ડી કંપનીના નામે ફૉરેનના બિઝનેસનમૅનને પણ ધમકાવ્યા હતા
રિન્કુ સિંહ
ક્રિકેટર રિન્કુ સિંહ અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP- Sp)ના નેતા ઝીશાન સિદ્દીકીને ખંડણી માટે ઈ-મેઇલ મોકલનાર મોહમ્મદ દિલશાદ નૌશાદે ફૉરેનના એક બિઝનેસમૅનને પણ ડી કંપનીના નામે ધમકાવીને તેની પાસે ખંડણી માગી હોવાનું તપાસમાં જણાયું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘દિલશાદ મૂળ બિહારના દરભંગાનો છે અને તે બહુ સૉફિસ્ટિકેટેડ સાઇબર સેટઅપ વાપરે છે. તે વિદેશથી, વિદેશના IP દ્વારા ધમકી આપીને ખંડણી પડાવવા માટે ઈ-મેઇલ મોકલે છે. મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે આ કેસમાં ૯૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી છે જેમાં ૮ સાક્ષીઓનાં સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં છે. એમાંથી બે સાક્ષી રિન્કુ સિંહના મૅનેજર છે જેમાંનો એક તેનો ભૂતપૂર્વ મૅનેજર છે, જ્યારે બીજો હાલમાં તેની ઇવેન્ટ મૅનેજ કરે છે.’
ADVERTISEMENT
રિન્કુ સિંહના બન્ને મૅનેજરનાં સ્ટેટમેન્ટ ઑગસ્ટમાં લેવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રિન્કુ સિંહના પ્રોફેશનલ અકાઉન્ટ પર ઘણી બધી ઈ-મેઇલ મળી હતી. જોકે પહેલી ઈ-મેઇલ મદદ માગતી હાર્મલેસ ઈ-મેઇલ હતી. જોકે એ પછી મળેલી ઈ-મેઇલ ડી કંપનીના નામે મોકલવામાં આવી હતી અને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગીને ધમકી આપવામાં આવી હતી.
જોકે એ ઈ-મેઇલ તેણે વાંચી જ નહોતી. ઝીશાન સિદ્દીકીને જ્યારે દિલશાદે ધમકી આપી ત્યારે પોલીસે એ ઈ-મેઇલને ટ્રેસ કરીને વિગતો તપાસી ત્યારે જાણ થઈ હતી કે એ જ ઈ-મેઇલ IDથી રિંન્કુ સિંહને પણ ઈ-મેઇલ મોકલવામાં આવી હતી એથી મુંબઈ પોલીસે રિન્કુ સિંહની મૅનેજમેન્ટ ટીમને એની જાણ કરી હતી.
દિલશાદે ઝીશાન સિદ્દીકીને ૧૯ એપ્રિલ અને ૨૧ એપ્રિલ વચ્ચે આવી જ ઈ-મેઇલ મોકલાવીને તેની પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. એમાં કહેવાયું હતું કે જો ખંડણી નહીં આપી તો તારી હાલત પણ તારા પિતા જેવી થશે. ઝીશાન સિદ્દીકીના પિતા અને રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પહેલાં બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પછી એ ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલને ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે તપાસ કરતાં એ ઈ-મેઇલના IP ઍડ્રેસ ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોનું હોવાનું જણાયું હતું. એ પછી મિનિસ્ટ્રી ઑફ ફૉરેન અફેર્સની મદદથી ઇન્ટરપોલને જાણ કરી તેમની મદદ લેવાઈ હતી અને દિલશાદને મુંબઈ લાવી તેની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સાઇબર ક્રાઇમના કેસમાં આ રીતે આરોપીને વિદેશથી ભારત લાવવામાં આવે એવું ભાગ્યે જ બને છે.
આરોપી દિલશાદ વિશે ઑફિસરે કહ્યું હતું કે ‘દિલશાદ સાઇબર મૅનિપ્યુલેશનમાં માસ્ટરી ધરાવે છે એટલે તેણે વિદેશના મલ્ટિપલ લોકેશનથી ધમકીની ઈ-મેઇલ મોકલાવી છે. તે ડી કંપનીનું નામ ફક્ત લોકોને ડરાવી-ધમકાવીને ખંડણી પડાવવા માટે વાપરી રહ્યો હોવાનું જણાયું છે. ડી કંપની સાથે લિન્ક ધરાવતો હોય એવી કોઈ પણ કડી હજી સુધી તપાસમાં નથી મળી.’
ઍન્ટિ-એક્સ્ટોર્શન સેલ હવે આ કેસમાં ફક્ત દિલશાદ જ સંકળાયેલો છે કે તેની સાથે અન્ય બીજા લોકો પણ હતા જેઓ દેશ-વિદેશના હાઈ-પ્રોફાઈલ લોકોને ધમકાવીને તેમની પાસેથી ખંડણી પડાવતા હતા એ વિશે તપાસ ચાલી રહી છે.


