જુહુના પુષ્પા નરસી પાર્ક પાસે બે ટીનેજરે ભરરસ્તા પર હુમલો કર્યો, લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જવાબદારી સ્વીકારી, ટાઇગર બચી ગયો પણ તેના ડ્રાઇવર અને એક રિક્ષા-ડ્રાઇવરને ગોળી વાગી : મોડી રાતે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાબામાં લઈ તેની પૂછપરછ ચાલુ કરી
ફૉરેન્સિક ટીમની મહિલા-કર્મચારીએ બહુ જ સાવધાનીપૂર્વક બુલેટ શેલ કલેક્ટ કરીને પુરાવા એકઠા કર્યા હતા.
અટૅક પછી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો મેસેજ : અમે તેને સમજાવ્યો હતો, પણ તેને સમજાયું નહીં; મુંબઈ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જે પણ અમારી વાત નહીં માને કે સલમાન ખાન સાથે કામ કરશે, હવે પછી તેનો નંબર હશે. વેઇટ ઍન્ડ વૉચ
બૉલીવુડનો ઍક્ટર ટાઇગર શ્રોફ ગઈ કાલે સાંજે ૭ વાગ્યાની આસપાસ ફુટબૉલ રમીને તેની BMW કારમાં પાછો ફરી રહ્યો હતો ત્યારે જુહુની જમનાબાઈ નરસી સ્કૂલ પાસે આવેલા પુષ્પા નરસી પાર્ક પાસે મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કર્યું હતું. તેમણે પાંચ બુલેટ ફાયર કરી હતી જેમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલો ટાઇગર શ્રોફ આબાદ બચી ગયો હતો, જ્યારે તેનો ડ્રાઇવર અને નજીકથી પસાર થઈ રહેલા એક રિક્ષા-ડ્રાઇવરને ગોળી વાગતાં બન્નેને ઈજા થઈ હતી. આ ઘટના બાદ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે હુમલાની જવાબદારી લીધી છે અને ચેતવણી આપ્યા છતાં ટાઇગર શ્રોફે સલમાન ખાન સાથે કામ કરવાનું બંધ ન કરતાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી.
ADVERTISEMENT
ઘટનાના વાઇરલ થયેલા વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે ટાઇગરની ગાડી જસ્ટ ગેટમાંથી બહાર નીકળે છે ત્યારે બહુ જ ધીમી છે. લેફ્ટ સાઇડમાંથી એક હુમલાખોર ગાડી અટકાવતો જોવા મળે છે. એ કાર સામે જ ગન તાકીને સાઇડમાંથી બુલેટ ફાયર કરે છે. એ જ વખતે તેનો બીજો સાગરિત કારની સામેથી લેફ્ટ સાઇડથી આવે છે અને એ પણ કાર પર બન્ને હાથમાં રહેલી ગનથી ફાયરિંગ કરે છે. કાર રોકીને ડ્રાઇવર બહાર આવી જાય છે. બન્ને ટીનેજર છોકરાઓ લાગે છે. તરત જ તેઓ દોડીને તેમની બાઇક પર રાહ જોઈ રહેલા સાગરીત સાથે બેસી જાય છે અને ત્યાંથી નાસી છૂટે છે. તેમણે કપડાથી મોં પણ નથી ઢાંક્યું, માસ્ક પણ નથી પહેર્યો.
આ ઘટનામાં ટાઇગર શ્રોફ બચી ગયો છે, તેને કોઈ ઈજા થઈ નથી પણ તેનો ડ્રાઇવર ફિરદોસ અને રસ્તે જતી અન્ય એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. ડ્રાઇવર ફિરદોસને હાથમાં ઈજા થઈ છે. ઘાયલોને સારવાર માટે રિક્ષામાં હૉસ્પિટલ લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એરિયા કૉર્ડન કરી તપાસ ચાલુ કરી હતી. હુમલાખોરોની બાઇકના CCTV કૅમેરા ફુટેજ મેળવવાની કવાયત ચાલુ કરાઈ હતી. ફૉરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બુલેટના શેલ સહિતના પુરાવા ભેગા કરાયા હતા. મોડી રાતે પોલીસે એક હુમલાખોરને તાબામાં લઈ તેની પૂછપરછ ચાલુ કરી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર મોહિત ગર્ગે આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ટાઇગર તેના પર્સનલ કામ માટે જુહુના એ પાર્ક પાસે આવ્યો હતો. કેટલાક લોકો બાઇક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હતું. જ્યારે ફાયરિંગ થયું ત્યારે ટાઇગર તેની કારમાં જ બેઠો હતો. જોકે તે ઘાયલ નથી થયો. બે વ્યક્તિ ઘાયલ થઈ છે, તેનો ડ્રાઇવર ફિરદોસ અને એક
રિક્ષા-ડ્રાઈવર. આ બાબતે અમે સઘન તપાસ ચલાવી રહ્યા છીએ. અન્ય હુમલાખોરને ઝડપી લેવા ૧૫ ટીમ આ કેસ પર કામ કરી રહી છે.’
જોકે આ ઘટનાની થોડી જ વાર બાદ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ હતી. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. જોકે તેમના દ્વારા કરાયેલા આ દાવાની ચકાસણી થઈ શકી નહોતી. થોડા મહિના અગાઉ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગની જવાબદારી પણ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગે લીધી હતી. આ ઘટના બાદ બૉલીવુડ સેલિબ્રિટીઝની સેફ્ટીનો વિષય ફરી ચર્ચામાં છે.
મુખ્ય પ્રધાને કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિગ-કેસ સંદર્ભે મુંબઈ પોલીસ-કમિશનર દેવેન ભારતીને ફોન કરીને ઘટનાની ઝડપી તપાસ કરવા જણાવ્યું હતું અને જે કોઈ પણ એના માટે જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવાનાં નિર્દેશ આપ્યા હતા.
એકનાથ શિંદેએ આ ઘટનાને ૧૯૯૦ની ગૅન્ગવૉર સાથે સરખાવી
રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ ટાઇગર શ્રોફ પર થયેલી ફાયરિંગની આ ઘટના બાદ ૧૯૯૦ના દસકાના ગૅન્ગવૉરનો સંદર્ભ આપીને કહ્યું હતું કે ‘પોલીસે એ વખતે પણ આવી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકી એનો અંત લાવી દીધો હતો. હવે અત્યારે પણ એવા જ કડક પગલાં લઈ લોકોની અને સેલિબ્રિટીઓની સુરક્ષા જાળવશે.’
ટાઇગર શ્રોફનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું
ફાયરિંગની આ ઘટના બાદ પોલીસ-ઑફિસરો ટાઇગર શ્રોફને નજીકના પોલીસ-સ્ટેશને લઈ ગયા હતા અને તેની પાસેથી ઘટનાની વિગતો લઈને પોલીસે તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. મુખ્ય પ્રધાને પણ ટાઇગર શ્રોફ સાથે ફોન પર વાત કરીને ખબર પૂછી હતી.
રિક્ષા-ડ્રાઇવરને છાતીમાં ગોળી વાગી, કૂપર હૉસ્પિટલમાં સારવાર હેઠળ
ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા ટાઇગર શ્રોફના ડ્રાઇવર ફિરદોસને નાણાવટી હૉસ્પિટલમાં અને રિક્ષા-ડ્રાઇવર ઉમેશને કૂપર હૉસ્પિટલ લઈ જવાયા હતા. કૂપરના ડૉક્ટરોના કહેવા અનુસાર ઉમેશને છાતીમાં ડાબી બાજુ ગોળી વાગી છે અને તેનો એ ઘા બે સેન્ટિમીટર ઊંડો છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
અનિલ પંડિત અનમોલ બિશ્નોઈ દ્વારા કરાયેલી પોસ્ટ
જય મહાકાલ..., જય શ્રીરામ
રામ રામજી, બધા ભાઈઓને. આજે આ ટાઇગર શ્રોફનું કામ થયું છે. આની જવાબદારી હું અનિલ પંડિત અને હરમન સંધુ લઈએ છીએ. આને અમે કૉલ કરીને સમજાવ્યો હતો પણ તેને સમજ ન આવી. એથી આજે તેને સારી રીતે સમજાવી દીધું છે અને જે પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમારી વાત નહીં માને અથવા સલમાન ખાન સાથે કામ કરશે, હવે પછી એનો નંબર હશે, વેઇટ ઍન્ડ વૉચ.
નોટઃ અને બીજાં કેટલાંક ગ્રુપના કૂતરા જે અમારા નામે ફેમ લેવાનું વિચારે છે તેમને જલદી મારીને ફેમસ કરી દઈશું.
સલામ શહીદાનુ
# લૉરેન્સ_બિશ્નોઈ_ગ્રુપ
# જિતેન્દર_ગોગી_માન_ગ્રુપ# હરિ_બૉક્સર
#આરઝુ_બિશ્નોઇ # ટાયસન_બિશ્નોઈ
# શુભમ_લોણકર # પિયુષ_ પિપલાની
