બજેટસત્ર વચ્ચે વિધાનસભાની લૉબીમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કૅબિનેટ પ્રધાન દાદા ભુસે સાથે થયેલી મચમચ વખતે તેમની જ પાર્ટીના વિધાનસભ્ય મહેન્દ્ર થોરવેએ કહ્યું
એકનાથ શિંદે, દાદા ભુસે, મહેન્દ્ર થોરવે
રાજ્યની વિધાનસભામાં ગઈ કાલે બજેટસત્રના છેલ્લા દિવસે વિધાનભવનની લૉબીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના કૅબિનેટ પ્રધાન દાદા ભુસે અને તેમના જ જૂથના વિધાનસભ્ય મહેન્દ્ર થોરવે વચ્ચે જોરદાર રાડો થયો હતો. મહેન્દ્ર થોરવેએ પોતાના વિસ્તારના ડેવલપમેન્ટ માટે સવાલ કરતાં દાદા ભુસેએ ઊંચા અવાજે અપમાનજનક રીતે જવાબ આપતાં મામલો બીચક્યો હતો અને તેમની વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. જોકે શિવસેનાના પ્રવક્તા ભરત ગોગાવલે અને શંભુરાજ દેસાઈએ સમયસર મધ્યસ્થી કરતાં મામલો આગળ નહોતો વધ્યો. રાજ્યના વિધાનસભાનું બજેટસત્ર ગઈ કાલે પૂરું થયું હતું અને આગામી પૂર્ણ બજેટસત્ર હવે લોકસભાની ચૂંટણી બાદ ૧૦ જૂને શરૂ થશે.
આ બનાવ વિશે બાદમાં વિધાનસભ્ય મહેન્દ્ર થોરવેએ કહ્યું હતું કે ‘કૅબિનેટ પ્રધાન હોવાથી દાદા ભુસેને હું મારા વિસ્તારના ડેવલપમેન્ટ બાબતે મળ્યો હતો. બે મહિનાથી હું કામનું ફૉલોઅપ કરું છું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ દાદા ભુસેને મારા કામ બાબતે ફોન કરીને કહ્યું હતું. સાંસદ શ્રીકાંત શિંદેએ પણ તેમને ફોન કર્યો હતો. જોકે તેમણે જાણીજોઈને કામ કર્યું નથી. આજે મેં આ વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે મારી સાથે ચિડાઈને વાત કરી હતી. મેં કહ્યું કે અમે સ્વાભિમાની છીએ, અમે મુખ્ય પ્રધાન સાથે પ્રામાણિકતાથી છીએ, તમારા પર મુખ્ય પ્રધાને પ્રધાનની જવાબદારી આપી છે. તેમણે ઊંચા અવાજે જવાબ આપ્યો હતો અને અપમાનજનક રીતે વાત કરી હતી. આથી અમારી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. તેઓ જોરજોરથી બોલવા લાગ્યા હતા. અમે બંને શિવસૈનિક છીએ. બાળાસાહેબના વિચારથી અમે કામ કરી રહ્યા છીએ. બાળાસાહેબે અમને શીખવ્યું છે કે બોલવાથી ન્યાય ન મળે તો મોં ફોડી નાખો.’
ADVERTISEMENT
મહારાષ્ટ્ર એફડીઆઇમાં નંબર વન
રાજ્યના વિધાનસભાના બજેટસત્રના ગઈ કાલના છેલ્લા દિવસે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે માહિતી આપી હતી કે ‘વિરોધીઓ રાજ્યમાં ઉદ્યોગો બીજે શિફ્ટ થઈ રહ્યા હોવાનો આરોપ કરી રહ્યા છે, પણ હકીકત એ છે કે ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીના નવ મહિનામાં મહારાષ્ટ્ર વિદેશી રોકાણના મામલામાં ફરી નંબર વન બની ગયું હતું. કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં આવેલા કુલ વિદેશી રોકાણ કરતાં વધુ એટલે કે ૧,૧૮,૪૨૨ કરોડ રૂપિયાનું રોકાણ રાજ્યમાં થયું છે.’
દહિસરના શિવસેનાના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યાના પ્રશ્ન વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં મહિલાઓ પરના અત્યાચારના ૯૬ ટકા, બળાત્કારના ૯૮.૪૯ ટકા અને સગીરો પર થયેલા બળાત્કારના ૯૯ ટકા ગુના ઉકેલવામાં આવ્યા છે. ૨૦૧૫થી ૨૦૨૩ સુધી હાથ ધરવામાં આવેલાં ૧૨ ઑપરેશન મુસ્કાનમાં કુલ ૩૮,૯૫૧ બાળકોનું તેમના કુટુંબીજનો સાથે ફરી જોડાણ કરવામાં સફળતા મળી છે. ઇમર્જન્સીમાં મદદ મેળવવા માટેની રાજ્યની ડાયલ ૧૧૨ હેલ્પલાઇનમાં ૨૦૨૨માં ૧૫.૫૧ મિનિટ, ૨૦૨૩માં ૮.૪૭ અને ૨૦૨૪માં ૬.૫૧ મિનિટમાં રિસ્પૉન્સ આપવામાં આવ્યા હોવાનું ગૃહપ્રધાને કહ્યું હતું. સાઇબર ગુનાના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ૫૦ સાઇબર પોલીસ સ્ટેશન અને ૫૧ સાઇબર લૅબ શરૂ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં નવાં સાઇબર સેન્ટર શરૂ કરવા માટે ૮૦૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.
મતભેદ દૂર થઈ શકે, મનભેદ નહીં
સંજય રાઉતે દાવો કર્યો છે કે બીજેપીએ ઉદ્ધવ ઠાકરેને ફરી સાથે આવવાની ઑફર કરી છે. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘સંજય રાઉત હજી પણ બેભાન છે, તેમને શુદ્ધિ આવી નથી. હજી પણ તેમને વિશ્વાસ નથી થતો અને તેઓ સપનામાંથી બહાર નથી આવ્યા એ આશ્ચર્ય છે. દિલ્હીમાં મારી હજી પણ પકડ છે, ઉદ્ધવ ઠાકરે પર જાળ નાખવામાં આવશે કે નહીં એવો સવાલ કોઈએ પૂછ્યો નથી. બાળાસાહેબ પર જે વિશ્વાસ હતો એ જનતાએ ઉદ્ધવ ઠાકરે પર પણ કાયમ રાખ્યો હતો. જે દિવસે ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડી સાથે જવાનો નિર્ણય લીધો હતો એ દિવસે વિશ્વાસ ઊડી ગયો. મતભેદ મિટાવી શકાય, મનભેદ દૂર કરવાનું મુશ્કેલ હોય છે. રોજ મોદી પર ટીકા કરી, અમારી ટીકા કરી, ટાર્ગેટ કર્યા આ બધાને લીધે મનભેદ થયો છે.’

