વેજને બદલે નૉનવેજ મોમોઝ આવી ગયા એની ફરિયાદ સામે ગ્રાહક અદાલતે કહ્યું કે વેજિટેરિયન છો તો નૉન-વેજ રેસ્ટોરાંમાંથી જમવાનું ઑર્ડર જ કેમ કર્યું?
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સાયનમાં એક કસ્ટમરે વેજિટેરિયન ફૂડ ઑર્ડર કરવા છતાં તેને નૉન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું. આ બાબતની ફરિયાદની સુનાવણી કરતાં જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશને પ્રશ્ન કર્યો હતો કે ‘જો તમે ચુસ્ત વેજિટેરિયન હો અને તમારી લાગણી દુભાતી હોય તો વેજ અને નૉન-વેજ બન્ને સર્વ કરતી રેસ્ટોરાંમાં જમવાનું ઑર્ડર જ કેમ કર્યું?’
૨૦૨૦ના ડિસેમ્બરમાં બનેલા બનાવની વિગત મુજબ બે ફરિયાદીએ સાયનના વાઓ મોમોઝના આઉટલેટ પરથી સૉફ્ટ ડ્રિન્ક સાથે દાર્જીલિંગ મોમોઝનો કૉમ્બો ઑર્ડર કર્યો હતો તેમ જ ઑર્ડર આપતી વખતે બે વાર સ્પષ્ટ કર્યું હતું કે ઑર્ડર વેજ છે. એમ છતાં તેમને ચિકન દાર્જીલિંગ મોમોઝ પીરસવામાં આવ્યા હતા. ચિકન મોમોઝ જોઈને અમને માનસિક આઘાત લાગ્યો હતો અને અમારી ધાર્મિક લાગણી હતી એવો ફરિયાદીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એના વળતરરૂપે વાઓ મોમોઝ પાસેથી તેમણે ૩-૩ લાખ એમ કુલ ૬ લાખ રૂપિયા માગ્યા હતા.
ADVERTISEMENT
વાઓ મોમોઝે એના નિવેદનમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ જ નૉન-વેજ આઇટમ્સ મગાવી હતી. એનું ઇનવૉઇસ પણ તેમણે રજૂ કર્યું હતું. તેમના કહેવા મુજબ ફરિયાદીએ ત્યાં હાજર સ્ટાફ સાથે મારપીટ કરી હતી તેથી ઑર્ડરના પૈસા પાછા આપીને બીજી આઇટમ્સ મફતમાં આપવાની ફરજ પડી હતી. ફરિયાદીને પૈસા પાછા આપી દીધા હોવાથી તે હવે તેમનો કસ્ટમર ન કહેવાય એવી દલીલ પણ કંપનીએ કરી હતી.
ગયા મહિને પાસ થયેલા ઑર્ડરની સુનાવણીમાં મુંબઈ પરાંના જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ કમિશને એવું કહીને ફરિયાદીની અરજી ફગાવી દીધી હતી કે ચુસ્ત વ્યક્તિ ખાધા પહેલાં જ વેજ અને નૉન-વેજમાં અંતર જાણી શકે છે અને આ ઉપરાંત ફરિયાદી તેમની ધાર્મિક લાગણી દુભાયાનો કોઈ પુરાવો પણ રજૂ કરી શક્યા નહોતા.

