થાણેના ઘોડબંદર રોડ પર ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે થાણેથી ઘોડબંદર તરફ જઈ રહેલું એક ટૅન્કર પાટલીપાડા ફ્લાયઓવર પાસે પલટી ખાઈ ગયું હતું
સાંતાક્રુઝમાં એસ.વી. રોડ પર પડેલા ખાડા. (તસવીર - અતુલ કાંબળે)
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મધ્યમથી ભારે ઝાપટાં પડી રહ્યાં છે અને હજી આવનારા બે દિવસ કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે ઝાપટાં પડી શકે એવી આગાહી હવામાન ખાતાએ દર્શાવી છે. ગુરુવારે સવારના ૮ વાગ્યાથી લઈને ગઈ કાલે શુક્રવારે સાંજના ૬ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૩૦૦ મિલીમીટર (૧૨ ઇંચ) વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગલા બે દિવસ માટે પાલઘર અને મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરી છે, જ્યારે થાણે અને રાયગડમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે.
ગઈ કાલે સવારના જોરદાર વરસાદ પડ્યો હતો અને એથી પીક-અવર્સમાં ઑફિસ જવા નીકળેલા મુંબઈગરાએ હાડમારી ઉઠાવવી પડી હતી. થાણે–મુલુંડના આનંદનગર ટોલનાકા પર ટોલ, સિગ્નલ અને રસ્તા પરના ખાડાને કારણે ટ્રાફિક-જૅમની પરિસ્થિતિ સર્જાઈ હતી અને બે કિલોમીટર જેટલી લાંબી વાહનોની લાઇન લાગી હતી. આ ઉપરાંત ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ ટ્રાફિક ધીમો હતો.
ADVERTISEMENT
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનોને પણ વરસાદનો ફટકો પડ્યો હતો. સેન્ટ્રલ અને વેસ્ટર્ન એમ બન્ને લાઇનમાં ટ્રેનો મોડી દોડી રહી હતી. સેન્ટ્રલ રેલવે ૧૫ મિનિટ, જ્યારે વેસ્ટર્ન રેલવે ૧૦થી ૧૫ મિનિટ લેટ દોડી રહી હતી. હાર્બર લાઇનની ટ્રેનો પણ ૧૫થી ૨૦ મિનિટ લેટ દોડતી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને જણાવ્યા મુજબ ગઈ કાલે મુંબઈમાં દિવસ દરમ્યાન ઝાડ અને ડાળી તૂટી પડવાની ૮, શૉર્ટ-સર્કિટની ૩ અને દીવાલ તૂટી પડવાની પાંચ ઘટના નોંધાઈ હતી.
થાણેમાં ટૅન્કર પલટી ખાઈ ગયું
થાણેના ઘોડબંદર રોડ પર ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે થાણેથી ઘોડબંદર તરફ જઈ રહેલું એક ટૅન્કર પાટલીપાડા ફ્લાયઓવર પાસે પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ૪૫ વર્ષના ડ્રાઇવર કવેન્દ્રકુમારને ઈજા થવાથી તેને વેદાંત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ક્રેન વડે ટૅન્કરને બાજુમાં હટાવવામાં આવ્યા બાદ ત્યાંનો ટ્રાફિક પૂર્વવત્ થઈ શક્યો હતો.

