વાત બહાર આવી એટલે વનવિભાગ આવીને લઈ ગયો
સોસાયટીમાંથી અજગરને લઈ જતા વનવિભાગના અધિકારીઓ.
અંધેરી-ઈસ્ટ વિસ્તારમાં આવેલી કલિસ્ટા સોસાયટીના ફ્લૅટ-નંબર ૮૦૫માં રહેતા સંતોષ રહાટેએ પોતાના ઘરમાં ૮ ફુટ લાંબો અજગર પાળ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આની માહિતી મળતાં વનવિભાગની ટીમે દરોડો પાડીને અજગરને પોતાના કબજામાં લીધો હતો. વનસંરક્ષણના નિયમો અનુસાર સાપ કે અજગર જેવા વન્યજીવોને ઘરમાં પાળવા પર સખત મનાઈ છે. અંધેરીની જાણીતી સોસાયટીમાં આ પ્રકારે ઘરમાં જ અજગર રાખવામાં આવ્યો હોવાની જાણ થતાં સોસાયટીના અન્ય રહેવાસીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો સંતોષના નાના પુત્ર દ્વારા થયો હતો. તે સોસાયટીમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે તેણે વાત-વાતમાં પોતાના ઘરમાં અજગર હોવાની જાણકારી અન્ય બાળકોને આપી હતી. આ સાંભળીને બાળકોએ ઘરે જઈને તેમના પેરન્ટ્સને વાત કરી હતી, જેના આધારે સોસાયટીના કેટલાક સભ્યોએ છૂપી રીતે તપાસ કરીને ફ્લૅટમાં અજગર હોવાની ખાતરી કરી હતી. ત્યાર બાદ તરત વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમે અજગરનો કબજો મેળવીને એને સારવાર અર્થે વનવિભાગના મેડિકલ સેન્ટરમાં મોકલી આપ્યો હતો. હાલ વનવિભાગ દ્વારા આ અજગર ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કેટલા સમયથી ઘરમાં રખાયો હતો અને એને પાળવા પાછળનો હેતુ શું હતો એ વિશે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
