૨૫૦ CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસ્યા બાદ ચાર દિવસ પછી બધા હેમખેમ મળી આવ્યા
નાલાસોપારાની ચોંકાવનારી ઘટના...
પ્રતીકાત્મક તસવીર
નાલાસોપારામાં એક વિચિત્ર ઘટના બની હતી, જેમાં એક જ પરિવારના સાત લોકો બે દિવસમાં ગાયબ થઈ ગયા હતા. બહારગામથી આવેલી ૧૧ અને ૧૩ વર્ષની બે કિશોરી કંઈક ખરીદવા માટે ઘરની બહાર નીકળ્યા બાદ પાછી ન ફરતાં તેમને શોધવા માટે એક મહિલા તેના ચાર બાળક સાથે નીકળી હતી અને તેઓ પણ ઘરે પાછાં નહોતાં ફર્યાં. બે દિવસમાં સાત લોકો રહસ્યમય રીતે ગાયબ થવાની ફરિયાદ મળતાં નાલાસોપારા પોલીસે મામલાને ગંભીરતાથી લઈને ૨૫૦થી વધુ ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચેક કરીને ગાયબ થનારાઓનો ચાર દિવસ બાદ પત્તો મેળવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા-વેસ્ટમાં આવેલી શ્રીપ્રસ્થ કૉલોનીમાં અનિલ કદમ પત્ની અર્ચના અને ચાર સંતાન સાથે રહે છે. ૨૬ ઑગસ્ટે અનિલ કદમના ઘરે તેમની સાળીની ૧૧ વર્ષની લક્ષ્મી અને ૧૩ વર્ષની સોની નામની પુત્રીઓ ગામથી રોકાવા માટે આવી હતી. એ જ દિવસે લક્ષ્મી અને સોની કંઈક ખરીદવા માટે ઘરની બહાર નીકળી હતી. જોકે સાંજ સુધી તેઓ પાછી ન ફરતાં અનિલ કદમ અને તેની પત્ની અર્ચના ચિંતામાં મુકાઈ ગયાં હતાં. તેમણે લક્ષ્મી અને સોનીને શોધવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સફળતા નહોતી મળી. પોતે હવે બહેનને શું જવાબ આપશે એમ વિચારીને બીજા દિવસે અર્ચના તેનાં ચાર સંતાન સાથે બહેનની દીકરીઓને શોધવા માટે નીકળી હતી. બીજો આખો દિવસ પૂરો થયા બાદ લક્ષ્મી અને સોની તો ન મળી, પણ તેને શોધવા ગયેલાં અર્ચના અને તેની સાથેનાં ચારેય સંતાન પણ ઘરે ન પહોંચતાં અનિલ કદમ વ્યથિત થઈ ગયા હતા અને તેમણે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં સાતેયની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ તપાસતાં અર્ચના કદમ અને તેનાં ચાર સંતાનો નાલાસોપારામાં જ હોવાનું જણાતાં તેમને ગણતરીના કલાકમાં શોધી કાઢ્યાં હતાં. જોકે લક્ષ્મી અને સોની તેમની સાથે નહોતી એટલે નાલાસોપારાથી ચર્ચગેટ સુધીનાં રેલવે-સ્ટેશનોના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરવામાં આવ્યાં હતાં, જેમાં બન્ને નાલાસોપારાથી ટ્રેન પકડીને પહેલાં ચર્ચગેટ અને ત્યાંથી વિરાર ગઈ હોવાનું અને એ પછી તેઓ વિરારથી ભરૂચ જતી ટ્રેનમાં ચડી હોવાનું અને અહીંથી કઈ તરફ જવાનું છે એ ન સમજાતાં વચ્ચેના કોઈક સ્ટેશને ઊતરીને ફરી મુંબઈ આવી હોવાનું જણાયું હતું. છેલ્લે તેઓ કાંદિવલી રેલવે-સ્ટેશન પર હોવાનું જણાતાં તેમને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવી હોવાનું નાલાસોપારા પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ સદાશિવ નિકમે કહ્યું હતું.