હવે ફિલ્મ છાવાને લીધે કસબા-સંગમેશ્વરમાં આ સ્મારકનું કામ આગળ વધવાની શક્યતા છે
કસબા-સંગમેશ્વરમાં ધૂળ ખાઈ રહેલું છત્રપતિ સંભાજી મહારાજનું અધૂરું સ્મારક.
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા’ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. આજે ચારે બાજુએ છત્રપતિ સંભાજી મહારાજના સાહસ અને વીરતાની ચર્ચા છે. સંભાજી મહારાજને મોગલ શહેનશાહ ઔરંગઝેબની સેનાએ સંગમેશ્વરમાંથી પકડી લીધા હતા અને અહીં જ તેમને દિવસો સુધી પીડા આપીને તેમની હત્યા કરવામાં આવી હતી. કસબા-સંગમેશ્વરમાં છત્રપતિ સંભાજી મહારાજની યાદમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૪૦ વર્ષ પહેલાં સ્મારક ઊભું કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે અત્યાર સુધીમાં ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ આટલાં વર્ષમાં સ્મારકનું કામ આગળ નથી વધ્યું એટલે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય નીતેશ રાણેએ છત્રપતિ સંભાજી મહારાજના ચાર દાયકાથી રઝળી પડેલા સ્મારકનું કામ વહેલી તકે પૂરું કરવાનું આશ્વાસન આપ્યું છે.
૧૯૮૬ની ૧૧ માર્ચે સંગમેશ્વરમાં જાખમાતાના મંદિર પાસે છત્રપતિ સંભાજી મહારાજનું ભવ્ય-દિવ્ય સ્મારક બનાવવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. બે વર્ષમાં આ સ્મારક તૈયાર કરવાની યોજના હતી. શરૂઆતમાં જોરશોરથી કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં અકળ કારણસર કામ બંધ થઈ ગયું હતું. આથી અત્યારે સ્મારકનું થોડું કામ થયું છે ત્યાં ધૂળ ચડી ગઈ છે અને ઝાડીઝાંખરાં ઊભાં થઈ ગયાં છે. સ્મારકનું કામ પૂરું કરવા માટે શિવપ્રેમીઓએ અનેક આંદોલનો અને વિનંતી કરવાની સાથે બેઠકો યોજી છે એટલું જ નહીં, અનેક સંગઠનો અને મહાનુભાવોએ સ્મારકના સ્થળની મુલાકાત લઈને સરકારને સ્મારકનું કામ પૂરું નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આમ છતાં કોઈના પેટનું પાણી પણ હલ્યું નથી.
ADVERTISEMENT
હવે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ‘છાવા’ ફિલ્મથી છત્રપતિના સાહસ અને શૂરવીરતાની ચર્ચા શરૂ થઈ છે ત્યારે સંગમેશ્વરના સ્મારકનું કામ આગળ વધવાની શક્યતા જોવાઈ રહી છે.

