Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાએ કાપી માર્ક્સની પાંખ?

કોરોનાએ કાપી માર્ક્સની પાંખ?

09 June, 2022 08:42 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

બારમા ધોરણના રિઝલ્ટમાં દર વખતની જેમ ૯૦-૯૫ ટકા મેળવનારા સ્ટુડન્ટ્સનો રાફડો નથી ફાટ્યો અને એના માટેનું આડકતરું કારણ છે કોરોના : જોકે એક વાતની રાહત છે કે ઓવરઑલ પર્સન્ટેજ ઘટ્યા હોવાથી કટ-ઑફ પણ ઘટશે એ નક્કી અને આથી જ પેરન્ટ્સ ઝાઝું ટેન્શન ન લે

માટુંગાની રુઇઆ કૉલેજની સ્ટુડન્ટ્સ બારમાના રિઝલ્ટ પછી (તસવીર : અતુલ કાંબલે)

માટુંગાની રુઇઆ કૉલેજની સ્ટુડન્ટ્સ બારમાના રિઝલ્ટ પછી (તસવીર : અતુલ કાંબલે)


બારમા ધોરણનું રિઝલ્ટ ગઈ કાલે બપોરે એક વાગ્યે જાહેર થયું એ પહેલાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ વિચાર્યું હતું કે તેમને ૯૦ ટકાથી વધારે માર્ક્સ મળશે, પરંતુ રિઝલ્ટ જોયા બાદ આવા અસંખ્ય વિદ્યાર્થીઓએ નિરાશ થવું પડ્યું હતું. એટલું જ નહીં, ગઈ કાલે જાહેર થયેલાં પરિણામોમાં સૌથી ચોંકાવનારો આંકડો હતો ૭૫ કે એનાથી વધુ ટકા મેળવનારા વિદ્યાર્થીઓનો આંકડો. રાજ્યમાં કુલ વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષામાંથી માત્ર ૧૫.૫૩ ટકા વિદ્યાર્થીઓને જ ૭૫ કે એનાથી વધારે ટકા આવ્યા છે.

ગયા વર્ષે તો પરીક્ષા જ લેવામાં આવી ન હોવાથી રાજ્યનું પરિણામ ૯૯.૩૭ ટકા આવ્યું હતું, જેમાં મુંબઈ ડિવિઝનનું પણ ૯૯ ટકાથી વધારે રિઝલ્ટ આવ્યું હતું. જોકે ગઈ કાલે રાજ્યનાં આઠેય ડિવિઝનમાં સૌથી ઓછું પરિણામ મુંબઈનું ૯૦.૯૧ ટકા આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઓછા ટકા આવવાનું કારણ શું હોઈ શકે એના નિષ્કર્ષ પર હજી ટીચર્સ કે પ્રિન્સિપાલ આવ્યા નથી, પણ તેઓ આ વાત સાથે સહમત થઈને એનાં કારણોનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ટફ ચેકિંગ, બે વર્ષથી કોરોનાને લીધે લેખિત પરીક્ષા ન આપી હોવાને કારણે પરીક્ષામાં લખી ન શકવું કે પછી ઑનલાઇન એજ્યુકેશનની વરવી વાસ્તવિકતા? આમાંથી કયા કારણસર સ્ટુડન્ટ્સને ઓછા ટકા આવ્યા છે એ જાણવાની કોશિશ અત્યારે તો એજ્યુકેશનિસ્ટો કરી રહ્યા છે.



જોકે આ બધા વચ્ચે રાહતની એક વાત એ પણ છે કે જો વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે તો તેમને ઍડ્મિશનમાં પણ કટ-ઑફમાં રાહત મળી શકે છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કટ-ઑફ નીચે આવવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે.


ઍનૅલિસિસ પછી જ સાચું તારણ બહાર આવશે : મૌસમી દત્તા, પ્રિન્સિપાલ, નગીનદાસ ખાંડવાલા કૉલેજ, મલાડ 
આ વર્ષે ૭૫ ટકા કરતાં વધુ માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી છે અને એમાં પણ સાયન્સમાં ૯૦ ટકા કરતાં વધુ માર્ક્સ મેળવાનારા વિદ્યાર્થીઓ પ્રમાણમાં ઓછા છે. હવે પેપરનું ઇવૅલ્યુએશન ટફ થયું કે કેમ એ હાલ ન કહી શકાય. એવું પણ હોઈ શકે કે બે વર્ષ પછી વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપી રહ્યા હતા એથી આવું બન્યું હોઈ શકે. જોકે અમે અમારા વિદ્યાર્થીઓને પ્રૅક્ટિસ આપવા મૉક ટેસ્ટ લીધી હતી. અમે આ વિશે હાલ ઍનૅલિસિસ કરી રહ્યા છીએ. એ પછી જ કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાશે. એ પહેલાં કંઈ પણ કહેવું વહેલું ગણાશે. આવું જ કટ-ઑફ બાબતે પણ કહી શકાય, કારણ કે એક વાર એ ઍનૅલિસિસનું તારણ શું આવે ત્યાર બાદ જ એના વિશે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકાય.’

ઑનલાઇનની અસર રિઝલ્ટ પર દેખાય છે : કૃતિકા દેસાઈ, પ્રિન્સિપાલ, મીઠીબાઈ કૉલેજ
ઓવરઑલ પર્સન્ટેજ ઘટવા બદલ શક્ય છે કે વિદ્યાર્થીઓને લખવાની પ્રૅક્ટિસ નહોતી. બીજું, ઑનલાઇન અને ઑફલાઇન ભણવામાં બહુ જ અંતર છે. ઑફલાઇનમાં જો કોઈ વિદ્યાર્થી ક્લાસમાં અટેન્શન ન આપતો હોય તો તેને કહી શકાય, જ્યારે ઑનલાઇનમાં એ શક્ય હોતું નથી. ખરું જોતાં આ માર્ક્સ પાછળની દોટ બંધ કરવી જોઈએ. આ બાળકો હજી નાનાં છે. દરેક બાળકમાં એક ખૂબી તો હોય જ છે. એ શોધી કાઢી એનો ઉપયોગ કરીને તેને એ દિશામાં આગળ વધારવું જોઈએ. હાલમાં જ થયેલા એક સર્વેમાં જણાઈ આવ્યું છે કે ઑનલાઇન ભણવાને કારણે અનેક બાળકો ગણિતમાં કાચાં રહી ગયાં છે. હું વાલીઓને પણ કહીશ કે તમારાં બાળકોમાં વિશ્વાસ રાખો. જો ટકા ઓછા લાગતા હોય તો કંઈ જિંદગી અટકી નથી જવાની. ફરી પ્રયાસ કરો, પણ હતાશ ન થાવ. જ્યાં સુધી નેક્સ્ટ યરના ઍડ્મિશનના કટ-ઑફનો સવાલ છે તો ઓવરઑલ પર્સન્ટેજ ઓછા છે તો કટ-ઑફ પણ ઓછું રહેવાનું.   


ઑનલાઇન ભણવામાં બાળકોએ કૉન્સન્ટ્રેટ કર્યું ન હોઈ શકે : રાજેન્દ્ર શિંદે, પ્રિન્સિપાલ, સેન્ટ ઝેવિયર્સ કૉલેજ
હોઈ શકે કે બે વર્ષથી લખવાની પ્રૅક્ટિસ નહોતી અને અચાનક ૧૦૦ માર્કનું પેપર લખવાનું આવ્યું એટલે સ્ટુડન્ટ્સને તકલીફ પડી હોઈ શકે. જોકે જે મહત્ત્વનું છે એ છે કે ઑનલાઇન સ્ટડીઝને વિદ્યાર્થીઓએ બહુ સિરિયસ્લી લીધી નહીં, કૉન્સન્ટ્રેટ ન કર્યું. ઑનલાઇન સ્ટડી વખતે અનેક વિદ્યાર્થીઓ હાજરી પુરાવ્યા બાદ કૅમેરા ઑફ કરી દેતા હતા એટલે તેઓ ધ્યાન આપી રહ્યા છે કે નહીં એની જાણ નહોતી થતી. ઑફલાઇનમાં તો સ્ટુડન્ટે શિક્ષક જે ભણાવે એના પર ધ્યાન આપવું જ પડતું હોય છે. વળી ઑનલાઇન સ્ટડીમાં સ્ટુડન્ટ્સ કેટલું સમજ્યા, કેટલું ગ્રૅસ્પ કર્યું એ તેઓ જ કહી શકે. આમ આ રિઝલ્ટમાં ઑનલાઇન ભણવાની અસર દેખાઈ રહી છે. જ્યાં સુધી કટ-ઑફનો સવાલ છે તો ઓવરઑલ ટકાવારી ઓછી હોવાથી કટ-ઑફ પણ ઓછું જ આવશે. બીજું, હજી સુધી સીબીએસઈ અને અન્ય બોર્ડનાં રિઝલ્ટ નથી આવ્યાં એટલે એ પછી જ કટ-ઑફ નક્કી થઈ શકે. 

ક્યાં બે શક્ય કારણો?

- લખવાની પ્રેક્ટિસ નહોતી

-ઓનલાઇન એજ્યુકેશન

15.53
આટલા ટકા વિદ્યાર્થીઓને જ ૭૫ કે એનાથી વધારે માર્ક્સ આવ્યા છે

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2022 08:42 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK