આરોપીઓએ એક ટીનેજરને તો પ્રેગ્નન્ટ કરી દીધી: એક નરાધમ ડ્રગ્સના ધંધામાં હોવાથી તેણે આ સગીરાઓનો એમાં ઉપયોગ કર્યો છે કે કેમ એની પણ પોલીસ કરી રહી છે તપાસ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાલાસોપારામાં રહેતી ત્રણ સગીર ગુજરાતી બહેનો સાથે શારીરિક શોષણની ઘટના સામે આવી છે જેમાં છેલ્લા એક વર્ષથી અલગ-અલગ આરોપીઓ તેમની સાથે દુષ્કર્મ આચરતા હતા. આ કેસમાં ગઈ કાલે ફરિયાદ નોંધાયા બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એમાંથી એક રીઢો ગુનેગાર છે. ત્રણેય સગીર બહેનોને બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવી છે. આ ટીનેજરો સાથે દુષ્કર્મ કરનારાઓમાંથી એક ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલો છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ સગીરાઓનો ઉપયોગ તેણે પોતાના ધંધામાં કર્યો છે કે કેમ.
નાલાસોપારામાં રહેતી આ પીડિત યુવતીઓમાં મોટી ૧૭ વર્ષની, બીજી ૧૬ વર્ષની અને ત્રીજી ૧૪ વર્ષની છે. યુવતીઓના પિતાને દારૂનું વ્યસન હતું અને તે પત્નીને મારતો હોવાથી તે છોડીને જતી રહી હતી. દારૂડિયો પિતા પોતાની દીકરીઓને પણ મારતો હતો જેને લીધે ગયા વર્ષે ૧૭ વર્ષની યુવતીએ ઘર છોડી દીધું હતું. ત્યારે ૩૫ વર્ષના આરોપી દત્તા ક્ષીરસાગરે લાચારીનો લાભ ઉઠાવીને સગીરાને આશરો આપ્યો હતો અને તેનું શારીરિક શોષણ કર્યું હતું. તેની બે નાની બહેનો પણ તેને મળવા જતી હતી. આ દરમ્યાન આરોપી દત્તા ક્ષીરસાગરે એક બહેન પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ છે. તેના બે સાથીઓએ પણ સગીરાઓનું શારીરિક શોષણ કર્યું હતું. આ એક વર્ષથી ચાલી રહ્યું હોવાથી ૧૬ વર્ષની સગીરા ગર્ભવતી થઈ હતી.
ADVERTISEMENT
આ મામલામાં પેલ્હાર પોલીસે ત્રણેય સગીરાઓને આરોપીઓથી છોડાવી હતી અને તેમને ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવી છે. આરોપીઓમાંનો એક ૩૫ વર્ષનો દત્તા ક્ષીરસાગર રીઢો ગુનેગાર છે અને તેની સામે રાજ્યનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં લગભગ ૪૦૦ કેસ દાખલ છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૨૦ જૂન સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

