મુંબઈમાં પેન્ડિંગ અરજીનો આંકડો ૧૫,૦૦૦ કરતાં વધુ, એક જ વિષયમાં વધુપડતી અરજીઓનો ખડકલો
દેવેન્દ્ર ફડણવીસ
રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટને જનતાનું શસ્ત્ર માનવામાં આવે છે પણ જનતાને જવાબ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડી રહી છે. રાજ્યમાં લગભગ ૭૫,૦૦૦ RTI ઍપ્લિકેશન પર બીજી વારની અપીલ થવાની બાકી છે જ્યારે મુંબઈમાં પેન્ડિંગ અરજીનો આંકડો ૧૫,૦૦૦ કરતાં વધુ છે.
રાજ્યના RTI કમિશનની વેબસાઇટના આધારે ૨૦૨૫ના જુલાઈ સુધીમાં ૭૪,૬૩૯ અરજીઓ પર બીજી વારની અપીલ બાકી છે. મુંબઈમાં ૧૫,૯૪૫ અરજીઓ પેન્ડિંગ છે. નાશિકમાં પેન્ડિંગ અરજીઓનો આંકડો ૧૩,૨૯૭ છે. રાજ્યના નવા ઇન્ફર્મેશન કમિશનર રાહુલ પાંડેએ એક મહિનામાં ૩૫૪૨ કેસનો નિકાલ કર્યો હતો. જોકે નાના ડિવિઝનમાં વધુ કેસ પેન્ડિંગ હોવાનું જણાયું છે. અમરાવતી જિલ્લામાં ૧૨,૭૨૫ અરજીઓ પેન્ડિંગ છે છતાં જુલાઈમાં માત્ર ૧૬૬ કેસનો નિકાલ થયો હતો.
ADVERTISEMENT
RTIની અરજીઓના નિકાલમાં થતા વિલંબનું એક કારણ એ પણ છે કે અમુક સક્રિય કાર્યકરો દ્વારા વધુપડતી અરજીઓનો ખડકલો કરવામાં આવે છે. થોડા સમય અગાઉ પુણેમાં એક કાર્યકરે એક જ ઑર્ડર બાબતે ૨૯૫૫ અરજી કરી હતી. નાગપુરમાં એક જ કાર્યકરે ૨૪૪ અપીલ કરી હતી. આ રીતે મોટી સંખ્યામાં અરજી કરવાને લીધે ઘણી યોગ્ય બાબતની અરજીઓ પેન્ડિંગ રહી જાય છે.
દેવેન્દ્ર ફડણવીસનો નિર્દેશ
મોટા ભાગની માહિતી સક્રિય રીતે જાહેર કરી દેવામાં આવે તો લોકોને RTI થકી માહિતી માગવી ન પડે એથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇન્ફર્મેશન કમિશનની જુદી-જુદી બેન્ચને નિર્દેશ કરીને સમયાંતરે માહિતી જાહર કરતા રહેવાનો નિર્દેશ કર્યો છે.
અપીલ પર નજર રાખવાનો આદેશ
આ રીતે એકસાથે હજારો અરજીઓ કરનારા કાર્યકરો પર નજર રાખવાનો આદેશ રાહુલ પાંડેએ રાજ્યના ૭ ઇન્ફર્મેશન કમિશનરને આપ્યો છે. એ ઉપરાંત જેમાં જાહેર જનતાનું સાધારણ હિત હોય અથવા તો જાહેર જનતાને એનાથી કોઈ લાભ ન થતો હોય એવી બીજી વારની અપીલને કારણે આખી વ્યવસ્થા ખોરવાઈ જતી હોવાથી આવી અપીલ પર પણ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે. બીજી બાજુ કાર્યકરોનું માનવું છે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સાથે સંકળાયેલી અરજીઓની બીજી વારની અપીલ મુંબઈ ઇન્ફર્મેશન કમિશનર દ્વારા સાંભળવામાં આવતી નથી, આ અરજીઓને રાજ્યના માહિતી કમિશન પાસે મોકલી દેવામાં આવે છે.


