જહાજના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જે હાલમાં વિદેશમાં છે અને ફરાર છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના મનોરી બીચ નજીક ફસાયેલા વિદેશી જહાજ પર ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે ઝેરી ગૅસ શ્વાસમાં જવાથી ૪ જણનાં મોત થયાં હોવાનું પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. આ ઘટના બે-ત્રણ દિવસ પહેલાં બની હતી. જહાજ ૪ મહિના પહેલાં ભારે પવન અને વરસાદને કારણે કિનારા પાસે ફસાઈ ગયું હતું.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ એક ગૅન્ગ છેલ્લા એક મહિનાથી આ ફસાયેલા જહાજને વારંવાર નિશાન બનાવી રહી હતી. બે-ત્રણ દિવસ પહેલાં ૮ વ્યક્તિનું એક જૂથ સ્પીડબોટ દ્વારા જહાજ પર પહોંચ્યું હતું. એક વ્યક્તિ સ્પીડબોટ ચલાવવા માટે ત્યાં જ રોકાઈ હતી, જ્યારે અન્ય ૭ જણ ચોરી કરવાના ઇરાદે જહાજ પર ચડી ગયા હતા.
સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે ગૅન્ગના ૪ સભ્યો ચોરીના ઇરાદે ગૅસકટરનો ઉપયોગ કરીને ગૅસની પાઇપલાઇન કાપવા માટે જહાજના અંદરના ભાગમાં ગયા હતા, પરંતુ બંધ જગ્યામાં અચાનક ઝેરી
ગૅસ લીક થવાને કારણે ચારેયનાં ગૂંગળામણથી ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેમના એક સાથીએ ગોરાઈ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો અને જાણ કરી કે તેના ૪ સાથીઓ જહાજની અંદર ફસાઈ ગયા છે.
આ માહિતી મળ્યા બાદ સ્થાનિક પોલીસે મર્ચન્ટ નેવીના કર્મચારીઓ સાથે મળીને બચાવ અને મૃતદેહ બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. બુધવારે સર્ચ-ટીમોએ હેલિકૉપ્ટરની મદદથી જહાજમાં પ્રવેશ કર્યો, ચારેય મૃતદેહો બહાર કાઢ્યા અને પોસ્ટમૉર્ટમ માટે સ્થાનિક હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
પોલીસનું કહેવું છે કે આ ગૅન્ગે અગાઉ પણ બે વાર જહાજ પર દરોડો પાડ્યો હતો. જહાજના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, જે હાલમાં વિદેશમાં છે અને ફરાર છે.
