બસ-સર્વિસ ઠપ થઈ જવાથી હજારો પ્રવાસીઓ અટવાયા
ફાઇલ તસવીર
વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC) હેઠળના ટ્રાન્સપોર્ટ વિભાગના ડ્રાઇવરો, કન્ડક્ટરો, ટેક્નિશિયનો તેમ જ અન્ય કર્મચારીઓએ તેમની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને મંગળવારે વહેલી સવારે ૬ વાગ્યાથી જ અચાનક કામકાજ બંધ કરીને હડતાળ પાડી દીધી હતી. કર્મચારીઓની આ આકસ્મિક હડતાળને કારણે શહેરના વાહનવ્યવહાર પર અસર પહોંચી
હતી અને સવારથી જ વસઈ-વિરારના માર્ગો પર એક પણ બસ દોડતી જોવા નહોતી મળી.
કૉર્પોરેશનની તમામ બસો વિરાર અને સાતીવલી ડેપો પર પાર્ક કરી દેવામાં આવી છે, જેના પરિણામે હજારો પ્રવાસીઓ અન્ય વૈકલ્પિક વાહનવ્યવહાર પર નિર્ભર રહેવા મજબૂર બન્યા હતા.
કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં અન્ય શહેરોની ટ્રાન્સપોર્ટ સર્વિસની સમકક્ષ વેતન આપવાનો, કાયદા મુજબ ઓવરટાઇમનું પેમેન્ટ કરવાનો, યોગ્ય વિરામ સાથે કામના કલાકો નક્કી કરવાનો અને હાલમાં ચાલી રહેલી કૉન્ટ્રૅક્ટ પદ્ધતિ નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓએ બોનસ, ગ્રૅચ્યુઇટી, જમા થયેલી ડિપોઝિટ પાછી આપવા તેમ જ કર્મચારીઓ
સામે કરવામાં આવતી દંડ અને શિસ્તભંગની કાર્યવાહી સામે પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ હડતાળને કારણે દૈનિક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
