ટેક્નિકલ માહિતીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ખેતવાડીમાં રહેતા સ્ક્રૅપના વેપારી પાસેથી ત્રણ લોકોએ લિફ્ટ આપવાના બહાને આશરે ચાર લાખ રૂપિયાના દાગીના લૂંટી લીધા હોવાની ફરિયાદ પનવેલ શહેર પોલીસ-સ્ટેશનમાં બુધવારે નોંધાઈ હતી. વેપારી પનવેલની નિસર્ગ હોટેલમાં જમ્યા પછી ટૅક્સીમાં ઘરે આવી રહ્યા હતા ત્યારે અધવચ્ચે ટૅક્સી બંધ પડી જવાથી તેઓ બહાર ઊભા હતા. એ દરમ્યાન આરોપીઓએ પહેલાં મદદ કરીને ટૅક્સીને ચાલુ કરવા ધક્કા માર્યા હતા. જોકે ટૅક્સી ચાલુ ન થતાં વેપારીને લિફ્ટ આપવાના બહાને ત્રણ લોકોએ પોતાની કારમાં બેસાડીને ચાલુ કારમાં સળિયો અને કોયતો બતાવી એક હાથ પકડીને દાગીના લૂંટી લીધા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આરોપીઓએ વેપારીને કોયતા અને સળિયાથી મારી નાખવાની ધમકી આપતાં તેઓ ખૂબ જ ડરી ગયા હતા એમ જણાવતાં પનવેલ શહેર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે વેપારી પનવેલમાં એક કામ સંદર્ભે આવ્યા હતા. એમાં રાત થઈ જવાથી તેઓ પનવેલની નિસર્ગ હોટેલમાં જમ્યા પછી ટૅક્સીમાં ઘરે જવા નીકળ્યા હતા. એ દરમ્યાન જે.એન.પી.ટી. હાઇવે પર તેઓ જેમાં જઈ રહ્યા હતા એ ટૅક્સીએ આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ટૅક્સી બંધ પડી ગઈ હતી એટલે તેઓ બહાર રોડ પર ઊભા રહીને બીજું વાહન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક સફેદ કલરની હ્યુન્દાઇ વેન્યુ કાર આવી હતી. એમાં બેસેલા ત્રણ લોકોએ પહેલાં શું થયું છે એ પૂછ્યું હતું અને પછી મદદ કરવા બહાર આવ્યા હતા. આ ત્રણે લોકોએ બંધ ટૅક્સીને ચાલુ કરવા આશરે એક કિલોમીટર સુધી ધક્કો પણ માર્યો હતો. જોકે ટૅક્સી ચાલુ ન થતાં તેમણે વેપારીને પોતાની સાથે બેસવાનું કહીને આગળ છોડી દઈશું એમ કહ્યું હતું. તેમની વાત માનીને વેપારી તેમની કારમાં બેઠા હતા. કાર આગળ વધી ત્યારે પાછળ બેસેલા લોકોએ વેપારીને ધમકાવવાનું શરૂ કરી, સળિયા અને કોયતા જેવાં હથિયારો બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી અને તેમણે પહેરેલા તમામ દાગીના કઢાવી લીધા હતા. ત્યાર પછી ખાંધેશ્વર બ્રિજ નજીક વેપારીને કારમાંથી ધક્કો મારીને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ ઘટના બાદ વેપારી ખૂબ જ ગભરાઈ જવાથી બીજા વાહનમાં ઘરે ચાલ્યા ગયા હતા. જોકે પરિવારના સભ્યોને આ ઘટનાની માહિતી આપ્યા બાદ અમારી પાસે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.’
ADVERTISEMENT
આ કેસમાં આરોપીઓની ઓળખ કરવાની અમે કોશિશ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમને પકડી પાડીશું એમ જણાવતાં પનવેલ શહેર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બે ટીમો આરોપીની શોધમાં લાગી છે. એ માટે જે વિસ્તારમાં ઘટના બની છે ત્યાંના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું ફુટેજ તપાસવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્નિકલ માહિતીના આધારે અમે આરોપીઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ.’