સમાજમાં સ્પષ્ટ અને કડક સંદેશ જવો જોઈએ કે ડૉક્ટરો પર હુમલો ન થઈ શકે
રમેશ મ્હાત્રે
મેડિકલ ફ્રૅટરનિટી પર કોઈ પણ પ્રકારનો હુમલો સહન ન કરી શકાય એવી લપડાક લગાવતાં સુપ્રીમ કોર્ટે સોમવારે શિવસેનાના કૉર્પોરેટર રમેશ મ્હાત્રેના જામીન રદ કર્યા છે. ડોમ્બિવલીની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં ડૉક્ટરો પર હુમલો કરવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે રમેશ મ્હાત્રેને જામીન આપ્યા હતા, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી તેમને ૩ દિવસમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારની અપીલ દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. અદાલતે સખત વલણ અપનાવતાં જણાવ્યું હતું કે ‘સમાજમાં સ્પષ્ટ અને કડક સંદેશ જવો જોઈએ કે ડૉક્ટરો પર હુમલો ન થઈ શકે. તેઓ લોકોની સેવા કરે છે અને તેમની સાથે આવો વ્યવહાર સાંખી ન લેવાય.! આ સાથે જ સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે રમેશ મ્હાત્રેની આ ઘટના બાદ પણ આ જ રાજકીય પક્ષ તરફથી આવી અન્ય એક ઘટના પણ સામે આવી હતી. હવે અદાલત એવો દાખલો બેસાડવા માગે છે કે કોઈ પણ વ્યક્તિ ડૉક્ટરો પર હાથ ઉપાડવાની હિંમત ન કરે.
ઉલ્લેખનીય છે કે ૬ જુલાઈએ શાસ્ત્રીનગરની હૉસ્પિટલમાં એક સગર્ભા મહિલાના પરિવારજનોએ સારવારમાં વિલંબ થવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ રમેશ મ્હાત્રે અને અન્ય ૪ આરોપીઓ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ તેમણે ડૉક્ટરો પર હુમલો કર્યો હતો.
