Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મંદિરમાં ચડાવો ચડાવવાનું જ બંધ કરી દો આ વાત સાથે તમે સહમત છો?

મંદિરમાં ચડાવો ચડાવવાનું જ બંધ કરી દો આ વાત સાથે તમે સહમત છો?

Published : 28 June, 2026 07:23 AM | Modified : 28 June, 2026 09:11 AM | IST | Ayodhya
Ruchita Shah | ruchita@mid-day.com

મંદિરોમાં રોકડ રકમ કે દાગીના ન ચડાવવાની અપીલ કરી છે જેથી ચડાવો ન હોય તો એનાથી થતો ભ્રષ્ટાચાર પણ અટકી જાય. આ વિષય પર મુંબઈનાં જાણીતાં મંદિરોના અગ્રણીઓ શું કહે છે એ જાણી લો

અયોધ્યા રામ મંદિર

અયોધ્યા રામ મંદિર


અયોધ્યાના રામ મંદિરમાં ચડાવાના પૈસાની ઉચાપત થવાના સંદર્ભમાં જાણીતા ઍક્ટર મુકેશ ખન્નાએ લોકોને મંદિરોમાં રોકડ રકમ કે દાગીના ન ચડાવવાની અપીલ કરી છે જેથી ચડાવો ન હોય તો એનાથી થતો ભ્રષ્ટાચાર પણ અટકી જાય. આ વિષય પર મુંબઈનાં જાણીતાં મંદિરોના અગ્રણીઓ શું કહે છે એ જાણી લો

અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા ચડાવા અને રોકડ રકમની હેરાફેરીના વિવાદને કારણે સોશ્યલ મીડિયાથી લઈને સામાન્ય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો સામે આવતાં જ ઉત્તર પ્રદેશ સરકાર અને વડા પ્રધાનના કાર્યાલયે તરત તપાસ માટે એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી જેની પ્રાથમિક તપાસ અંતર્ગત શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામાં આપવાં પડ્યાં હતાં. આ ઉપરાંત આ ચોરી અને હેરાફેરીમાં સામેલ હોવાના આરોપસર પોલીસે ટિન્નુ યાદવ સહિત ૮ લોકોની ધરપકડ પણ કરી છે. 


 

આ જ દિશામાં વધુ એક ડેવલપમેન્ટ એટલે ‘શક્તિમાન’ અને ‘મહાભારત’ના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા અભિનેતા મુકેશ ખન્નાએ સોશ્યલ મીડિયા દ્વારા ભારે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે શ્રદ્ધાળુઓને મંદિરમાં ગોટાળો ન થાય એવું ઇચ્છતા હો તો ચડાવો ચડાવવાનું બંધ કરો એવી અપીલ કરી છે. ‘ન ચડશે ચડાવો, ન થશે ગોટાળો’ એવા ડાયલૉગ સાથે મુકેશ ખન્ના આક્રોશ સાથે લખે છે, ‘શું તમે જાણો છો કે મંદિરોમાં તમારો રોકડ ચડાવો ભગવાન સુધી નથી પહોંચતો? એ વચ્ચે જ ક્યાંક ગાયબ થઈ જાય છે. ચારેય તરફ લૂંટ મચી છે. લૂંટી શકો એટલું લૂંટો... અને લૂંટનારાઓ અહીં ભરેલા પડ્યા છે. ચડાવો લૂંટનારાઓને હું શું નામ આપું? ચોર, ડાકુ કે બેઈમાન? આમાંથી એક પણ શબ્દ પૂરતો નથી, કારણ કે તેઓ આ બધાથી ઉપર છે. તેઓ માત્ર ભક્તોને જ નહીં, સાક્ષાત્ ભગવાનને પણ લૂંટી રહ્યા છે. જેમ ‘ન રહેશે વાંસ, ન વાગશે વાંસળી’ એમ જ જો મંદિરોમાં ચડાવો ચડાવવાનું જ બંધ કરી દેવામાં આવે તો કોઈ ગોટાળો નહીં થાય. ખાસ કરીને રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના ચડાવવાનું સંપૂર્ણપણે બંધ કરશો તો ભગવાન વધારે ખુશ થશે.’ 
 

એની સાથે જ મુકેશ ખન્નાએ સરકાર અને સુપ્રીમ કોર્ટ પાસે પણ માગણી કરી છે કે દેશનાં તમામ મંદિરોમાંથી દાનપેટીઓ હટાવી દેવી જોઈએ અને મંદિરોને બિઝનેસ કે કમાણીનું કેન્દ્ર બનાવવાને બદલે ટ્રસ્ટના ફન્ડથી ચલાવવાં જોઈએ, ભક્તોના પૈસાથી નહીં.
 
મજાની વાત એ છે કે મુકેશ ખન્નાની આ અપીલને સોશ્યલ મીડિયા પર લોકોનો ભરપૂર સપોર્ટ આપ્યો છે અને લોકો પણ સ્વીકારી રહ્યા છે કે ભગવાનને ભક્તોના પૈસાની જરૂર નથી અને આ પૈસાનો દુરુપયોગ રોકવો જરૂરી છે. આ જ વિષય પર અમે મુંબઈનાં કેટલાંક જાણીતાં મંદિરોના ટ્રસ્ટીઓ સાથે વાત કરી અને જાણવાના પ્રયાસ કર્યા કે તેઓ મુકેશ ખન્નાની આ અપીલને કઈ રીતે જુએ છે અને તેમને ત્યાં અયોધ્યાના મંદિરની જેમ ચડાવાના પૈસાની ઉચાપત ન થઈ જાય એ માટે શું વ્યવસ્થા છે.
 
એક જ આંખે તમે બધાં જ મંદિરોની વ્યવસ્થાનું મૂલ્યાંકન ન કરી શકોને? ઃ નીતિન ઠક્કર, બાબુલનાથ મંદિરના ટ્રસ્ટી
 
આપણે ત્યાં સમાજમાં મંદિરોની ભૂમિકા લોકકલ્યાણની દૃષ્ટિએ મહત્ત્વની રહી છે. એ વાત સાચી કે જ્યારે સમાજમાં નૈતિકતા ન રહે ત્યારે આ પ્રશ્ન ઊભો થાય, પરંતુ એક જગ્યાએ જે થયું એવું બધી જ જગ્યાએ થતું હોય એ જરૂરી નથી. મંદિરો એટલે આપણાં કલ્ચરલ સેન્ટર અથવા તો ગામનું સોશ્યો-ઇકૉનૉમિક સેન્ટર. ભગવાનનો ભાગ કાઢીને મંદિરમાં ચડાવાય અને મંદિરમાં આવતા ચડાવાથી સમાજના જરૂરિયાતમંદ વર્ગને ભગવાનના પ્રસાદરૂપે કોઈને ખબર ન પડે એ રીતે મદદ થતી. સમાજને સધ્ધર કરવાની અને કોઈને નીચું જોવાપણું ન થાય એ રીતે દરેકને સાચવી લેવાની મંદિરની ભૂમિકા હતી. મંદિરની જરૂરિયાતનો ખર્ચ કાઢ્યા પછી મંદિરમાં ચડતા પૈસા લોકહિતમાં વપરાતા અને આજે પણ વપરાય છે. બાબુલનાથ મંદિરમાં અમે અહીં આવતા ચડાવાની રકમની બરાબર નોંધ રહે એ મુજબની સિસ્ટમ ડેવલપ કરી છે. અમારા હિસાબો ઑડિટ થાય છે. ચૅરિટી કમિશનમાં અને ઇન્કમ ટૅક્સમાં ફાઇલ થાય છે. ઇન્ડિપેન્ડન્ટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, CCTV કૅમેરા અને ટ્રસ્ટીઓની હાજરીમાં ભંડારા ખૂલે પછી એની ગણતરી થાય છે. કોઈ જ ફ્રૉડ ન થાય એના પ્રયાસો અમે કરીએ છીએ. બાકી તમે કોઈને પૈસા ચડાવવાથી રોકી ન શકો, કારણ કે લોકો શું ભાવનાથી પૈસા ભગવાનને પૈસા ચડાવે છે એ સમજવું જોઈએ. તેમના ભાવ છે, તેમની શ્રદ્ધા છે. એમાં તમારા રોકવાથી કોઈ રોકાવાનું પણ નથી. અમારી દૃષ્ટિએ બધાને એક આંખથી મૂલવવા પણ યોગ્ય નથી.
 
અમારા મંદિરમાં અમે ચડાવાની રકમના ઉપયોગની સિસ્ટમ એકદમ પારદર્શક રાખી છે ઃ હેમંત જાધવ, મુંબાદેવી મંદિર ટ્રસ્ટના મૅનેજર 
 
મંદિરમાં ભગવાનને પૈસા ચડાવવા કે નહીં એ વ્યક્તિગત શ્રદ્ધાની વાત છે. તમે કોણ છો એમાં લોકોને દિશા દેખાડનારા? માન્યું કે એક જગ્યાએ થયેલો ભ્રષ્ટાચાર તમને ખટક્યો, પરંતુ એ બધે જ થાય છે એવું કેમ માની લેવાય? તમે એક વાર જઈને તપાસ તો કરો. બેશક, લોકોની શ્રદ્ધા ડગમગાય અને એટલે જ જરૂરી છે કે તમે ઍક્શન લો. સરકારે જ્યાં પણ મંદિરોમાં ભ્રષ્ટાચારના કિસ્સા બને ત્યાં તાત્કાલિક ઍક્શન લઈને લોકો સમક્ષ દાખલો બેસાડવો જોઈએ. લોકોને ડર લાગવો જોઈએ. બાકી શ્રદ્ધાળુઓના પૈસાનો સદુપયોગ કરવાની અફલાતૂન વ્યવસ્થા લગભગ બધાં જ મંદિરો ફૉલો કરે છે. અમારે ત્યાં આવતા ફન્ડનો ૮૦ ટકા હિસ્સો મેડિકલ, ગરીબોની સહાય અને એજ્યુકેશનમાં વપરાય છે અને બધું જ ઑન રેકૉર્ડ છે. 
 
એક વાર માથું દુખ્યું એટલે માથું જ કાપી નાખો એવું તો ન હોયને? નીતિન વોરા, શ્રી મુંબઈ જૈન સંગઠન
 
મુંબઈના લગભગ ૧૦૦૦થી વધુ જૈન સંઘો અમારી સાથે જોડાયેલા છે અને હું ખાતરીપૂર્વક કહું છું કે ૯૯.૯૯ ટકા દરેકને ત્યાં એવી વ્યવસ્થા છે કે તેમને ફ્રૉડ કરવાનો અવસર જ ન મળે. રામ મંદિરમાં જે થયું એ રૅરેસ્ટ ઑફ ધ રૅર કેસ છે. એને જનરલાઇઝ કરીને તમે એ આખી વ્યવસ્થા સામે જ પ્રશ્ન ઉઠાવો એ તો યોગ્ય નથીને? આજે ભંડારો ખૂલે ત્યારે ટ્રસ્ટીઓથી લઈને દેરાસરનો સ્ટાફ, કમિટી મેમ્બર એમ બધાની હાજરીમાં ગણતરી થાય. CCTV કૅમેરા હોય. ફૂલપ્રૂફ સિસ્ટમ છે. આજે મંદિરના આધારે હજારો લોકોને રોજગાર મળે છે. ભગવાન પરની પૂર્ણ શ્રદ્ધાના આધારે લોકો પરમાત્માને પોતાની શક્તિ મુજબ કંઈક અર્પણ કરે છે. જૈન દેરાસરોમાં આ ધનરાશિના સદુપયોગ માટે ૭ ક્ષેત્રમાં વાપરવાની વ્યવસ્થા છે. દેરાસરના મૅનેજમેન્ટમાં, જ્ઞાનવારસાના જતન માટે, જરૂરિયાતમંદોની સહાય માટે, જીવદયામાં એમ કુલ ૭ જગ્યાએ એ વિભાજિત થાય છે અને બધું જ ઑન રેકૉર્ડ હોય છે. 
 
આમ એક જગ્યાએ કંઈ થયું એટલે આખી વ્યવસ્થાને તાળું મારી દો એ તો કેવી પાયોવિહોણી ઇરરૅશનલ વાત છે. માથું દુખે છે તો માથું કાપી નાખો એ કોઈ તર્ક કહેવાય? હું તો એટલું જ કહીશ કે વ્યવસ્થાને વધુ સઘન કરવાના પ્રયાસ કરી શકાય. કોઈને છટકબારી જ ન મળે એવા વધુ ઉપાયો કરી શકાય, પણ હવે તમે દાન નહીં આપતા એવું કહીને કોઈની શ્રદ્ધાને ડાઇવર્ટ ન કરી શકાય. આખી વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો ન કરી શકાય. 
 
મુંબઈનાં સૌથી સમૃદ્ધ મંદિરોમાંથી એક સિદ્ધિવિનાયકના ઑફિશ્યલ શું કહે છે?
 
ભક્તો પોતાની શ્રદ્ધાથી જે ચડાવો ચડાવે છે એ એનો દુરુપયોગ ન થાય એની ચોકસાઈ અમે રાખીએ છીએ. શ્રદ્ધાળુઓની શ્રદ્ધા એ તેમનો અંગત વિષય છે. એમાં કોઈ તેમને કંઈ પણ કહેશે એનાથી ખરેખર કોઈ ફરક પડવાનો નથી. જોકે તેમની વિશ્વસનીયતાનું જતન અમે કરીએ છીએ શ્રેષ્ઠતમ રીતે. જેમ કે સિદ્ધિવિનાયક મંદિરમાં લગભગ ૨૮૦ કૅમેરા છે અને અહીં ચડતા એકેએક રૂપિયા પર નજર રાખવામાં આવે છે. ધારો કે મંદિરના કામ માટે એક રૂપિયો ખર્ચ કરવો હોય તો ૭ અલગ-અલગ લેયર પર સહી લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું દાન મેડિકલમાં આપીએ. શહીદોના પરિવારોને અને આત્મહત્યા કરનારા ખેડૂતોના પરિવારોને મદદ પહોંચાડીએ. બાળકોને ભણવા માટે પુસ્તકોથી લઈને ફીમાં મદદ કરીએ. આ બધું જ કામ ટ્રસ્ટ અંતર્ગત થાય. કોઈનું નામ ન આવે અને કોઈને એનાથી હીનભાવ ન આવે એ પણ મંદિરોમાં આવતા આ ચડાવાની રકમને કારણે જ સંભવ છે. બેશક, લોકોના પૈસાથી લોકોની મદદ થાય છે પરંતુ એમાં ઈશ્વરની શ્રદ્ધા અને આશીર્વાદ જોડાયેલાં છે. કડક સિક્યૉરિટી, સરકારના અધિકારીઓથી લઈને બૅન્કના કર્મચારીઓ સુધ્ધાં કાઉન્ટિંગ વખતે હાજર હોય છે. ડોનેશનની રસીદ મળે છે અને એનો પણ રેકૉર્ડ રહે છે. આમાં તમે ચડાવો આપવાની ના પાડીને લોકોની ભાવનાઓને ગેરમાર્ગે દોરી રહ્યા છો, બીજું કંઈ નથી.
Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 09:11 AM IST | Ayodhya | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK