Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હિમાચલમાં પહાડ પરથી શ્રદ્ધાને ફેંકવાનો પ્લાન હતો આફતાબનો?

હિમાચલમાં પહાડ પરથી શ્રદ્ધાને ફેંકવાનો પ્લાન હતો આફતાબનો?

22 November, 2022 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઍન્ગલની પણ પોલીસ કરી રહી છે તપાસ: નરાધમની નાર્કો ટેસ્ટ કરવામાં થયો વિલંબ

પોલીસને શંકા છે કે આફતાબે આ તળાવમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડા નાખ્યા હશે

Shraddha Walkar Murder

પોલીસને શંકા છે કે આફતાબે આ તળાવમાં શ્રદ્ધાના મૃતદેહના ટુકડા નાખ્યા હશે


વસઈની શ્રદ્ધા વાલકર મર્ડરકેસમાં પકડાયેલા તેના બૉયફ્રેન્ડ આફતાબ અમીન પૂનાવાલાની નાર્કો ટેસ્ટ સોમવારે અથવા મંગળવારે થવાની વાતો હતી, પણ આ બાબતે સ્પષ્ટતા કરતાં દિલ્હી પોલીસે કહ્યું છે કે આફતાબે નાર્કો ટેસ્ટ કરવા માટે સહમતી આપી છે એ બરોબર છે, પણ નાર્કો કરતાં પહેલાં તેની પ્રી-નાર્કો ટેસ્ટ કરાશે જે હજી બાકી છે. એમાં તેની ઇમોશનલ, સાઇકોલૉજિકલ અને ફિઝિકલ ટેસ્ટ કરાશે અને જો તે ફિટ જણાશે તો પહેલાં તેની પૉલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે, આ ટેસ્ટમાં શરીર પર સેન્સર લગાડવામાં આવે છે અને જો વ્યક્તિ ખોટું બોલે તો બ્લડ પ્રેશર, પ્લસ રેટ, શ્વાસ લેવાની ઝડપમાં ફેરફાર અને પરસેવો થવા જેવા ફેરફાર થતા હોય છે. એ પછી નાર્કો ટેસ્ટ કરાશે, જેમાં બેહોશીનું ઇન્જેક્શન આપી તેને અર્ધબેભાન અવસ્થામાં સવાલો કરી તેના જવાબો મેળવવાનો પ્રયાસ કરાતો હોય છે.    

દિલ્હી પોલીસની એક ટીમ ગઈ કાલે મુંબઈની જે ફાઇવસ્ટાર હોટેલમાં આફતાબ શેફ હતો ત્યાં ગઈ હતી અને તપાસ કરી હતી. તે કામ પર હતો એ દરમ્યાન તેની વર્તણૂક કેવી હતી? તેની સામે કોઈ ફરિયાદ હતી? તેના સાથી કર્મચારી સાથેનું વર્તન કેવું હતું? આવી તમામ માહિતી તેમણે ભેગી કરી હતી.  



દિલ્હીના એક વકીલે દિલ્હી હાઈ કોર્ટમાં એક અરજી કરીને રજૂઆત કરતાં કહ્યું છે કે શ્રદ્ધા મર્ડરકેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવામાં આવે. તેણે પોતાની રજૂઆતમાં એમ કહ્યું છે કે ‘દિલ્હી પોલીસ પાસે ઓછો સ્ટાફ છે અને એ સિવાય તપાસ માટે જે આધુનિક ટે​​ક્નિક અને સાધનો જોઈએ એની પણ ઊણપ છે એથી આ તપાસ જો સીબીઆઇને સોંપવામાં આવે તો એ વધુ સારી રીતે તપાસ કરી શકશે. બીજું પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસની વિગતો મીડિયામાં જાહેર થઈ રહી છે. પુરાવા-તપાસને લગતી એ મહત્ત્વની માહિતી કોર્ટમાં પેશ કરવાની હોય તો એ કઈ રીતે લીક કરી શકાય? બીજું, પોલીસે ઘટનાસ્થળને પણ સીલ નથી કર્યું. રોજેરોજ અનેક લોકો એની મુલાકાત લઈ રહ્યા છે. આ બધાં કારણો જોતાં તપાસ સીબીઆઇને સોંપવામાં આવે એ બહેતર છે.’


દિલ્હી પોલીસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબના ફોનમાંથી દિલ્હીના કેટલાક ડ્રગ પેડલરના નંબર મળી આવ્યા છે. પોલીસને શંકા છે કે આફતાબ એ માત્ર ડ્રગ્સનો બંધાણી જ હતો એવું નથી, તે ડ્રગ્સની હેરાફેરી પણ કરતો હતો. એથી હવે આ કેસમાં દિલ્હી પોલીસની નાર્કોટિક્સ ટીમ પણ તપાસ કરે એવી સંભાવનાઓ જણાઈ રહી છે. 

શ્રદ્ધાના પૈસા પર આફતાબ મજા કરતો? 
સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રદ્ધા અને આફતાબના સંબંધોમાં ખટાશની શરૂઆત ત્યારે થઈ જ્યારે આફતાબે શ્રદ્ધાની માતાના અવસાન બાદ શ્રદ્ધાના નૉમિનીના પૈસા લોન (ઉધાર) તરીકે લીધા અને એ પૈસા પોતાની મજા પાછળ ખર્ચ્યા હતા. એ દરમ્યાન આફતાબે ખૂબ ચરસ અને ગાંજા પીવાનું શરૂ કર્યું હતું. જ્યારે પણ શ્રદ્ધા આફતાબ પાસે પૈસા પાછા માગતી ત્યારે તે નશાની હાલતમાં શ્રદ્ધા સાથે મારપીટ કરતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે શ્રદ્ધાને ડ્રગ્સની લત પણ લગાવી દીધી હતી અને આ જ કારણ હતું કે તે ઘણી વાર શ્રદ્ધા પાસે ડ્રગ્સ ખરીદવા માટે પૈસા માગતો હતો.


ખરાબ સંબંધો બાદ હત્યાનું કાવતરું?
મુંબઈમાં શ્રદ્ધા અને આફતાબના સંબંધો ખૂબ બગડ્યા હતા ત્યારે તેને લઈ જઈને મારી નાખવાની આફતાબની યોજનાનો આ એક ભાગ હતો. માર્ચમાં તેણે શ્રદ્ધાને તેમના ખરાબ રીતે બગડેલા સંબંધોને ફરીથી જીવંત કરવાને બહાને ઉત્તરાખંડ અને હિમાચલના લાંબા પ્રવાસ પર જવા માટે સમજાવી હતી. બન્નેએ ઉત્તરાખંડમાં હરિદ્વાર અને હૃષીકેશની મુલાકાત લીધા બાદ હિમાચલ પ્રદેશનાં કસોલ, મનાલી અને તોશ ગામોની પણ મુલાકાત લીધી હતી.

શ્રદ્ધા પૈસા પાછા માગતી
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે શ્રદ્ધા અને આફતાબ તોશની પહાડીઓ પર ટ્રૅકિંગ કરવા ગયાં ત્યારે આફતાબે શ્રદ્ધાને પહાડી પરથી ફેંકીને મારી નાખવાનું વિચાર્યું, પરંતુ આફતાબ તે સમયે એ વિચારીને અટકી ગયો કે જો શ્રદ્ધા બચી જશે તો તે પકડાઈ જશે. એ પછી જ તેણે એક પ્લાન બનાવ્યો કે હવે તે એવી જગ્યાએ જઈને શ્રદ્ધાને મારી નાખશે જ્યાં બન્નેને કોઈ ઓળખતું ન હોય. દિલ્હી આવ્યા બાદ શ્રદ્ધાને નોકરી ન મળી એટલે તે આફતાબને તેના પૈસા પરત કરવા કહેતી હતી. આફતાબનો ખર્ચ તેની કમાણી કરતાં ઘણો વધારે હતો એટલે તે હંમેશાં થોડા દિવસોનો સમય માગતો હતો એવું પોલીસને જાણવા મળ્યું છે.

દિલ્હી આવ્યા બાદ તેણે પોતાનું આયોજન પાર પાડ્યું
અન્ય એક થિયરી મુજબ ૧૮ મેની રાતે પણ શ્રદ્ધાનો આફતાબ સાથે તેની મોજમજા, ડ્રગ્સ અને અન્ય છોકરીઓ પર પૈસા ખર્ચવાને લઈને ઝઘડો થયો હતો અને આફતાબે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ગુસ્સામાં શ્રદ્ધાને ખૂબ માર માર્યો હતો. ત્યાર બાદ તેણે શ્રદ્ધાને છાતી પર બેસાડીને તેનું ગળું દબાવી દીધું હતું. જ્યારે તેણે જોયું કે શ્રદ્ધા મૃત્યુ પામી છે ત્યારે તેણે તેનો મૃતદેહ બાથરૂમમાં છુપાવી દીધો. તેણે ૨૪ કલાક સુધી મૃતદેહને બાથરૂમમાં છુપાવી રાખ્યો અને એ દરમ્યાન તેણે મૃતદેહને છુપાવવા માટે ગૂગલ પર સર્ચ કર્યું હતું.

હવે હિમાચલ પ્રદેશ?
વસઈથી શ્રદ્ધા અને આફતાબ દિલ્હીમાં જે ઘરમાં રહેતાં હતાં ત્યાં સામાન શિફ્ટ કરવા ગયાં હતાં. તે ગુડ લક મૂવર્સ ઍન્ડ પૅકર્સ કંપનીમાં કામ કરતો હોવાની માહિતી સામે આવી હતી. એવું કહેવાય છે કે શ્રદ્ધા હત્યાકેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસની ટીમ હિમાચલ પ્રદેશ પણ જશે. આફતાબ હિમાચલ પ્રદેશમાંથી સસ્તા દરે ડ્રગ્સ ખરીદતો હતો અને દિલ્હીમાં તેના સંપર્કોને વેચતો હતો. તે તેની અને તેની મનોરંજનની જરૂરિયાતોને પહોંચી વળવા આમાંથી વધારાના પૈસા કમાઈ રહ્યો હતો. દિલ્હી પોલીસ તે સ્થળની મુલાકાત લેશે જ્યાં બન્ને રોકાયાં હતાં. હિમાચલ પ્રદેશના બૈજનાથમાં ગાર્ડન કૅફેમાં પુસ્તક વાંચતી વખતે શ્રદ્ધાએ તેના ફેસબુક પર એક તસવીર પણ પોસ્ટ કરી હતી. 

વસઈથી મીરા રોડ શિફ્ટ થતી વખતે આફતાબ વિશે તેના પિતાએ ખાસ માહિતી નહોતી આપી :  એસ્ટેટ એજન્ટ

શ્રદ્ધા વાલકર મર્ડરકેસના આરોપી આફતાબ પૂનાવાલાના પિતા અમીન પૂનાવાલાએ ગયા મહિને મીરા રોડની એક બિ​લ્ડિંગમાં ભાડે ફ્લૅટ લેતી વખતે આફતાબ વિશે ખાસ માહિતી આપી નહોતી, એમ એસ્ટેટ એજન્ટે દાવો કર્યો હતો. અમીન પૂનાવાલાને ડેલ્ટા ગાર્ડન કૉમ્પ્લેક્સમાં ફ્લૅટ શોધવામાં મદદ કરનારા બ્રોકરે જણાવ્યું હતું કે અમીનને પહેલાં વન બીએચકે ફ્લૅટ જોઈતો હતો, પણ પછી તેમણે ટુ બીએચકે ફ્લૅટ ભાડે લીધો હતો. ‘અમીન પૂનાવાલાએ અંધેરીમાં રહેતા ફ્લૅટના માલિકને કહ્યું હતું કે તેમના પરિવારના ત્રણ સભ્યો - તેઓ પોતે, તેમની પત્ની મુનીરા અને પુત્ર આહદ ફ્લૅટમાં રહેશે, જ્યારે બીજો છોકરો (આફતાબ) અન્યત્ર રહે છે. આ સિવાય તેમણે આફતાબ વિશે કશું જણાવ્યું નહોતું,’ એમ બ્રોકરે કહ્યું હતું. જોકે હવે આ પરિવારના કોઈ સગડ નથી અને મીરા રોડના ફ્લૅટ પર તાળું લટકે છે. ‘અમીને એક વખત મને કહ્યું હતું કે તે મલાડમાં ટાઇલ્સ બનાવતી કંપનીમાં કામ કરે છે, જ્યારે તેમના પુત્ર આહદને તાજેતરમાં જ નોકરી મળી હતી. પરિવાર સારા સ્વભાવનો જણાતો હતો. આફતાબ વિશે જાણીને અમને આંચકો લાગ્યો હતો,’ એમ તેણે ઉમેર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

22 November, 2022 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK