નેરુળની શુશ્રૂષા હૉસ્પિટલમાં ACમાં શૉર્ટ સર્કિટ થવાને કારણે લાગેલી આગમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાખ : ICUના ૨૧ દરદીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડાયા
શુશ્રૂષા હૉસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટનામાં બચાવકામગીરી દરમ્યાન અમુક દરદીઓને હાથમાં તેડીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
નેરુળ-વેસ્ટના સેક્ટર-૬માં આવેલી શુશ્રૂષા હૉસ્પિટલમાં સોમવારે બપોરે ૧૨ વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર એક્સ-રે રૂમમાં ઍર કન્ડિશનર (AC)માં શૉર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હતી. એને કારણે હૉસ્પિટલમાં દાખલ અનેક દરદીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આગ વધુ ફેલાય એ પહેલાં દરદીઓને સલામત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું હતું.
જે દરદીઓ ચાલી નહોતા શકતા તેમને સ્ટ્રેચરમાં લઈ જવાયા હતા અને અમુક દરદીઓને હાથમાં તેડીને ઍમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD)ના પેશન્ટ્સને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા તેમ જ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં દાખલ થયેલા ૨૦ દરદીઓને નવી મુંબઈની સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક દરદીને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. ફાયર-બ્રિગેડ સાથે આસપાસ ભેગા થઈ ગયેલા લોકોએ હૉસ્પિટલ ખાલી કરાવવામાં મદદ કરી હતી.
ADVERTISEMENT
વાશી ફાયર-સ્ટેશનના ઑફિસર રોહન કોકાટેએ જણાવ્યું હતું કે, ‘પાંચ ફાયર-એન્જિનને આગ બુઝાવવા માટે ડિપ્લૉય કરવામાં આવ્યા હતાં. એક કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. હૉસ્પિટલનો ગ્રાઉન્ડ ફ્લોર આગમાં ખાખ થઈ ગયો હતો, જેનો ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાયો હતો. હૉસ્પિટલની ઇમારત અને સાધનોને વધુ નુકસાન થયું છે.’
હૉસ્પિટલનું ફાયર-સેફટી આૅડિટ સર્ટિફિકેટ રિન્યુ થયું નહોતું
શુશ્રૂષા હૉસ્પિટલને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા બી-ફૉર્મ એટલે કે ફાયર-સેફટી ઑડિટ સર્ટિફિકેટ જુલાઈ ૨૦૨૪ સુધીની સમયમર્યાદા માટે ઇશ્યુ થયું હતું. ત્યાર બાદ હૉસ્પિટલ તરફથી સર્ટિફિકેટ રિન્યુ કરવા માટે અરજી કરવામાં આાવી નથી.


