રવિવારે ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર થયેલા મર્ડરનો આરોપી પકડાઈ ગયો
ક્રાઇમ બ્રાન્ચે પકડેલો આરોપી સૂરજ જાયસવાલ.
ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર રવિવારે બપોરે ૩૬ વર્ષના ઝીશાન પટેલ (શેખ)ની છરીના ઘા ઝીંકીને હત્યા કરીને નાસી જનારો ૨૨ વર્ષનો સૂરજ જાયસવાલ ગઈ કાલે ગોવંડીમાંથી પકડાઈ ગયો હતો. ઓવરટેકિંગના મામૂલી વાતથી થયેલા વિવાદમાં હત્યા જેવી ગંભીર ઘટના નોંધાતાં મુંબઈ પોલીસે આરોપીને શોધવા માટે વિવિધ ટીમો બનાવી હતી. એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ જૉઇન્ટ તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળ નજીક મળેલા એક ક્લોઝડ્-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે હત્યામાં વપરાયેલી ઍક્ટિવાનો નંબર મળી જતાં પોલીસ આરોપી સુધી પહોંચી હતી. જોકે નવાઈની વાત એ છે કે આરોપીને ખબર જ નહોતી કે તેનાથી હત્યા થઈ છે. ગઈ કાલે જ્યારે પોલીસ આરોપી સુધી પહોંચી ત્યારે તે ઘરે જ હતો.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ સાતના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી સૂરજ પનીરનો વ્યવસાય કરે છે. તેને વારંવાર પનીર કાપવા માટે છરીની જરૂર હોવાથી તેણે પોતાની ઍક્ટિવાની ડિકીમાં છરી રાખી હતી અને એ જ છરીથી તેણે ઝીશાનની હત્યા કરી હતી. રવિવારે બપોરે ગોવંડીના શિવાજીનગરમાં રહેતો સૂરજ પત્ની સાથે ઍક્ટિવા પર ઘાટકોપરથી પોતાના ઘરે જઈ રહ્યો હતો એ દરમ્યાન EEHના સર્વિસ રોડ પર વૅગનઆર કાર સાથે ઓવરટેકિંગના મુદ્દે ઝીશાન સાથે તેનો ઝઘડો થયો હતો, જેમાં તેણે ઉશ્કેરાઇને ડિકીમાં રહેલી છરી ઝીશાનની છાતીમાં મારી દીધી હતી. આ ઘટનામાં ઝીશાનના શરીરમાંથી મોટા પ્રમાણમાં લોહી નીકળતું જોઈને સૂરજ ગભરાઈ ગયો હતો અને પત્ની સાથે ત્યાંથી નાસી ગયો હતો. ઘટના બાદ અમે તાત્કાલિક તપાસ માટે લાગી ગયા હતા. જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાથી આશરે ૭૦૦થી ૮૦૦ મીટર દૂર એક CCTVમાં સૂરજના સ્કૂટરનો નંબર બ્લર દેખાઈ આવ્યો હતો જેના આધારે અમે ટેક્નિકલ ટીમની મદદ લઈને વધુ તપાસ કરી ગોવંડીમાં રહેતા આરોપી સુધી પહોંચ્યા હતા. આ કેસમાં આરોપીની વધુ તપાસ પંતનગર પોલીસ-સ્ટેશનને સોંપી દેવામાં આવી છે.’


