આશાતાઈએ મને મોટો થતો જોયો છે, ઊંચાઈમાં અને જિંદગીમાં પણ
ઘરની હાઉસહેલ્પ આશાતાઈએ વિકી કૌશલની નજર ઉતારી હતી
વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ જોયા બાદ તેના ઘરની હાઉસહેલ્પ આશાતાઈએ તેની નજર ઉતારી હતી. આ ઘટનાનો વિડિયો વિકી કૌશલે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો હતો. દિલને સ્પર્શે એવા આ વિડિયોમાં જોવા મળે છે કે આશાતાઈ વિકી કૌશલની નજર ઉતારી રહી છે અને આશીર્વાદ આપી રહી છે. આ સંદર્ભે વિકી કૌશલે એક નોંધ લખીને જણાવ્યું હતું કે ‘આશાતાઈએ મને મોટો થતો જોયો છે, ઊંચાઈમાં અને જિંદગીમાં પણ. ગઈ કાલે તેમણે ‘છાવા’ જોઈને મારી નજર ઉતારવાનો આગ્રહ કર્યો. તેમણે મને કહ્યું, ઊભો રહે, તારી નજર ઉતારવાની છે... પ્રેમ દર્શાવવાની તેમની આ રીત છે. આટલા સારા માણસો જીવનમાં હોવા એ સૌભાગ્યની વાત છે.’


