લાડકી બહિણ યોજના જેવી કૅશ ટ્રાન્સફર યોજનાઓથી રાજ્યની તિજોરી પર જબરદસ્ત ભાર વધ્યો છે એટલે...
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘મુખ્ય પ્રધાન માઝી લાડકી બહિણ યોજના’ને કારણે રાજ્યની તિજોરી પર ભાર વધી રહ્યો છે. આ ભારને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે બીજો માર્ગ અપનાવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હવે આવક વધારવા માટે રાજ્યના પોલીસ ડિપાર્ટમેન્ટના ટ્રાફિક-પોલીસ વિભાગને દર મહિને ફાઇનના કલેક્શન માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમને આશરે ૨૫૦૦ કરોડ રૂપિયા આ વર્ષે વધારે કલેક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષનો ટાર્ગેટ વધારીને ૧૭,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે એટલું જ નહીં, તાલુકા લેવલે પણ મહિને વીસથી ૨૫ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ૧૦૦ ટકા ટાર્ગેટ અચીવ કરવાનું કહેવામાં આવ્યું છે અને એ પ્રમાણે વાહનોનો ટૅક્સ, રજિસ્ટ્રેશન-ફી અને ફાઇન એમ ત્રણે બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.


