પોલીસે બન્નેની સદોષ મનુષ્યવધની કોશિશ કરવા બદલ ફરિયાદ નોંધીને ધરપકડ કરી

ટોલનાકાના કર્મચારીને કારથી અડફેટે લીધો હતો
મુલુંડમાં રહેતા બે વ્યક્તિએ થાણે ટોલનાકા પર ૪૦ રૂપિયાનો ટોલ-ટૅક્સ બચાવવા ટોલનાકાના કર્મચારીને કારથી અડફેટે લીધો હતો, જેમાં કર્મચારી ગંભીર રીતે જખમી થયો હતો. ત્યાર બાદ શ્રીનગર પોલીસે બન્ને ફરાર આરોપીઓ સામે મનુષ્યવધની કોશિશ કરવા બદલની કલમ હેઠળ ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. કોર્ટે બન્ને આરોપીઓને જેલ-કસ્ટડી આપી છે.
મુલુંડ-વેસ્ટમાં એલબીએસ રોડ પર મૉડેલા ચેકનાકા ટોલનાકા પર સિક્યૉરિટી લખીચંદ પાટીલ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે સાંજે ૭ વાગ્યે એક કાર સ્પીડમાં ટોલનાકા પર આવી હતી. એ પછી ટોલ-ટૅક્સ માટે કાર ન અટકાવતાં સીધી દોડાવવા જતા હતા એ વખતે કાર અટકાવવા ગયેલા લખીચંદને ઉડાડીને કાર સ્પીડમાં જતી રહી હતી. કારની ટક્કરથી ઘાયલ થયેલા લંખીચંદને પછી ત્યાં હાજર લોકો હૉસ્પિટલ લઈ ગયા હતા. લખીચંદને માથામાં ભારે માર લાગતાં લોહીની ગાંઠ થઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું એ પછી ટોલનાકાના કર્મચારીએ નાસી જનાર mh02bm9018 નંબરની કારના ડ્રાઇવર સામે મનુષ્યવધની કોશિશ કરવા સંબંધી ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની શોધખોળ આદરી હતી. એ પછી મુલુંડમાંથી ૨૯ વર્ષના ગૌતમ ઉત્તમ માલવે અને ૨૮ વર્ષના રોશન આનંદ કટારેની ધરપકડ કરવામાં આવી છે.
શ્રીનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કિરણ કબાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ માત્ર ૪૦ રૂપિયાનો ટોલ બચાવવા કાર ભગાવી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કાર અટકાવવાનો પ્રયાસ કરનાર સિક્યૉરિટીને ઉડાડીને તેઓ ભાગી ગયા હતા. સીસીટીવી કૅમેરામાં તેમણે જાણીજોઈને ટોલના કર્મચારીને અડફટે લીધો હોવાનું જાણ્યા બાદ અમે કાર્યવાહી કરી હતી.’