૧૬ વર્ષના બે છોકરાઓ સામે ગુનો દાખલ
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લામાં ૧૭ વર્ષની ટીનેજરના પીણામાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે જાતીય અત્યાચાર કરવાના આરોપસર ૧૬ વર્ષના બે છોકરાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવ ૨૬ સપ્ટેમ્બરે ચિંચણી વિસ્તારમાં બન્યો હતો.
બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સવારે કૉલેજ જતાં પહેલાં પ્રાઇવેટ ટ્યુશન-ક્લાસમાં જવા માટે ઘરેથી નીકળી હતી. બપોરે આશરે ૩.૩૦ વાગ્યે વાણગાવ નાકા નજીક આવેલી એક દુકાનના માલિકે ટીનેજરની મમ્મીને માહિતી આપી હતી કે તેમની પુત્રી બે સગીર છોકરાઓ સાથે એક ફૂડ-સ્ટૉલ પર જોવા મળી છે. દુકાનદારે જણાવ્યું હતું કે આ છોકરાઓએ ટીનેજરને કોઈ કૅફી દ્રવ્ય મેળવેલું ડ્રિન્ક પીવા માટે દબાણ કર્યું હતું અને ત્યાર બાદ તેઓ તેને એક વાહનમાં બેસાડીને ચિંચણી બીચ તરફ લઈ ગયા હતા.
માહિતી મળતાં જ પરિવારજનો તાત્કાલિક દરિયાકિનારે પહોંચ્યા હતા, જ્યાં તેમની દીકરી બેભાન જેવી હાલતમાં મળી આવી હતી અને બન્નેમાંથી એક છોકરો તેની સાથે અયોગ્ય વર્તન કરી રહ્યો હતો. ટીનેજરના પપ્પાની ફરિયાદને પગલે બન્ને સગીરોની તપાસ શરૂ કરવામાં આવી છે.
