રમ્બલ સ્ટ્રિપ્સ એકબીજાની નજીક બેસાડેલી મિની સ્પીડબ્રેકર જેવી પટ્ટીઓ હોય છે અને એના પરથી વાહન પસાર થાય ત્યારે ગડગડાટ થાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઘોડબંદર રોડના રહેવાસીઓના ગ્રુપ જસ્ટિસ ફૉર ઘોડબંદર દ્વારા અકસ્માતો રોકવા અને ભારે વાહનોની સ્પીડ ઓછી થાય એ માટે યોગ્ય પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હતી. એને પગલે થાણેના મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે પાંચ ટ્રૅફિક સિગ્નલ પર રમ્બલ સ્ટ્રિપ્સ બેસાડવાનો નિર્દેશ આપ્યો છે. રમ્બલ સ્ટ્રિપ્સ એકબીજાની નજીક બેસાડેલી મિની સ્પીડબ્રેકર જેવી પટ્ટીઓ હોય છે અને એના પરથી વાહન પસાર થાય ત્યારે ગડગડાટ થાય છે.
નિર્દેશ અનુસાર પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) અને ટ્રાફિક પોલીસે ઘોડબંદર રોડ પરનાં પાંચ ટ્રાફિક સિગ્નલો પર રમ્બલ સ્ટ્રિપ્સ બેસાડવાનો નિર્ણય લીધો છે. આ પાંચ લોકેશન ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે. આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થાય તો અન્ય જગ્યાઓ પર પણ રમ્બલ સ્ટ્રિપ્સ બેસાડવામાં આવશે.
ADVERTISEMENT
રમ્બલ સ્ટ્રિપ્સ સાથે સંલગ્ન તમામ સિગ્નલ્સ અને રિફ્લેક્ટર્સને ચોક્કસ સાઉન્ડ અને સ્પષ્ટ રીતે દેખાઈ આવે એવી ડિઝાઇનથી બનાવવામાં આવશે જે ઇન્ડિયન રોડ કૉન્ગ્રેસ દ્વારા નક્કી કરેલી ગાઇડલાઇન્સ મુજબનાં રહેશે.
મંગળવારે યોજાયેલી આ બેઠકમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, PWD, મેટ્રો અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ના સહિયારા પ્રયાસથી કચરો હટાવવાનું, બિનજરૂરી બૅરિકેડ્સ દૂર કરવાનું અને મુખ્ય રોડની આસપાસ લટકતા વાયરો હટાવવાનું કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

