ એક નિર્ણયનો મહારાષ્ટ્રમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટા ભાગે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ છે એટલે ૧૯૪૩માં મુંબઈમાં આ બિઝનેસ સંબંધી કામકાજ જોવા માટે ટેક્સટાઇલ કમિશનરની ઑફિસ શરૂ કરવામાં આવી હતી. જોકે કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ કમિશનર અને ટેક્સટાઇલ કમિટીને મર્જ કરવાનો નિર્ણય લીધો છે એટલે મુંબઈના ટેક્સટાઇલ કમિશનરને પહેલી એપ્રિલથી દિલ્હીમાં ખસેડવામાં આવશે. સરકારે ટેક્સટાઇલના બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓ કે સંગઠનને વિશ્વાસમાં લીધા વિના આ નિર્ણય લીધો છે એટલે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. સરકારના આ નિર્ણયથી હવે મુંબઈ, મહારાષ્ટ્ર અને સુરત તેમ જ અમદાવાદના ટેક્સટાઇલના વેપારીઓએ ઍડ્મિનિસ્ટ્રેશનના કામકાજ માટે છેક દિલ્હીના ધક્કા ખાવા પડશે એવો ડર તેમને સતાવી રહ્યો છે.

કેન્દ્ર સરકારના અન્ડર-સેક્રેટરી જયશ્રી સિવાકુમારે ૧૪ માર્ચે મુંબઈમાં ન્યુ મરીન લાઇન્સમાં આવેલી ટેક્સટાઇલ કમિશનર ઑફિસના અધિકારી રૂપ રાશીને એક પત્ર લખ્યો છે, જેમાં મુંબઈમાં આવેલી આ ઑફિસના કમિશનરની સાથે કેટલાક મહત્ત્વના અધિકારીઓને મુંબઈથી દિલ્હી શિફ્ટ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.



૩૧ માર્ચ સુધીમાં મુંબઈની ઑફિસનું કામકાજ આટોપી લઈને પહેલી એપ્રિલથી કમિશનર તેમ જ કેટલાક અધિકારીઓએ દિલ્હીમાં આવેલી મિનિસ્ટ્રી ઑફ ટેક્સટાઇલની ઑફિસમાં હાજર થવાનું રહેશે. ટેક્સટાઇલ કમિશનરને ટેક્સટાઇલ કમિટી સાથે મર્જ કરવામાં આવી હોવાનો નિર્ણય લેવાથી આ બદલાવ થયો હોવાનું પત્રમાં લખવામાં આવ્યું છે.


ટેક્સટાઇલનો મોટા ભાગનો બિઝનેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે એટલે આ ટેક્સટાઇલ કમિશનરની ઑફિસ ૧૯૪૩થી મુંબઈમાં શરૂ કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર ટેક્સટાઇલ કમિશનરને કેન્દ્રમાં શિફ્ટ કરી રહી છે. આ વિશે ફેડરેશન ઑફ ઇન્ડિયન આર્ટ સિલ્ક ઍન્ડ વીવિંગ, મુંબઇના પ્રેસિડન્ટ ભરત ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે આ બાબતે કોઈ સાથે ચર્ચા-વિચારણા કર્યા વગર નિર્ણય લીધો છે. ભારતમાં મોટા ભાગનો ટેક્સટાઇલનો બિઝનેસ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે. આથી મુંબઈમાં ટેક્સટાઇલ કમિશનરની ઑફિસ હતી એટલે કોઈ પ્રશાસકીય કામ હોય તો સરળ રહેતું. પહેલી એપ્રિલથી આ કમિશનર દિલ્હી શિફ્ટ થઈ જશે. હવે મુંબઈ, સુરત અને અમદાવાદમાં ટેક્સટાઇલનું કામકાજ કરતા વેપારીઓએ છેક દિલ્હી જવું પડશે. જે કામ પહેલાં એક દિવસમાં થઈ જતું એના માટે હવે ત્રણ દિવસ બગડશે. આ નિર્ણયથી ટેક્સટાઇલના વેપારીઓમાં ભારે નારાજગી છે.’

ટેક્સટાઇલ કમિશનર પહેલી એપ્રિલથી દિલ્હી બેસશે, પણ તેમની નીચેનો સ્ટાફ મુંબઈમાં આવેલી અત્યારની ઑફિસમાં રીજનલ ઑફિસર તરીકે કામ કરશે. જોકે વેપારીઓના મતે એનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે કમિશનર વગર મુંબઈની ઑફિસમાં કોઈ નિર્ણય લેવાશે નહીં અને અમારી કોઈ સમસ્યા હશે તો એનો ઉકેલ લાવવામાં વધુ સમય લાગશે.


ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ટેક્સટાઇલ કમિશનરની ઑફિસને મુંબઈમાંથી શિફ્ટ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે બીજેપી અને શિવસેનાએ વિરોધ કર્યો હતો એટલે કેન્દ્ર સરકારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો. અત્યારે બીજેપી અને શિવસેનાની જ રાજ્યમાં સરકાર છે ત્યારે તેઓ આ વિશે શું કરે છે એના પર સૌની નજર છે.

આખી ઑફિસ નહીં, પાંચ અધિકારી દિલ્હી જશે

ટેક્સટાઇલ કમિશનરની મુંબઈમાં આવેલી ઑફિસને દિલ્હી શિફ્ટ કરવા બાબતે કૉન્ગ્રેસ અને એનસીપી દ્વારા ગઈ કાલે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યમાંથી ઉદ્યોગોની જેમ હવે સરકારી ઑફિસો પણ બહાર જઈ રહી છે અને સરકાર હાથ પર હાથ મૂકીને બેસી રહી છે એવો આરોપ કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળે અને એનસીપીના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે ગઈ કાલે કર્યો હતો. આ વિશે વિધાનસભાના સત્રમાં પણ સવાલ કરાયો હતો. એના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મુંબઈમાં આવેલી ટેક્સટાઇલ કમિશનરની ઑફિસમાં ૫૦૦ કર્મચારીઓ છે. આ ઑફિસના કમિશનર સહિત કુલ પાંચ ઉચ્ચ અધિકારીઓને દિલ્હીમાં અમુક દિવસો સુધી મોકલવામાં આવશે. બાકી ઑફિસ અહીં જ રહેશે એટલે ટેક્સટાઇલ સંબંધિત પ્રશાસકીય કામકાજ માટે કોઈ મુશ્કેલી નહીં આવે.’

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 11:43 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK