Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જેન-ઝીમાં અપાર ઊર્જા, પણ સંયમ માત્ર ૭ સેકન્ડનો

જેન-ઝીમાં અપાર ઊર્જા, પણ સંયમ માત્ર ૭ સેકન્ડનો

Published : 19 October, 2026 09:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તુકારામ મુંઢેએ આજના યુવાનો પાસે ઇન્ફર્મેશનનો ભંડાર હોવાની વાત કહી, પણ સાથે સલાહ આપી કે તેમણે સોશ્યલ મીડિયા પર ચાલતા કોઈ ટ્રેન્ડને આંખ બંધ કરીને ફૉલો ન કરવો જોઈએ

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


કોઈ એક વ્યક્તિ કે એક તુકારામ મુંઢે આખી પેઢીને ઘડી ન શકે. એ માટે આખા સમાજે એકસાથે આવીને કામ કરવું પડશે અને યોગ્ય રીતે પ્રયત્નો કરવા પડશે: તુકારામ મુંઢે

પુણેના પિંપરી-ચિંચવડમાં યોજવામાં આવેલા ગ્લોબલ મરાઠા બિઝનેસ એક્સ્પો દરમ્યાન મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ દેશના જેન-ઝી આજે કઈ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે એ વિશે અને તેઓ કઈ રીતે વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે છે એ વિશે સલાહ આપી હતી. આજના યુવાનોમાં સંયમ ન હોવા સાથે તેઓ રીલની દુનિયામાં ખોવાયેલા રહેતા હોવાનું પણ તેમણે કહ્યું હતું.



તુકારામ મુંઢેએ જેન-ઝીને સંબોધતાં કહ્યું હતું કે ‘આજના યુવાનોમાં અપાર ઊર્જા છે. મારા સમયમાં અથવા મારી પેઢીમાં આટલી ઊર્જા જોવા મળતી નહોતી. આજની યુવા પેઢી ખૂબ ઊર્જાવાન છે. આ પેઢીનું સૌથી મોટું સકારાત્મક પાસું એ છે કે માહિતી અને જ્ઞાન તેમના ખિસ્સામાં જ ઉપલબ્ધ છે. તેમણે કોઈ પણ વસ્તુ શોધવા માટે ક્યાંય જવાની જરૂર પડતી નથી. બધું જ તેમના મોબાઇલ ફોન પર, ઇન્ટરનેટ પર, વાસ્તવમાં તેમના ખિસ્સામાં જ સરળતાથી મળી રહે છે. તેઓ ખૂબ જ ઝડપથી કામ કરે છે અને ઇન્સ્ટન્ટ પરિણામોમાં માને છે. તેમને એક જગ્યાએ શાંત બેસી રહેવું કે થોભવું મુશ્કેલ લાગે છે. તેઓ સતત આગળ વધવા માટે પ્રેરાયેલા રહે છે. તેઓ હંમેશાં પ્રગતિ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. આ એક અત્યંત સકારાત્મક ગુણ છે. આજના ડિજિટલ યુગમાં યુવાનો પાસે અઢળક ઇન્ફર્મેશન છે, પરંતુ માહિતી અને જ્ઞાન વચ્ચેનો તફાવત સમજી અને પછી કોઈ પણ નિર્ણય લેવાનું શીખવું જોઈએ.’


આજના યુવાનો સોશ્યલ મીડિયામાં કોઈ પણ રીલ ૭ સેકન્ડ કરતાં વધુ નથી જોતા એમ જણાવતાં તુકારામ મુંઢેએ કહ્યું હતું કે ‘૭ સેકન્ડમાં જો તેમને રીલ પસંદ પડે તો ઠીક, નહીંતર સ્ક્રોલ કરીને બીજું કંઈક જોવા માંડે છે. તેમના સંયમની સીમા ૭ સેકન્ડની છે. શૉર્ટ-ફૉર્મ કન્ટેન્ટ તેમને અધીરા બનાવી રહી છે અને એના કારણે તેમના કૉન્સન્ટ્રેશન પર અસર થાય છે. આના કારણે તે કોઈ એક વિષય પર વધુ સમય સુધી ધ્યાન નથી આપી શકતા. યુવાનોએ સોશ્યલ મીડિયા પર ચાલતા કોઈ પણ ટ્રેન્ડને આંખ બંધ કરીને ફૉલો ન કરવો જોઈએ અને સોશ્યલ મીડિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી પોતાની ઓળખ ઊભી કરવા માટે લક્ષ્ય સુધી પહોંચવા મહેનત કરવી જોઈએ.’

IAS બનવું કે ઉદ્યોગપતિ એ તમારી પસંદગી છે 
એક્સ્પો દરમ્યાન એક છોકરીએ IAS બનવું જોઈએ કે પછી ઉદ્યોગપતિ એવો સવાલ તુકારામ મુંઢેને પૂછ્યો હતો જેનો જવાબ આપતાં તથા તેનું માર્ગદર્શન કરતાં કહ્યું હતું કે ‘યુવાનોએ ક્યારેય પણ કોઈનું અનુકરણ ન કરતાં પોતાનું પ્રૉબ્લેમ સ્ટેટમેન્ટ શોધવું જોઈએ. આપણે સોસાયટીનો ભાગ છીએ અને આપણે એમાં વૅલ્યુ-ઍડિશન કરવું જોઈએ. તમારે શું બનવું છે એ સંપૂર્ણપણે તમારી પસંદગી છે. મારાં સંતાનો પૂછે તો હું IAS બનવાની ના કહીશ, એના બદલે હું તેમને કહીશ કે એવા પબ્લિક લીડર બનો જે સમાજ માટે કામ કરે.’


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 09:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK