વેપારીઓ માટે દિવાળીની આ સીઝન ખરી ખુશાલીની સીઝન બની ગઈ છે
તસવીર: આશિષ રાજે
દિવાળી આવી, વેપારીઓ માટે ખુશાલી લાવી
દિવાળી એટલે સોના-ચાંદી, નવાં કપડાં, કંદીલ, ફટાકડા, મીઠાઈ, ઘરની સજાવટથી માંડીને નાની- મોટી બધી વસ્તુઓની ખરીદીનો ઉત્સવ. દીપોત્સવ શરૂ થાય એ પહેલાંનો આ છેલ્લો રવિવાર હોવાથી મુંબઈગરાઓએ મન મૂકીને શૉપિંગ કર્યું હતું. લોકલ બજારો સાથે દાદર, ભુલેશ્વર, ક્રૉફર્ડ માર્કેટમાં જાણે ભીડના ભડાકા થયા હતા. ગરમી અને ગિરદી છતાં લોકોના ચહેરા પર દિવાળીનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. લોકોની ભીડ વચ્ચે રંગબેરંગી કંદીલ, રંગોળીનાં કટઆઉ્સ અને તોરણ ચમકી રહ્યાં હતાં. દાદર-વેસ્ટની માર્કેટમાં લોકોને ચાલવાની જગ્યા પણ બચી નહોતી. લોકોનો આટલો ઉત્સાહ જોઈને લાગતું હતું કે દિવાળીનો ખરો માહોલ તો અહીં જ અનુભવાય છે. વેપારીઓ માટે દિવાળીની આ સીઝન ખરી ખુશાલીની સીઝન બની ગઈ છે.
પાવર ફેલ્યરને લીધે વિરાર અને દહાણુ રોડ વચ્ચે ટ્રેનો અટવાઈ
ADVERTISEMENT
પશ્ચિમ રેલવેના વિરાર-દહાણુ રૂટ પર વીજળી ગુલ થવાને કારણે ટ્રેનો અટવાઈ ગઈ હતી. રવિવારે બપોરે ૩.૪૫ વાગ્યે વિરારથી દહાણુ માટે રવાના થયેલી લોકલ ટ્રેન વિરાર અને વૈતરણા સ્ટેશન વચ્ચે વીજપુરવઠો ખોરવાઈ જતાં અટકી ગઈ હતી. અડધો કલાક સુધી લોકલ ટ્રેન ઊભી રહી ગઈ હતી જેને કારણે મુસાફરો અટવાઈ ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનો પણ મોડી પડી હતી.
ખારઘરના બિલ્ડિંગમાં આગ, ૪ લોકો બેભાન થયા

રવિવારે બપોરે ૧૨.૪૫ વાગ્યે ખારઘરના સેક્ટર ૩૫માં આવેલી ટ્રાઇસિટી સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ હાઇરાઇઝ બિલ્ડિંગના ડક્ટમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગતાં આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘણા રહેવાસીઓ ટેરેસ પર ફસાઈ ગયા હતા અને અમુક લોકોને ધુમાડાથી ગૂંગળામણ થઈ હતી. સિડકોના ડેપ્યુટી ફાયર ઑફિસરે આપેલી માહિતી મુજબ આગ ડક્ટ દ્વારા ૧૭થી ૧૯મા માળ સુધી પહોંચી હતી. ધુમાડાને કારણે લગભગ ૪ લોકો બેભાન થઈ ગયા હતા અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તસવીર : મંગળ કાંબળે, સ્વચ્છ ખારઘર ફાઉન્ડેશન


