News In Shorts : થાણેના તળાવમાં નાહવા પડેલો ૧૨ વર્ષનો છોકરો ડૂબી ગયો, ટર્કી ભૂકંપથી ધણધણી ઊઠ્યું : ડઝનબંધ બિલ્ડિંગો ધરાશાયી, વધુ સમાચાર
પ્રતીકાત્મક તસવીર
ભાંડુપ-વેસ્ટમાં આવેલા ખિંડીપાડાના ડકલાઇન રોડ પર આવેલી કપડાની એક દુકાનમાં સોમવારે બપોરે આગ લાગી હતી. ત્રણ માળના આ બિલ્ડિંગના બીજા માળે આવેલી ઑલ ફિટ ગાર્મેન્ટ નામની દુકાનમાં બપોરે ૧.૩૮ વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં તાત્કાલિક ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આાવી હતી. મુંબઈ ફાયર-બ્રિગેડે આ આગને લેવલ-૧ની આગ હોવાનું ગણાવીને ટૂંક સમયમાં જ બુઝાવી દીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આગ લાગવાનાં કારણ ઉપરાંત બિલ્ડિંગમાં ફાયર-સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં એની તપાસ પણ પોલીસે હાથ ધરી છે.
થાણેના તળાવમાં નાહવા પડેલો ૧૨ વર્ષનો છોકરો ડૂબી ગયો
ADVERTISEMENT

થાણેના કાસારવડવલી ગામના રામ મંદિર પાસે આવેલા તળાવમાં નાહવા પડેલા ૧૨ વર્ષના પીયૂષ ગજાનન સોનાવણેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. થાણેના વાઘબીળના વિજય ગાર્ડનમાં રહેતો પીયૂષ ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યે તળાવમાં ડૂબી ગયો હતો. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પીયૂષના મૃતદેહને બહાર કાઢ્યો હતો. કાસારવડવલી પોલીસે ઍક્સિડેન્ટલ ડેથ-રિપોર્ટ નોંધીને કેસની વધુ તપાસ કરી હતી. પીયૂષ થાણે મ્યુનિસિપલ સ્કૂલના પાંચમા ધોરણમાં ભણતો હતો.
ટર્કી ભૂકંપથી ધણધણી ઊઠ્યું : ડઝનબંધ બિલ્ડિંગો ધરાશાયી

રવિવારે અડધી રાતે ટર્કીમાં ૬.૧ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જે ઇસ્તનબુલ અને એની આસપાસનાં મોટાં શહેરોમાં અનુભવાયો હતો. ધણધણી ઊઠેલી ધરતીને કારણે લગભગ ડઝનથી વધુ બિલ્ડિંગો પત્તાંના મહેલની જેમ ફસડાઈ પડ્યાં હતાં. ૨૯ લોકો ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. જોકે બિલ્ડિંગોના મલબા હેઠળ હજી બીજા ઘણા લોકો ફસાયેલા હોઈ શકે છે. સોમવારે પણ વારંવાર ભૂકંપ પછીના આફ્ટરશૉક્સ આવતા રહ્યા હતા.
ગાઝા પર કબ્જો કરવાના નેતન્યાહુના નિર્ણયનો ઇઝરાયલમાં જ વિરોધ
ઇઝરાયલના તેલ અવિવના રસ્તાઓ પર શનિવારે રાતે હજારો લોકો ઊતરી આવ્યા હતા અને તેમણે લગભગ બે વર્ષ જૂના ગાઝા-યુદ્ધને વધુ તીવ્ર બનાવવાની વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની યોજનાનો વિરોધ કર્યો હતો. તેમણે ગાઝામાં લશ્કરી કાર્યવાહી તાત્કાલિક સમાપ્ત કરવા અને બંધકોને મુક્ત કરવાની માગણી કરી હતી. તેમને ભય છે કે ગાઝામાં બંધકોનો જીવ જોખમમાં મુકાશે. શુક્રવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઑફિસે જણાવ્યું હતું કે વ્યાપક જાહેર વિરોધ અને સૈન્ય તરફથી ચેતવણીઓ છતાં સુરક્ષા પ્રધાનમંડળ અને વરિષ્ઠ પ્રધાનોના નાના જૂથે ગાઝા શહેરને કબજે કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે તેઓ બંધકોને મુક્ત કરવામાં મદદ કરશે.
બેઘર લોકોને તાત્કાલિક વૉશિંગ્ટન DC છોડવાનો ડોનલ્ડ ટ્રમ્પનો આદેશ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વૉશિંગ્ટન-DCમાંથી બેઘર લોકોને બહાર નીકળી જવાનો આદેશ આપ્યો છે. ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના કર્મચારી એડવર્ડ કૉરિસ્ટીન પર ૩ ઑગસ્ટે કારજૅકિંગના પ્રયાસ દરમ્યાન હુમલો થયા બાદ ટ્રમ્પે આ આદેશ આપ્યો છે. આ મુદ્દે ટ્રમ્પે પોતાના જ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘બેઘરોએ તાત્કાલિક બહાર નીકળી જવું પડશે. અમે તેમને દૂરના વિસ્તારમાં રહેવા માટે જગ્યા આપીશું. ગુનેગારોએ બહાર જવાની જરૂર નથી. અમે તેમને જેલમાં પૂરી દઈશું, જ્યાં તેમનું ઘર છે.’
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૉશિંગ્ટન DCમાં હાલમાં ઓછામાં ઓછા ૩૦૦૦થી વધારે લોકો બેઘર છે.
કોલમ્બિયાની આ ફુલકારી કમાલની છે


દર વર્ષે કોલમ્બિયામાં સિલેટાસ નામનાં ફૂલોથી સજાવેલાં એવાં હરતાં-ફરતાં આર્ટવર્ક બનાવવામાં આવે છે જે જોતાં જ મન મોહી જાય છે. અહીં રંગબેરંગી ફૂલોની ભરપૂર ખેતી થાય છે. આ ફૂલો થકી જાતજાતની થીમ પર સજાવેલાં ફુલોનાં આર્ટવર્ક બનાવવામાં આવે છે જેની લાંબી પરેડ નીકળે છે.
જટાધારીની પૂજા કરવા માટે પણ જળસાધના કરવી પડી

શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પરંતુ વરસાદે માઝા મૂકી છે. કલકત્તામાં મંદિરોમાં પણ પાણી ભરાઈ ગયાં હોવા છતાં શ્રાવણિયા સોમવારે શિવજીની ખાસ પૂજા અને હવન કરવામાં આવ્યાં હતાં. હવનની વેદી ફરતે ભરેલા પાણીમાં બેસીને પૂજારીઓએ હવન કર્યો હતો.


