Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરની યુવતીની બેફામ ગાડીની અડફેટે આવેલા યુવાનનો જીવ જતો રહ્યો

ઘાટકોપરની યુવતીની બેફામ ગાડીની અડફેટે આવેલા યુવાનનો જીવ જતો રહ્યો

Published : 16 September, 2025 03:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’કહ્યું હતું કે ‘શનિવારે સવારે ૬.૪૫ વાગ્યે પોલીસ કન્ટ્રોલમાં ઘાટકોપરના LBS માર્ગ પર ઍક્સિડન્ટ થયો હોવાનો કૉલ આવ્યો હતો. તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ઘણા લોકો ભેગા થયા.

આરોપીઓ ભાવિકા દામા, કોરમ ભાનુશાલી અને અનિકેત બનસોડે.

આરોપીઓ ભાવિકા દામા, કોરમ ભાનુશાલી અને અનિકેત બનસોડે.


ઘાટકોપર-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ પર શનિવારે સવારે બનેલી અકસ્માતની ઘટનામાં જખમી થયેલા યુવકનું રવિવારે રાતે યુવકનું મૃત્યુ થયું હતું. આ મામલે ઘાટકોપર પોલીસે મુખ્ય આરોપી ભાવિકા દામા, તેની ફ્રેન્ડ કોરમ ભાનુશાલી અને ઘટનાસ્થળેથી નાસી ગયેલા અનિકેત બનસોડેની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે કાર જપ્ત કરીને એની RTO-તપાસ માટેની અરજી પણ કરી છે. અકસ્માત કઈ રીતે થયો એની ઝીણવટભરી માહિતી ભેગી કરવા માટે પોલીસ તમામ જરૂરી તપાસ કરી રહી છે.

અકસ્માતનો ઘટનાક્રમ શું રહ્યો?



ઘાટકોપર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મિડ-ડે’કહ્યું હતું કે ‘શનિવારે સવારે ૬.૪૫ વાગ્યે પોલીસ કન્ટ્રોલમાં ઘાટકોપરના LBS માર્ગ પર ઍક્સિડન્ટ થયો હોવાનો કૉલ આવ્યો હતો. તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ઘણા લોકો ભેગા થયેલા જોવા મળ્યા હતા. ત્યાં ગુજરાતમાં ‌રજિસ્ટર્ડ કાર પંજાબ નૅશનલ બૅન્કની બાજુની દુકાનનાં પગથિયાં સાથે અથડાઈ હોવાનું જોવા મળ્યું હતું. એ કારે પગથિયાં પર સૂતેલી એક વ્યક્તિને અડફેટે લીધી હતી. એ ઘાયલ યુવકને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એ વખતે કાર નજીક ઊભેલી બે યુવતીઓને તાબામાં લઈ પોલીસ-સ્ટેશને લાવવામાં આવી હતી. તેમનું પછીથી મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યાં ભેગા થયેલા લોકોએ અમને જણાવ્યું હતું કે અકસ્માત બાદ એક યુવક કારમાંથી નીકળીને રિક્ષામાં બેસીને ચાલ્યો ગયો હતો.’


FIRમાં બે કલમ વધારીને ધરપકડ

શરૂઆતમાં અમે ડ્રન્કન ડ્રાઇવિંગ સહિતના ગુના નોંધી તપાસ હાથ ધરી હતી એમ જણાવતાં સતીશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે નોંધાયેલા ગુનામાં બે યુવતીઓને તાબામાં લેવામાં આવી હતી. જોકે જામીનપાત્ર ગુનો હોવાથી એ વખતે તેમને નોટિસ આપીને છોડી મૂકવામાં આવી હતી. પછી CCTV કૅમેરાનાં ફુટેજ સહિતના પુરાવાના આધારે રવિવારે બપોરે નવી કલમો ઉમેરીને બન્ને યુવતી સહિત ઘટનાસ્થળથી ચાલ્યા ગયેલા અનિકેત બનસોડેની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. રવિવારે રાતે અકસ્માતમાં જખમી થયેલા યુવકનું મૃત્યુ થયું હોવાની માહિતી મળતાં હજી એક કલમ વધારવામાં આવી હતી. આ કેસમાં પુરાવા ભેગા કરવા માટે ત્રણ ટીમ સતત આ કેસ પર કામ કરી રહી છે.’


ભાવિકા દામાનું લાઇસન્સ મળ્યું નથી

દારૂના નશામાં બેફામ વાહન હંકારી શનિવારે સવારે નિર્દોષ વ્યક્તિને ઘાયલ કરનાર ભાવિકા પાસે અકસ્માત વખતે લાઇસન્સ નહોતું. ઘાટકોપરનાં પોલીસ-ઇન્સ્પેક્ટર દીપાલી કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં મુખ્ય આરોપી ભાવિકા પાસેથી અમને અકસ્માત વખતે લાઇસન્સ મળ્યું નહોતું. તેની પાસે લાઇસન્સ છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. ભાવિકાના પરિવાર પાસે અમે ગાડીના તમામ દસ્તાવેજ અને ભાવિકાના લાઇસન્સની માગણી કરી છે. અકસ્માત બાદ કાર જપ્ત કરવામાં આવી છે. ત્યાર બાદ કારની તપાસ કરતાં એમાંથી અમને બિઅરની બૉટલ મળી હતી. એ બૉટલ કોણે પીધી અને ક્યારે પીધી એની તપાસ કરવામાં આવી રહી છે.

ઘાયલ થયેલી વ્યક્તિનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું.

જાગ્યા ત્યારથી સવાર

નિર્દોષ વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર આરોપીઓએ ચેમ્બુરની એક હોટેલમાં દારૂ અને હુક્કો પીધો હોવાનો દાવો કરવામાં આવતાં પોલીસે ચેમ્બુરની હોટેલ ટાઇગર ટાઇગર સામે કાર્યવાહી કરી હતી. તિલકનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર દિલીપ માનેએ ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘શનિવારે રાતે ચેમ્બુરના એમ. જી. રોડ પર આવેલી હોટેલ ટાઇગર ટાઇગરમાં છાપો મારવામાં આવ્યો હતો જ્યાંથી અમને હુક્કા માટે વપરાતાં સાધનો મળી આવ્યાં હતાં જેને અમે જપ્ત કર્યાં છે. આ મામલે હોટેલના મૅનેજર, માલિક સહિતના લોકો સામે અમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘાટકોપરની ઘટનામાં જવાબદાર આરોપીઓએ આ બારમાં દારૂ પીધો હોવાની માહિતી અમને મળી છે.’

આરોપીઓ પાસેથી પોલીસને શું માહિતી મળી?

સિનિયર ઇન્સ્પેક્ટર સતીશ જાધવે જણાવ્યું હતું કે ‘ત્રણેય આરોપીઓ એકબીજાના જનરલ મિત્ર છે. અનિકેત ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરે છે, જ્યારે બન્ને યુવતીઓ ડાન્સ અને ગરબા ક્લાસ કરતી હોવાની માહિતી મળી છે. મુખ્ય આરોપી ભાવિકા દામા ઘાટકોપર, ચેમ્બુર અને મુલુન્ડમાં ગરબા ક્લાસ ચલાવે છે. શુક્રવારે ત્રણેય આરોપીઓ મોડી રાતે મળ્યા હતા. એ પછી તેમણે ચેમ્બુરની હોટેલ ટાઇગર ટાઇગરમાં દારૂ પીધો હતો. ત્યાંથી મોડી રાતે નીકળ્યા બાદ પંતનગર આવ્યાં હતાં અને એક પ્રાઇવેટ ફ્લૅટમાં પાછો દારૂ પીધો હતો એવું અમને આરોપીઓએ જણાવ્યું છે.’

આરોપીઓ ક્યાં અને કેટલા વાગ્યે ગયાં એ જાણવા માટે ગૂગલનો ઉપયોગ થશે

ઘાટકોપરના એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓનાં સ્ટેટમેન્ટ પ્રમાણે તેઓ ઘટનાસ્થળ પહેલાં ક્યાં-ક્યાં ગયાં હતાં એ જાણવા માટે ગૂગલના માધ્યમથી રિયલ ટાઇમ લોકેશન ચેક કરવામાં આવશે. ઘટના સમયે ત્રણેય આરોપીના ફોન તેમની પાસે હતા એટલે આ કામ ખૂબ સહેલાઈથી થઈ શકશે.’

રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ

BMCના પૂર્વીય ઉપનગરના મેડિકલ ઑફિસર મયૂરા નાગલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સવારે અકસ્માત બાદ ઘટનામાં જખમી યુવકને રાજાવાડી હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેના માથામાં ગંભીર ઈજા હોવાની માહિતી અમને મળી હતી. અમે તાત્કાલિક MRI કરીને તેની ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU) વૉર્ડમાં રવિવારે રાતે ૧૧ વાગ્યે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા યુવકના શરીરના બીજા ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનો ખુલાસો પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થયો છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2025 03:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK