Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં રચાયો નવો ઇતિહાસ

મુંબઈમાં રચાયો નવો ઇતિહાસ

Published : 12 April, 2026 07:11 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કાંદિવલીના મથુરાદાસ રોડ પર આવેલા લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ સ્વખર્ચે બાંધવામાં આવેલા શહેરના સૌથી પહેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં કર્યો ગૃહપ્રવેશ

આ છે ભાડૂતોને મળેલું નવું ઘર

આ છે ભાડૂતોને મળેલું નવું ઘર


કાંદિવલી-વેસ્ટના મથુરાદાસ રોડ પર આવેલા લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના ભાડૂતોએ ગઈ કાલે સવારે સ્વખર્ચે તૈયાર કરેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં હરખનાં આંસુ સાથે ગૃહપ્રવેશ કરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. આ ભાડૂતોએ તેમની ઇમારતનું પુનઃનિર્માણ ન થાય ત્યાં સુધી મુંબઈ મહાનગરપાલિકાની પરવાનગીથી આ ટ્રાન્ઝિટ કૅમ્પ તૈયાર કર્યો છે. ભાડૂતોએ બેઘર બની ગયા પછી ૧૧ વર્ષ અને ૯ મહિનાની લાંબી લડત પછી પોતાના ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

બેઘર કેવી રીતે બન્યા?



અમારી સામે પહેલાં અમારા લૅન્ડલૉર્ડ તરફથી ૨૦૧૨માં કેસ કરવામાં આવ્યો હતો એમ જણાવતાં લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના સેક્રેટરી નીલેશ મારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્યાર પછી ૨૦૧૪માં મહાનગરપાલિકાએ અમારા વિરોધ વચ્ચે અમારા મકાનને ખાલી કરાવીને અમને બેઘર કરી નાખ્યા હતા અને ૨૦૧૯માં અમારા મકાનને ધરાશાયી કરી દેવામાં આવ્યું હતું. એ દિવસથી રોડ પર ઊતરીને અમારી લડત શરૂ થઈ હતી. અમે ૨૦૨૦માં અમારું ઘર પાછું મેળવવા મુંબઈ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ અને રાજકીય નેતાઓને હાથપગ જોડ્યા, પણ અમને નિરાશા મળી. કાયદા પ્રમાણે ભાડૂતી મકાનના ભાડૂતોએ લડવા માટે ભાડૂત મંડળ બનાવવું અનિર્વાય છે અને તો જ તેઓ કાયદાકીય લડત લડી શકે.’


વિધાનસભ્ય યોગેશ સાગર સાથે લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના સેક્રેટરી નીલેશ મારુ.


સ્વખર્ચે ટ્રાન્ઝિટ કૅમ્પ કેમ?

નીલેશ મારુએ ઉમેર્યું હતું કે ‘લક્ષ્મી નિવાસ બિલ્ડિંગને મુંબઈ મહાનગરપાલિકાએ અત્યંત જોખમી બિલ્ડિંગ જાહેર કરીને ૨૦૧૪ની ૧૮ જુલાઈએ ખાલી કરાવી દીધું હતું. ત્યારથી આ બિલ્ડિંગના ૧૨ ભાડૂતો પુનર્વસન માટે મુંબઈ મહાનગરપાલિકા અને તેમના લૅન્ડલૉર્ડ સામે લડી રહ્યા હતા. જોકે બેઘર બનેલા ભાડૂતોએ અનેક આંદોલન કર્યા પછી પણ મહાનગરપાલિકા તેમને ન્યાય આપવા ટસની મસ નહોતી થતી. અમારી ઇમારતને ધરાશાયી કરી ત્યારે અમને વહેલી તકે ઘર આપવામાં આવશે એવાં વચન આપવામાં આવ્યાં હતાં. એ વચનના ભરોસે અમે વર્ષોથી અમારું ઘર હોવા છતાં ભાડાં પર બીજી જગ્યાએ રહેતા હતા. અમારામાંથી અમુક સિનિયર સિટિઝનો પાસે તો હવે ભાડું ભરવા માટેના પૈસા પણ નથી. અત્યાર સુધીમાં ૧૩ ભાડૂતો નવા ઘરની રાહ જોતાં-જોતાં મૃત્યુ પામ્યા છે. ત્યારે અમને અમારી ઇમારતના ખાલી પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પ પણ અમારા ખર્ચે બાંધવાનું કહેવામાં આવ્યું હતું. એમાં મહાનગરપાલિકાને બૅન્ક-ગૅરન્ટી આપવાથી લઈને અમારા ચાલ-ટાઇપનાં મકાનો ઊભાં કરવા માટે એકેએક ભાડૂતે અંદાજે સાડાસાત લાખ રૂપિયા ઘરના કાઢવા પડ્યા છે. મહાનગરપાલિકાના કાયદા પ્રમાણે આ બધો બોજ અમે ઉપાડ્યો હતો. જ્યારે લૅન્ડલૉર્ડના માથે એકેય રૂપિયાનો બોજ આવ્યો નથી. આમ છતાં અમે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્રને વળગી રહ્યા હતા. અમે કોઈ પણ રીતે અમારાં ઘર પાછાં મેળવવા માગતા હતા એથી અમે મહાનગરપાલિકાના ટ્રાન્ઝિટ કૅમ્પના સૂચનના પગલે આગળ વધતા રહ્યા હતા જેમાં અમને સફળતા મળી ગઈ.’

લક્ષ્મી નિવાસ બિલ્ડિંગના સ્થાને બનેલો ટ્રાન્ઝિટ કૅમ્પ.

આ બાબતે લક્ષ્મી નિવાસ ભાડૂત મંડળના ચૅરમૅન દિનેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટ્રાન્ઝિટ કૅમ્પની પરવાનગી માગવી એ કાંઈ ખાવાના ખેલ નહોતા. અમારા ભાડૂતો કેતન વ્યાસ, હિતેશ વોરા, ભરત, ચેતન, દિલીપ મજીઠિયા, મનોજ, હરેશ, અજય એ સૌ ઘર પાછા મેળવવા માટે સક્રિય રહ્યા હતા. અમારી ચળવળને ‘મિડ-ડે’નો પણ ડગલે ને પગલે સાથ મળ્યો. અમારો અવાજ બુલંદ કરવામાં અને હિંમત આપવામાં ‌‘મિડ-ડે’નો પણ રોલ રહ્યો છે. ટ્રાન્ઝિટ કૅમ્પની પરવાનગી મહાનગરપાલિકા આપવા તૈયાર હતી, પણ એની શરતો અને નિયમો અમલમાં મૂકવાં સરળ નહોતાં. ટ્રાન્ઝિટ કૅમ્પ માટે આર્કિટેક્ટ નીમવાની, પ્લાન પાસ કરાવવાની, બૅન્ક-ગૅરન્ટી આપવાની, ફાયર ડિપાર્ટમેન્ટની અને મહાનગરપાલિકા પાસેથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ મેળવવાની, પૈસા ભરવાની એ બધી પ્રક્રિયા પછી અમને ૨૦૨૫ની ૮ મેએ મહાનગરપાલિકાની ટ્રા‌ન્ઝિટ કૅમ્પ માટે પરવાનગી મળી હતી. અમારા માટે આ બહુ મોટી જીત હતી. અમને એક નવી આશાનું કિરણ દેખાયું અને અમે અઠવાડિયામાં સમય બગાડ્યા વગર ટ્રાન્ઝિટ કૅમ્પ બાંધવાની શરૂઆત કરી દીધી હતી.’

વિધાનસભ્ય યોગેશ સાગર સાથે આર્કિટેક્ટ મિલિંદ સુર્વે અને તેમના સહાયક.

કોનો-કોનો સાથ-સહકાર રહ્યો?

નગરસેવિકા લીના પટેલ અને વિધાનસભ્ય યોગેશ સાગર અમારી લડતમાં જોડાયા હતા એવું જણાવતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે ૧૨ ભાડૂતોમાંથી અમે ૬ ભાડૂતો મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય કુરાડે, આર્કિટેક્ટ મિલિંદ સુર્વે, કૉન્ટ્રૅક્ટર મુખ્તાર શેખ અને સ્ટ્રક્ચર-એન્જિનિયર સંકેત શાહના સાથસહકારથી ૩૧૫ સ્ક્વેર ફીટનાં ઘર બાંધ્યાં છે. મુંબઈનાં અત્યંત જોખમી બિલ્ડિંગો અને હજારો લોકો બેઘર બની રહ્યા છે ત્યારે એક નવા ઇતિહાસનું સર્જન કર્યું છે.’

નવા ઘરની બહાર લક્ષ્મી નિવાસના ભાડૂતો.

ખુશી સાથે વેદના પણ છે

અમે સ્વખર્ચે તૈયાર કરેલા ટ્રાન્ઝિટ કૅમ્પમાં ગૃહપ્રવેશથી અત્યંત ખુશ છીએ એમાં કોઈ શંકા નથી, પણ એક વાતની વેદના છે એમ જણાવતાં આ ભાડૂતોએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો જાનહાનિ થશે એવા બહાના હેઠળ રહેવાસીઓને બેઘર કરવા એ અયોગ્ય છે. આને માટે મહાનગરપાલિકાના ૧૩૭ વર્ષ જૂના કાયદામાં તાત્કાલિક પરિવર્તન લાવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર કાયદાઓ બદલી શકે છે તો મહારાષ્ટ્ર સરકાર કેમ નહીં. જ્યાં સુધી પુનર્વસનની વ્યવસ્થા મહાનગરપાલિકા અને લૅન્ડલૉર્ડ કરી શકે નહીં ત્યાં સુધી જગ્યા ખાલી કરાવી શકે નહીં. મકાનમાલિક અને મહાનગરપાલિકા અત્યંત જોખમી બિલ્ડિંગ કહીને કોર્ટના આદેશ દેખાડીને લાઇટ-પાણીનાં કનેક્શન કાપી નાખે છે એ ખુલ્લેઆમ દાદાગીરી છે. જો ભાડૂતો પર દબાણ કરવામાં આવે છે તો કાયદામાં મકાનમાલિક પર કોઈ નિયમ લાદવામાં આવ્યો નથી. ઇમારત તોડી પાડ્યા પછી ભાડૂતોને પર્યાયી જગ્યા આપવામાં આવશે તથા ખાલી કરેલી જગ્યામાં જ ફરીથી પુનર્વસન કરાવવામાં આવશે એવું ઍગ્રીમેન્ટ અથવા તો સરકાર તરફથી એ જ ખાલી પ્લૉટ પર ટ્રાન્ઝિટ કૅમ્પની સુવિધા કેમ આપવામાં આવતી નથી?’

આ ગૃહપ્રવેશ પ્રસંગે સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગર, પ્રભાગ સમિતિનાં અધ્યક્ષ લીના પટેલ, નગરસેવક ધવલ વોરા, આર્કિટેક્ટ મિલિંદ સુર્વે, સ્ટ્રક્ચરલ-એન્જિનિયર સંકેત શાહ અને ધર્મેશ પીપળિયા હાજર રહ્યાં હતાં.

લક્ષ્મી નિવાસના ભાડૂતોની આ લડતમાં તેમને ઍડ્વોકેટ ચિરાગ ઉનડકટનો સપોર્ટ મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 07:11 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK