Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સૅમ પિત્રોડાની ફરી જીભ લપસી, ચામડીના રંગના આધારે દર્શાવી દેશની વિવિધતા

સૅમ પિત્રોડાની ફરી જીભ લપસી, ચામડીના રંગના આધારે દર્શાવી દેશની વિવિધતા

09 May, 2024 10:58 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉર્થ-ઈસ્ટના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો આરબ, ઉત્તરના લોકો અંગ્રેજ અને દક્ષિણના લોકો આફ્રિકન જેવા દેખાય છે : કૉન્ગ્રેસે હાથ ખંખેરીને કહ્યું કે આ પરિભાષા અમને મંજૂર નથી, સૅમ પિત્રોડાએ ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપવું પડ્યું

સૅમ પિત્રોડા

સૅમ પિત્રોડા


ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના અધ્યક્ષ સૅમ પિત્રોડાએ ઇનહેરિટન્સ ટૅક્સના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ ફરી ગઈ કાલે દેશના લોકોની ચામડીના રંગના મુદ્દે વિવાદિત નિવેદન આપતાં કૉન્ગ્રેસને એક તરફ ડબલ ઝટકો લાગ્યો છે તો બીજી તરફ આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. આ નિવેદન જાહેર થયાની સાથે જ કૉન્ગ્રેસે કહી દીધું હતું કે ભારતની વિવિધતાની આ પરિભાષા અમને મંજૂર નથી, આ ખોટું છે.

એક ન્યુઝપેપરને આપેલી મુલાકાતમાં સૅમ પિત્રોડાએ કહ્યું હતું કે ‘આપણે ૭૫ વર્ષથી ખુશહાલ માહોલમાં જીવીએ છીએ, અહીં-તહીંના ઝઘડાઓને કોરાણે મૂકીને આપણે એકબીજા સાથે શાંતિથી રહીએ છીએ. આપણે ભારત જેવી વિવિધતાવાળા દેશને એકસાથે રાખી શકીએ છીએ. આપણે અલગ-અલગ ભાષા, ધર્મો, રીત-રિવાજો અને ખાવા-પીવાનું સન્માન કરીએ છીએ. આ એ જ ભારત છે જેમાં હું વિશ્વાસ કરું છું. અહીં દરેક જણ એકબીજા માટે કંઈક ને કંઈક સમજૂતી કરે છે. ભારતના નૉર્થ-ઈસ્ટમાં રહેતા લોકો ચાઇનીઝ જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો કદાચ વાઇટ જેવા દેખાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન દેખાય છે.’



સૅમ પિત્રોડાના આ નિવેદન બાદ કૉન્ગ્રેસે એનાથી અંતર રાખ્યું હતું. કૉન્ગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું હતું કે સૅમ પિત્રોડાએ ભારતની વિવિધતા દર્શાવવા જે ઉપમાઓ આપી છે એ ખોટી છે અને અસ્વીકાર્ય છે, કૉન્ગ્રેસને આ ઉપમાઓની પરિભાષા સ્વીકાર્ય નથી.


આ મુદ્દે આક્રમક વલણ અપનાવતાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘સૅમભાઈ, હું નૉર્થ-ઈસ્ટનો છું અને હું ભારતીય દેખાઉં છું. અમારા દેશમાં વિવિધતા છે અને અમે ભલે અલગ દેખાતા હોઈએ, પણ અમે એક જ છીએ. હમારે દેશ કે બારે મેં થોડા તો સમજ લો.’

હવે ખબર પડી કૉન્ગ્રેસે દ્રૌપદી મુર્મુનો વિરોધ શા માટે કર્યો : મોદી


કૉન્ગ્રેસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં BJP પ્રણિત નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિરોધ શા માટે કર્યો હતો એની મને આજે જાણ થઈ એમ જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણના વારંગલમાં ચૂંટણીપ્રચાર સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘આજે હું ખૂબ ગુસ્સામાં છું. શહઝાદાના એક અંકલે આજે એવી ગાળ આપી છે જેનાથી હું ખૂબ ગુસ્સે ભરાયો છું. અમારા કાર્યકાળમાં અમે આદિવાસી બેટી દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યાં, પણ કૉન્ગ્રેસે તેમનો ભરપૂર વિરોધ કર્યો. હું વિચારતો હતો કે દ્રૌપદીજીની પ્રતિષ્ઠા સારી છે, આદિવાસી સમાજની બેટી છે, અમે તેમને રાષ્ટ્રપતિ બનાવી રહ્યા છીએ તો કૉન્ગ્રેસ તેમને હરાવવા માટે શા માટે આટલી મહેનત કરી રહી છે? મને સમજમાં આવતું નહોતું, હું વિચારતો હતો કે શહઝાદાનું દિમાગ એવું છે એટલે વિરોધ કરી રહ્યા છે, પણ આજે મને ખબર પડી કે કૉન્ગ્રેસ પાર્ટી દ્રૌપદી મુર્મુને હરાવવા માટે મેદાનમાં કેમ કૂદી પડી હતી. હવે મને ખબર પડી કે ચામડીનો રંગ જોઈને તેમણે એમ માની લીધું હશે કે તેઓ આફ્રિકી છે, તેમની ચામડીનો રંગ કાળો છે એટલે તેમને હરાવવાં જોઈએ. આવી વિચારસરણી મને આજે ખબર પડી. ચામડીનો કોઈ પણ રંગ હોય, અમે તો શ્રીકૃષ્ણની પૂજા કરનારા લોકો છીએ. શહઝાદાએ આ મુદ્દે જવાબ આપવો પડશે. ચામડીના રંગના આધારે મારા દેશવાસીઓનું અપમાન દેશ સહન નહીં કરે, મોદી તો કોઈ પણ ભોગે સહન નહીં કરે.’ 

કૉન્ગ્રેસને મુશ્કેલીમાં મૂકીને સૅમ પિત્રોડાએ આપ્યું રાજીનામું, કૉન્ગ્રેસે સ્વીકારી લીધું

ભારતીય લોકોની ચામડીના રંગના મુદ્દે કરેલી ટિપ્પણી બાદ ઊભા થયેલા વિવાદના પગલે ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના ચૅરમૅન સૅમ પિત્રોડાએ ગઈ કાલે સાંજે તેમના પદેથી રાજીનામું આપી દીધું હતું અને કૉન્ગ્રેસ અધ્યક્ષે એ સ્વીકારી લીધું હતું. આ મુદ્દે કૉન્ગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર જણાવ્યું હતું કે સૅમ પિત્રોડાએ તેમની મરજીથી ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસના ચૅરમૅનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે, કૉન્ગ્રેસ અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 10:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK