ભારે વરસાદ અને પૂરને કારણે ૩૦૫૦ ગામડાંમાં તારાજી સર્જાઈ અને ૨૮૩૮ પશુઓ પૂરમાં તણાઈ ગયાં
પૂરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકાર ઉપરાંત હવે રાજ્યનાં મોટાં-મોટાં મંદિરોનાં ટ્રસ્ટો દ્વારા પણ સહાય આપવામાં આવી રહી છે
મરાઠવાડાને ધમરોળનાર અતિવૃષ્ટિએ અત્યાર સુધીમાં ૧૦૪ લોકોનો જીવ લીધો છે, જેમાંથી ૨૬ સપ્ટેમ્બરે આવેલા પૂરને લીધે ૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ડિવિઝનલ કમિશનર ઑફિસે જાહેર કરેલા રિપોર્ટ મુજબ પહેલી જૂનથી ૨૯ સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની અસર કુલ ૩૦૫૦ ગામડાંને થઈ હતી. છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, નાંદેડ, ધારાશિવ, હિંગોલી, લાતુર અને બીડ જિલ્લાના ખેડૂતોની ખેતીને નુકસાન થયું હતું. કુલ ૨૮૩૮ પશુઓ પૂરમાં તણાયાં હતાં, જેમાંથી ૬૮૫ પશુઓ બીડ જિલ્લાનાં હતાં.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સતત બીજા દિવસે મરાઠવાડાની પરિસ્થિતિનો તાગ મેળવીને રાહતફન્ડની વહેંચણી જલદી થાય એ માટેનું આશ્વાસન અસરગ્રસ્ત પ્રજાને આપ્યું હતું.
ADVERTISEMENT
ડેરી ચલાવતા ખેડૂતની ૩૭ ગાય એકસાથે તણાઈ
ધારાશિવમાં આવેલા વિનાશક પૂરમાં એક ખેડૂતની ૩૭ ગાય અને ૨૦ બકરી તણાઈ જવાનો બનાવ બન્યો હતો. ખેડૂતે જણાવ્યું હતું કે ‘૨૩ સપ્ટેમ્બરે અમે લોકો સૂતા હતા ત્યારે બાંગનગ નદીનું પાણી ગામમાં ફરી વળ્યું હતું. અમારી પાસે જીવ બચાવવા માટે સાતથી ૮ મિનિટનો સમય હતો. અમે બે જ ગાય બચાવી શક્યા અને જોતજોતાંમાં તો અમારું ઘર અને ઢોરઢાંખર બધું જ પાણીમાં વહી ગયું હતું. એક-એક ગાય ૧.૨૫ લાખ રૂપિયાની હતી. ઘેટાં-બકરાં અને ગાયો બધું મળીને ૬૦ લાખનું નુકસાન થયું છે.’
પૂરગ્રસ્તોને મદદ કરવા શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટે ૧૦ કરોડ રૂપિયા આપ્યા
પૂરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકાર ઉપરાંત હવે રાજ્યનાં મોટાં-મોટાં મંદિરોનાં ટ્રસ્ટો દ્વારા પણ સહાય આપવામાં આવી રહી છે. શિર્ડી સાંઈબાબા મંદિર ટ્રસ્ટ, શેગાવ ગજાનન મહારાજ મંદિર ટ્રસ્ટ અને પંઢરપુર વિઠ્ઠલ રુક્મિણી મંદિર દ્વારા પણ મદદનો હાથ લંબાવાયો છે. મુંબઈના પ્રભાદેવીના શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૦ કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.


