એક્સ્પાયર્ડ ખાદ્ય પદાર્થો વેચવા બદલ ઍમૅઝૉન રીટેલના મૅનેજર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ, લાઇસન્સ જ રદ કરી નાખ્યું
તુકારામ મુંઢે
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ ગુટકા, નકલી કૉસ્મેટિક્સ, ભેળસેળવાળી ફૂડ-આઇટમ્સ સહિત બધા પર જ કાર્યવાહી કરીને સપાટો બોલાવ્યો છે અને હવે ગ્લોબલ જાયન્ટ ઍમૅઝૉન વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તુકારામ મુંઢેએ ભિવંડીમાં ઍમૅઝૉન રીટેલ ઇન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને લોકોની હેલ્થ માટે નુકસાનકારક એવી એક્સ્પાયર થયેલી ફૂડ-આઇટમ્સ રાખનારા કંપનીના મૅનેજર સહિત બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભિવંડીના સરવલીના ઍમૅઝૉન રીટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનનું લાઇસન્સ રદ કરી નાખ્યું છે.
મળેલી માહિતી મુજબ એક્સ્પાયર થયેલી ફૂડ-આઇટમ્સ નષ્ટ કરવાને બદલે એનું ગેરકાયદે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી FDAને મળી હતી. ઍમૅઝૉન રીટેલ અને આર. કે. ટ્રેડર્સ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આર. કે. ટ્રેડર્સનો માલિક રહેમાન કે. કંપની સાથે કરેલા કરારનું ઉલ્લંઘન કરીને ખરાબ થઈ ગયેલી ફૂડ-આઇટમ્સ ડિસ્પોઝ કરી હોવાનું નકલી સર્ટિફિકેટ આપીને એનું વેચાણ કરતો હતો. વેસ્ટ વિભાગના ફૅસિલિટી મૅનેજર સોમશેખર બસવરાજ અને રહેમાન કે. આ બન્ને વિરુદ્ધ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
FDAના નવા કમિશનરના નામે ડરાવતા ઠગ આવી ગયા મેદાનમાં
તુકારામ મુંઢેના નામે તોડબાજી કરીને વસઈમાં ખાદ્ય તેલના કચ્છી વેપારી પાસેથી ૧ લાખ રૂપિયાની ખંડણી માગતી બોગસ પત્રકારોની ટોળકી સામે ગુનો નોંધાયો
વસઈ-ઈસ્ટના કામણ ભિવંડી રોડ પર આવેલી સુપર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગંગર ટ્રેડિંગ કંપનીના નામે ખાદ્ય તેલનો વેપાર કરતા ૪૯ વર્ષના વેપારી જતીન ગંગરની ફૅક્ટરી પર આવીને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના નામે તોડબાજી કરનાર બે બોગસ પત્રકાર સામે નાયગાંવ પોલીસે શુક્રવારે ફરિયાદ નોંધી હતી. FDAમાં કમિશનર તરીકે તુકારામ મુંઢેની એન્ટ્રી બાદ રાજ્યભરના ખાદ્યપદાર્થ વેચતા લોકોમાં ફફટાટ જોવા મળ્યો હતો. દરરોજ વિવિધ જગ્યાએ કાર્યવાહી થઈ રહી છે ત્યારે આ પ્રકારના તોડબાજો પણ ઍક્ટિવ થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે આ પ્રકારે ખંડણી માગતા લોકોની તાત્કાલિક પોલીસ-ફરિયાદ કરવા નાગરિકોને અપીલ કરી છે.
નાયગાંવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવા નિયુક્ત FDA કમિશનરની કડક કાર્યવાહીની બજારમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમના નામે તોડબાજી કરતી આ સક્રિય ગૅન્ગ સામે નમતું જોખવાને બદલે ફરિયાદી વેપારીએ કાયદાકીય લડત આપવાનું નક્કી કર્યું હતું. તેમણે CCTV કૅમેરાનાં તમામ ફુટેજ અને પુરાવા અમારી સામે રાખતાં અમે બે બોગસ પત્રકારો સામે ફરિયાદ નોંધી છે તેમ જ નાગરિકોને અપીલ કરી છે કે આ પ્રકારની ખંડણી માગનાર વ્યક્તિઓની તાત્કાલિક પોલીસ-ફરિયાદ નોંધાવે.’
પ્રતિષ્ઠિત મીડિયા અને FDA કમિશનરના નામે વેપારીના ભાઈને આપી હતી ધમકી
જતીન ગંગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦ જૂને બપોરે ૧ વાગ્યે બે લોકો મારી ફૅક્ટરી પર આવ્યા હતા. એ સમયે ફૅક્ટરીમાં લંચ-બ્રેક ચાલી રહ્યો હોવાથી મારા વૉચમૅને કંપની બંધ હોવાનું કહ્યું હતું છતાં પોતાને પત્રકાર તરીકે ઓળખાવતા આ ગઠિયાઓએ સિક્યૉરિટી ગાર્ડ પાસેથી બળજબરીપૂર્વક ચાવીઓ છીનવી લીધી હતી અને ફૅક્ટરીનું તાળું ખોલીને અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો. કંપનીની અંદર ઘૂસેલા આ લોકોએ મારા ભાઈ નીરવ ગંગરને ડરાવવાનું શરૂ કર્યું હતું. એમાંથી એક વ્યક્તિએ પોતાની ઓળખ ‘મુંબઈ કી દૃષ્ટિ’ મીડિયાના એડિટર વૈભવ ભાનગે તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તેના સંબંધો નવા FDA કમિશનર સાથે છે. પોતાની ઊંચી ઓળખાણ હોવાનું કહીને મારા ભાઈ નીરવ અને મારા કામદારો પર રોફ જમાવ્યો હતો. તેની સાથે આવેલી બીજી વ્યક્તિએ પોતાનું નામ પીયૂષ કામદાર (ઉપાધ્યક્ષ, જાગો ગ્રાહક જાગો, વસઈ) હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, તેમણે મારી પરવાનગી વિના આખા પરિસરનું વિડિયો-શૂટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને મોટા અવાજે ધમકાવવાનું ચાલુ કર્યું હતું.’
વિડિયો વાઇરલ કરીને ધંધો બંધ કરાવવાના નામે ૧ લાખ રૂપિયાની ખંડણીની માગણી
જતીન ગંગરે કહ્યું હતું કે ‘આ બન્નેએ મારી પાસેથી સીધી ૧ લાખ રૂપિયાના રોકડાની માગણી કરી હતી. તેમણે ધમકી આપતાં કહ્યું હતું કે જો તમે અત્યારે ને અત્યારે પૈસા નહીં આપો તો અમે આ શૂટિંગના વિડિયોને એવી રીતે એડિટ કરીશું કે અહીં માનવશરીર માટે અત્યંત હાનિકારક અને ઝેરી ખાદ્ય તેલ બનાવવામાં આવે છે અને આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દઈશું. આ ઉપરાંત તેમણે ફૂડ ડિપાર્ટમેન્ટ, પોલીસ અને અન્ય સરકારી વિભાગોમાં ખોટી ફરિયાદો કરીને મારો આખો ધંધો કાયમ માટે બંધ કરાવી દેવાની અને આ વિસ્તારમાં ક્યાંય વેપાર કરવા નહીં દેવાની તેમ જ શારીરિક ઈજા પહોંચાડવાની ધમકી આપી હતી.’
