Thane Fire: વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે આવેલ સુરક્ષા કર્મચારી કાળુ ગાડેકર અને અગ્નિશમન દળના જવાન સાગર શિંદે આ બંનેના મોત થયા છે.
તસવીર ટીએમસી દ્વારા
કી હાઇલાઇટ્સ
- થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની લોકલ વૉર્ડ-ઑફિસ સહિત અનેક દુકાનો બળીને ખાખ
- ૧ જૂન સુધી ૧૫૦ દુકાનદારોને ફરી ત્યાં જ રીહૅબિલેટેટ કરવાની યોજના
- મરનારના પરિવારજનોને ૧૦ લાખની સહાય
Thane Fire: થાણેના નૌપાડામાં આવેલ ગોખલે રોડ પરના ગાંવદેવી ભાજી માર્કેટમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ લાગી હતી. આગ ઓલવવા માટે આવેલ સુરક્ષા કર્મચારી કાળુ ગાડેકર અને અગ્નિશમન દળના જવાન સાગર શિંદે આ બંનેના મોત થયા છે. આ બંનેને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં ઉપચાર દરમિયાન બંનેએ શ્વાસ છોડ્યો હતો.
સ્થાનિક કોર્પોરેટર સંજય વાઘુળે દ્વારા વહેલી પરોઢે આશરે 3:43 વાગ્યે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને (Thane Fire) આ બનાવ અંગેની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ તરત અગ્નિશામક અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે માટે સિવિક બોડી અને ઇમરજન્સી સેવા પૂરી પડતી એજન્સીઓ સ્થળ પર દોડી આવી હતી. તે ઉપરાંત નાયબ કમિશનરો, મેઇન ફાયર અધિકારી, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ અને MSEDCL સ્ટાફ સહિત વરિષ્ઠ સિવિક અધિકારીઓ સુદ્ધાં આ સ્થળ પર કામગીરીની દેખરેખ માટે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
આગ વધારે વકરે નહીં અને નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડ (Thane Fire) તરફથી પાંચ ફાયર એન્જિન, જમ્બો વોટર ટેન્કર, રેસ્ક્યૂ વાહનો, એમ્બ્યુલન્સ અને પ્રાઇવેટ વોટર ટેન્કર મોકલી દેવામાં આવ્યા હતા. આ તમામના સહિયારા પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
સદનસીબે, વહેલી પરોઢનો સમય હોવાથી પાલિકાની વોર્ડ સમિતિની ઓફિસ બંધ હતી એટલે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વોર્ડ કમિટી ઓફિસમાં સુરક્ષા ગાર્ડ કાળુ ગાડેકર બિલ્ડિંગના પહેલા ફ્લોર પર ફસાયેલા હતા. કાળુ અને ફાયરમેન કલાકો સુધી એકબીજા સાથે મોબાઇલ ફોન પર કોન્ટેક્ટમાં હતા. ફાયર બ્રિગેડના જવાન સાગર શિંદે આગમાં ફસાયેલા સુરક્ષા ગાર્ડ કાળુ ગાડેકરને બચાવવા માટે અંદર ગયા હતા. પરંતુ કમનસીબે કાળુ ગાડેકર અને જવાન સાગર શિંદે બંનેનું ગૂંગળામણને કારણે મોત થયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસ કરાયા હતા અને આગ ઓલવાઈ હતી.
તમને જણાવી દઈએ કે ભાજી માર્કેટમાં શાકભાજી કરતાં કપડાનો વ્યવસાય (Thane Fire) વધુ છે. કહેવાઇ રહ્યું છે કે અહીં રાત્રે 25થી 30 વેપારીઓ સૂઈ રહ્યા હતા. પરંતુ તાત્કાલિક હસ્તક્ષેપથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી.
થાણેની આગ બેદરકારીને કારણે લાગી હતી?
થાણેની ગાવદેવી માર્કેટમાં લાગેલી આગમાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં. એક વર્ષ અગાઉ જવાહરબાગ ફાયર-સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આ માર્કેટ આવતી હોવાથી એનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ૨૦૨૫ની ૭ એપ્રિલે બહાર પાડવામાં આવેલા ઇન્સ્પેક્શન-રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે માર્કેટ બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટી અને લાઇફ-સેવિંગનાં પગલાં લેવામાં આવ્યાં નહોતાં અને જો ત્યાં કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો મોટા પાયે જાનમાલનું નુકસાન થવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.
ઇન્સ્પેક્શન રિપોર્ટના પૉઇન્ટ્સ
ઇમારતના બહાર નીકળવાના રસ્તા બંધ થઈ ગયા હતા.
બેઝમેન્ટમાં બાઇક-પાર્કિંગથી જતી એક મહત્ત્વપૂર્ણ સીડી જે દરરોજ ૪૫૦ વાહનોને સમાવી શકે છે એને ગેરકાયદે બાંધકામ દ્વારા સંપૂર્ણપણે અવરોધિત અને બંધ કરી દેવામાં આવી હતી.
એને લીધે ભોંયરામાં ફક્ત એક જ પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ બાકી રહ્યો હતો.
ગ્રાઉન્ડ ફ્લોર પર તૈયાર કપડાંના સ્ટૉલ ગેરકાયદે રીતે કાર્યરત હતા, જેમાં હાઈ-વૉલ્ટેજ ઇલેક્ટ્રિકલ પૅનલ્સ, મોટર રૂમ અને મુખ્ય વીજળીના મીટર રૂમની સીધી બાજુમાં અત્યંત જ્વલનશીલ કપડાં પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં.
બિલ્ડિંગના ટૉપ ફ્લોર પર સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરમાં લગભગ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ વારંવાર આવતા હતા એ સેન્ટરનાં ફાયર એક્સ્ટિંગ્વિશર રીફિલ નહોતાં કરાયાં.
કૉમ્પ્લેક્સની અંદર આવેલી ગવર્નમેન્ટ ઑફિસમાં ફાયર-સેફ્ટી અને લાઇફ-સેવિંગનાં કોઈ પગલાં અમલમાં ન હોવાથી ટોટલ ઍડ્મિનિસ્ટ્રેટિવ લેપ્સિસ હતાં.
થાણેના કોલશેત વિસ્તારમાં વેરહાઉસ અને ગેરેજમાં ભીષણ આગ
આગની એક અન્ય ઘટનાની વાત (Thane Fire) કરીએ તો મંગળવારે સવારે થાણેના કોલશેત વિસ્તારમાં કાર્ડબોર્ડ વેરહાઉસ અને નજીકના ગેરેજમાં મોટી આગ લાગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એમસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર થાણે પશ્ચિમના તારિચા પાડામાં પાઇપલાઇન રોડ પર લાસ્ટ બસ સ્ટોપ નજીક સવારે 7:40 વાગ્યે આ ઘટના બની હતી. માહિતી મળ્યા પછી તરત જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓ પિક-અપ વાહન સાથે સ્થળ પર દોડી ગયા હતા, જ્યારે ફાયર બ્રિગેડની ટીમોએ આગને કાબૂમાં લેવા માટે બે ફાયર એન્જિન અને જમ્બો વોટર ટેન્કર તૈનાત કર્યા હતા.
