Thane Fire: છ માળની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પારસિક કૅફેમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે લોકો ઊંઘી રહ્યાં હતા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના થાણેમાંથી આગ લાગવાનો બનાવ બન્યો છે. એક રહેણાંક બિલ્ડીંગના કૅફેમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિપોર્ટ અનુસાર ૩૫ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં સફળતા મળી છે. કલવા વેસ્ટમાં ખારેગાંવમાં આવેલ પારસિક કૅફેમાં લાગેલી આગમાં સદનસીબે કોઈને ઈજાઓ થઈ નથી.
લોકો ઊંઘી રહ્યાં હતા ત્યારે લાગી આગ
ADVERTISEMENT
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવી જણાવે છે કે છ માળની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ પારસિક કૅફેમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે લોકો ઊંઘી રહ્યાં હતા. સલામતીના પગલાં લેવાયાં હોઈ ચંદ્રભાગા પાર્ક બી વિંગમાં જેટલા પણ લોકો હતા તે તમામને ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના કર્મચારીઓની મદદથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને સવારે ૪.૫૮ કલાકે કૅફેના માલિકે ફોન કરીને જણાવ્યું હતું. આ કૅફે કલવા વિસ્તારના પારસિક નગરમાં ચંદ્રભાગા પાર્કના એરિયામાં હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલ છે. છ માળની આ બિલ્ડીંગમાં અન્ય એક વિંગ છે. જ્યાં આગ લાગી ત્યારે લોકો ભરનિદ્રામાં હતા.
આ આગમાં શું શું બળી ગયું?
મીડિયા રિપોર્ટ અનુસાર આ આગને કારણે કૅફેનું ઘણું નુકસાન થયું છે. ખાસ કરીને કૅફેની ટેબલ, ખુરશીઓ, રેફ્રિજરેટર્સ, કબાટ બળી ગયાં હતાં. કૅફેના કિચનમાં પણ ઘણાં ઉપકરણો બળી ગયાં હતાં. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈને આગ ઓલવવાની કામગીરી કરી હતી. સવારે સાડા છ વાગ્યા સુધીમાં તો આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
અધિકારીઓ આગ લાગવાના કારણની તપાસ કરી રહ્યા છે. વધુ વિગતો સામે આવી શકે છે. અચાનકથી ફાટી નીકળેલી આ આગ બાદ સ્થાનિકોમાં ભય ફેલાઈ ગયો હતો. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળતાં હતા. આ બનાવના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં કૅફેમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતો જોઈ શકાય છે. ફાયર વિભાગની તાત્કાલીક મદદને કારણે જાનહાનિ થતા અટકી છે.
આગ લાગે ત્યારે ગભરાવાની જરૂર નથી, પણ આ પગલાં લેવા જોઈએ:
- એલાર્મની સ્વીચ દબાવો: તરત જ બુમો પાડો, નજીકના ફાયર એલાર્મને સક્રિય કરો જેથી અન્ય લોકોને આ બાબતે જાણ થાય.
- ફાયર બ્રિગેડને કૉલ કરો- શક્ય તેટલી વહેલી તકે સ્થાનિક ફાયર હેલ્પલાઈનને કોલ કરવો.
- સલામત રીતે બહાર નીકળો- બચવાના માર્ગોનો ઉપયોગ કરીને ઝડપથી બિલ્ડીંગમાંથી બહાર આવવાનો પ્રયાસ કરો. ક્યારેય આવા સમયે એલિવેટરનો ઉપયોગ કરશો નહીં.
- સીનીયર સીટીઝન અને વિકલાંગ બાળકોને મદદ કરો - બાળકો, વૃદ્ધો અથવા વિકલાંગ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરવી.
બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૅફેમાં પરોઢિયે આગ લાગી, ઉપર રહેતા ૩૫ નિદ્રાધીન રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા
કલવા-વેસ્ટમાં ૬ માળના બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પારસિક કૅફેમાં ગુરુવારે પરોઢિયે આગ લાગી હતી. ટૂંક સમયમાં જ આગ આખી કૅફેમાં ફેલાઈ ગઈ હતી જેને લીધે ઉપરના માળ પર રહેતા રહીશોના જીવ જોખમમાં મુકાયા હતા.

પારસિક કૅફેમાં આગ લાગતાં ફર્નિચર અને કિચનનાં સાધનો બળીને ખાખ થયાં હતાં.
વહેલી સવારે ૪.૫૮ વાગ્યે ચંદ્રભાગા પાર્ક કૉમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કૅફેમાં આગ લાગી એ સમયે ઉપરના રેસિડેન્શિયલ વિભાગમાં રહેવાસીઓ સૂતા હતા. જોતજોતાંમાં આગ ૧૦૦૦ સ્ક્વેરફુટમાં ફેલાઈ ગઈ હતી. ફાયર-બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ-કામગીરી શરૂ કરી હતી. બિલ્ડિંગમાં રહેતા ૩૫ સભ્યોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ૬.૨૫ વાગ્યે આગ બુઝાઈ હોવાનું થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું.
આગ લાગવાનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ આગને કારણે કૅફેનાં ટેબલ-ખુરશી અને રસોડાનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.


