સોમવારે કાશ્મીર પહોંચ્યા પછી ઓરિજિનલ પ્લાન મંગળવારે સવારે બીજે ક્યાંક જવાનો હતો, પણ એ સ્થળે ભીડ હોવાથી પહલગામ ગયા
ન્યુ પનવેલના દિલીપ દેસલે પત્ની ઉષાબહેન સાથે.
મુંબઈ નજીકના ન્યુ પનવેલમાં રહેતા ૬૪ વર્ષના દિલીપ દેસલે એક પ્રાઇવેટ ઇલેક્ટ્રિક કંપનીમાંથી રિટાયર્ડ થયા બાદ પત્ની ઉષા સાથે રહેતા હતા. તેમને પ્રવાસનો ખૂબ શોખ હતો એટલે રિટાયર થયા બાદ પત્ની સાથે વિવિધ જગ્યાએ ટૂર કરતા હતા. આવી જ રીતે વધુ એક ૧૦ દિવસની ટૂર કરવા માટે તેઓ સોમવારે મુંબઈથી નિસર્ગ પર્યટન ટૂરમાં ૩૫ લોકો સાથે મુંબઈથી નીકળીને કાશ્મીર પહોંચ્યા હતા. દિલીપ દેસલે પહેલાં ક્યારેય કાશ્મીર નહોતા જઈ શક્યા એટલે જીવનમાં એક વખત કાશ્મીર જવાની તેમની ઇચ્છા હતી એ પૂરી કરવા તેઓ ટૂરમાં જોડાયા હતા. જોકે તેમને ખબર નહોતી કે આ ટૂર તેમની આખરી ટૂર બની જશે.
ગઈ કાલે ન્યુ પનવેલમાં દિલીપ દેસલેનો મૃતદેહ તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
દિલીપ દેસલેના પાડોશીઓના કહેવા મુજબ સોમવારે મોડી સાંજે કાશ્મીર પહોંચ્યા બાદ મંગળવારે સવારે ટૂરના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. ટૂરિસ્ટોને બીજા એક સ્થળે લઈ જવાના હતા, પણ એ સ્થળે ખૂબ ભીડ હતી એટલે દિલીપ દેસલે અને તેમની સાથેના પ્રવાસીઓ બસમાં બપોરે પહલગામ પહોંચ્યા હતા. બસમાંથી ઊતરીને બધા પ્રવાસીઓ ફરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમને ઘેરી લીધા હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓમાં સામેલ મહિલા અને બાળકોને એક તરફ કરી દીધાં હતાં. પુરુષોનાં નામ અને ધર્મ પૂછવામાં આવ્યા બાદ ગોળી મારવામાં આવી હતી. દિલીપ દેસલેને તેમનાં પત્ની ઉષાબહેનની નજરની સામે છાતી અને માથામાં ગોળીઓ મારી દેવાથી તેમનું મૃત્યુ થયું હતું.
દિલીપ દેસલેનો પુત્ર અને પરિણીત પુત્રી પુણેમાં રહે છે. મૃત્યુના સમાચાર મળ્યા બાદ તેઓ ન્યુ પનવેલના ઘરે મંગળવારે રાત્રે પહોંચી ગયાં હતાં. દિલીપ દેસલેના મૃતદેહને ગઈ કાલે કાશ્મીરથી મુંબઈ લાવવામાં આવ્યો હતો અને મુંબઈ ઍરપોર્ટ પર મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો. મોડી સાંજે ન્યુ પનવેલમાં દિલીપ દેસલેના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

