આગમાં ૧૮થી ૨૦ વર્ષની વયના ૭ સ્ટુડન્ટ્સ જે ટેબલ પર જમી રહ્યા હતા ત્યાં જ ભડથું થઈ ગયા હતા
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
કુર્લા-વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર આવેલી હોટેલ સિટી કિનારામાં ૨૦૧૫ની ૧૬ ઑક્ટોબરે લાગેલી આગમાં ૮ જણનાં મોત થયાં હતાં, જેમાં ૭ સ્ટુડન્ટ્સ હતા અને ૩૧ વર્ષનો એક ડિઝાઇન એન્જિનિયર હતો. એ ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારે બૉમ્બે હાઈ કોર્ટમાં ૨૦૧૭માં આ કેસમાં લોકાયુક્તે આપેલા ચુકાદા બાદ બૉમ્બે હાઈ કોર્ટમાં વધુ વળતર મેળવવા માટેની અરજી કરી હતી જેની સુનાવણીના અંતે ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો. એમાં કોર્ટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને આ ઘટના માટે જવાબદાર ઠેરવીને મરનાર દરેક વ્યક્તિના પરિવારને ૫૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. લોકાયુક્તે તેમની અરજી બાબતે કહ્યું હતું કે તેમને ૧ લાખનું કૉમ્પેન્સેશન આપવામાં આવ્યું છે, પણ પરિવારે તેમને વધુ કૉમ્પેન્સેશન મળવું જોઈએ એવી રજૂઆત બૉમ્બે હાઈ કોર્ટમાં કરી હતી.
બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે ‘BMCએ હોટેલ સિટી કિનારા સામે એની ગેરરીતિઓ બદલ પગલાં લીધાં નહોતાં એને કારણે આગ લાગી હતી અને એમાં લોકોના જીવ ગયા હતા. જો BMCએ તેમના પર ત્વરિત પ્રોમ્પ્ટ ઍક્શન લીધી હોત તો આગની એ ઘટના બની જ ન હોત.’

